<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

એસ.ટી. બસ પોર્ટમાં વગર વરસાદે ટપકતા પાણીથી મુસાફરોને હાલાકી

રાજકોટ તા. ર૧: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, પટેલ નાગજીભાઈ વિરાણી, જીગ્નેશભાઈ બોરડ, પટેલ જેન્‍તીભાઈ હિરપરા, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, ફુલાબેન ચૌહાણ, એસ પી રાજાણી ની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટનું એસ.ટી બસ પોર્ટ એ રાજકોટના ડેપો મેનેજર અને કોન્‍ટ્રાક્‍ટરોના બેદરકારી અને લાપરવાહી ના પગલે કાયમ માટે વિવાદોમાં રહ્યું છે.

પાંચેક વર્ષમાં બસ સ્‍ટેશનની હાલત ભાંગીને ભૂકો થઈ ગઈ છે અને મેઇન્‍ટેનન્‍સના અભાવે મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે. રાજકોટ એસ.ટી બસ પોર્ટ માં હાલ પ્‍લેટફોર્મ નંબર ચાર પાસે જે બેઠક વ્‍યવસ્‍થા છે તે સ્‍થળે બસ પોર્ટ ની ઉપરથી છતમાંથી પાણી પડે છે એટલે કે મુસાફરોએ હવે એસટી બસ પોર્ટમાં વગર વરસાદે છત્રી કે રેઇનકોટ સાથે બેસવું પડે તેવી પરિસ્‍થિતિ ઉભી થઈ છે.

અગાઉ પણ પાણી પડવાની ઘટનાથી ત્રણ ત્રણ પાણીની ડોલ મૂકવાની ફરજ પડી હતી. હાલ ડોલ મૂકે તો નાક કપાય એટલા માટે પાણી પડે એટલે તરત પોતા ફેરવી નાખવામાં આવે છે.  મુસાફરની ફરિયાદ મળતા  ગજેન્‍દ્રસિંહ ઝાલા બસપોર્ટ પર રૂબરૂ સ્‍થળ તપાસ કરતા પાણી પડતું હોય જે પગલે સ્‍ટેન્‍ડ ઇન્‍ચાર્જ એટીઆઈ જોરુભા ગઢવી અને જવાબદાર કોન્‍ટ્રાક્‍ટરના સુપરવાઇઝરને તાત્‍કાલિક પાણી બંધ કરવા રજૂઆત કરવામાં આવી છે.

અને સીસી ફૂટેજ જોઈ જવાબદાર ડેપો મેનેજર કે કોન્‍ટ્રાક્‍ટરને દંડની એ કાર્યવાહી કરવા ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રીને લેખિત ફરિયાદ કરવામાં આવશે. તેમ ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ (મો. ૯૪ર૬ર ર૯૩૯૬) ની યાદીમાં જણાવાયું છે.

(3:00 PM IST)