તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st July 2025
પેડક રોડ પર બીજદાન કેન્દ્રમાંથી ૧.૧૩ લાખના કૃત્રિમ બીજની ચોરીમાં બે પકડાયા
બીજ જેમાં હતાં તે એલ્યુમિનીયમ કન્ટેનરમાં હોઇ ભંગાર સમજી ચોરી કરી હતીઃ સંજય અને છગન જેલહવાલેઃ બી-ડિવીઝન પોલીસે ભેદ ઉકેલ્યો

રાજકોટ તા. ૨૧: શહેરના પેડક રોડ પર આવેલી વિભાગીય બીજદાન કેન્દ્રમાંથી રૂા. ૧.૧૩ લાખના કૃત્રિમ બીજના ૧૫ કન્ટેનર કે જે એલ્યુમિનીયમના હતાં તે ગયા માર્ચ મહિનામાં ચોરી ગયું હતું. આ ચોરીનો ભેદ બી-ડિવીઝન પોલીસે ઉકેલી બે શખ્સને પકડયા છે. ચોરી કરનારે એલ્યુમિનીયમને ભંગારમાં આપવા આ કન્ટેનર ઉઠાવ્યા હતાં. અંદર કૃત્રિમ બીજ હોવાની તેને ખબર નહોતી. પોલીસે સસ્તામાં ચોરાઉ કન્ટેનર ખરીદનારા ભંગારના ડેલાવાળાની પણ ધરપકડ કરી હતી. બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં જેલહવાલે થયા છે.
આ બનાવ ગત માર્ચ મહિનામાં બન્યો હતો. જે તે વખતે બનાવ અંગે રાજકોટમાં ર્સ્ટલિંગ હોસ્પિટલ પાસે રાજેશ્વરી પાર્કમાં રહેતાં ડો. ભસ્માંગભાઈ કનકરાય ત્રિવેદીએ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે તેઓ પેડક રોડ પર આવેલ વિભાગિય કૃત્રિમ બીજદાન કેન્દ્રમાં મદદનીશ પશુપાલન નિયામક તરીકે ફરજ બજાવે છે. દોઢેક મહિના પહેલા તેઓનો ઓફીસ પાસે આવેલ ગોડાઉનમાં ૩.૯ લીટરના ૧૩૩ તથા ૩૪ લીટરના ૧૩૦ કન્ટેનર ગોડાઉનમા હાજર સ્ટોકમા હતા. જે બાદ ગોડાઉન બંધ કરી દીધુ હતું. બીજા દિવસે સવારે તેઓ નિયત સમયે ઓફીસ આવી કામ કરતાં હતાં તે દરમિયાન કચેરી કેમ્પસમાં આવેલ કુવા પાસે પાણી લિકેજ માટે માર્ગ અને મકાન વિભાગના માણસો કામ કરતા હતાં ત્યારે તેઓ અને ડો.જી.વી.૫ટેલ બન્ને જોવા માટે ગયેલ હતાં. ત્યાંથી પરત ફરતી વખતે બપોરના સમયે તેઓની નજર ગોડાઉનના તરફ ગયેલ તો ત્યાં ગોડાઉનના શટરના નીચેના ભાગે ઇંટોના ટુકડા પડેલ જોવામા આવેલ અને શટરના ઉપરના ભાગે બાકોરૂ જોવા મળેલ હતું.
જેથી શટર ખોલી અંદર ગયેલ અને તપાસતા અંદરના ભાગે કન્ટેનરની ઉપરની કોથળી જે પેકિંગમા હોય તે કોથળી નીચે પડેલ જોવા મળેલ હતી. તેઓને શંકા જતા ગોડાઉનમાં રહેલ મુદામાલ તપાસતા ૩. ૯ લિટરના કુલ ૧૧ કન્ટેનર અને ૩૯ લિટરના કુલ ૦૩ કન્ટેનર, ૩૪ લિટરનું અકે કન્ટેનર મળી કુલ ૧૫ નંગ કન્ટેનર અલગ અલગ સાઇઝના કુલ રૂ.૧,૧૩,૩૮૧ નો મુદ્દામાલ મળી આવેલ ન હતો. તેમજ લેબોરેટરીમાં લગાવેલ વિન્ડો એરકન્ડીશનરના પાછળના ભાગમાથી અમુક ભાગ તુટેલ જોવામા આવેલ હતો. જેથી આશરે દોઢેક મહિનાની અંદર કોઇ અજાણ્યા શખ્સો ગોડાઉનમા ગેર કાયદેસર પ્રવેશ કરી અલગ અલગ સાઈઝના કુલ ૧૫ કન્ટેનર રૂ.૧,૧૩,૩૮૧ની ચોરી થઇ હતી.
બી-ડિવીઝનમાં આ અંગે ગુનો દાખલ થયો હતો. જેનો ભેદ હેડકોન્સ. નરેશભાઇ ચાવડા, કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલાની બાતમી પરથી ઉકેલાયો છે. પોલીસે સંજય છગનભાઇ મોરી (રહે. શક્તિ સોસાયટી આડો પેડક રોડ) અને કમલેશ શ્યામજીભાઇ શર્મા (રહે. મોરબી રોડ ફિલ્ડ માર્શલની વાડી પાસે)ને પકડી લીધા હતાં. પીઆઇ એસ. એસ. રાણે, પીએસઆઇ એમ. એન. પીઠીયા, એએસઆઇ અનિલસિંહ ગોહિલ, હેડકોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, નરેશભાઇ ચાવડા, કોન્સ. વિશ્વજીતસિંહ ઝાલા, વિનોદભાઇ પરમાર, રાજદિપભાઇ પટગીર, મનજીભાઇ ડાંગર અને હાર્દિકભાઇ ગાજીપરા તથા મહેશભાઇ કછોટે આ કામગીરી કરી હતી.
(3:02 PM IST)










