<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st July 2025

ભગવાનમાં શ્રધ્‍ધા રાખીને કરેલું કોઇપણ કાર્ય પૂર્ણ થઇને જ રહે : પૂ. ડોકટર સ્‍વામી

બીએપીએસ સ્‍વામિનારાયણ મંદિરે સેવાનિષ્‍ઠ મહાનુભાવો માટે ‘લેશન્‍સ ફ્રોમ લીજેન્‍ડસ' વિષય પર યોજાયો સેમીનાર : પૂ. અપૂર્વમુનિનું પણ પ્રેરક પ્રવચન

રાજકોટ : વિશ્વના દરેક મહાન પુરુષો કેવળ પદ, પૈસો અને પ્રતિષ્‍ઠાને કારણે જ પ્રસિદ્ધિ કે પરમ શાંતિ પામતા નથી, પરંતુ તેઓની વિખ્‍યાતીના મૂળમાં હોય છે પવિત્રતા, પરોપકારીતા અને પરમાર્થતા. લાખો લોકોના હૃદયમાં સ્‍થાન પ્રાપ્ત કરવા અને શાશ્વત શાંતિની અનુભૂતિ માટે સફળતાની સાથે જરૂરી છે સજ્જનતા. તે આવડત અહંકાર કે આયોજનથી નહીં, પરંતુ સાચા સંતના સમાગમથી આવે છે. બી.એ.પી.એસ. સ્‍વામિનારાયણ મંદિર રાજકોટ ખાતે શનિવારે સન્‍માનનીય અને સેવાનિષ્‍ઠ મહાનુભાવો માટે ‘લેસન્‍સ ફ્રોમ લીજેન્‍ડ્‍સ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ સમારોહમાં સને ૧૯૫૭માં મુંબઈથી એમબીબીએસ પૂર્ણ કરી, સાધુની દીક્ષા લેનાર અને પોતાના પવિત્ર વર્તન અને વાણીથી વિશ્વના લાખો મહાનુભાવો તથા ભક્‍તોના હૃદયમાં સ્‍થાન પ્રાપ્ત કરનાર ૯૨ વર્ષની જૈફ વયે પણ દેશ-વિદેશમાં વિચરણ કરી માનવ માત્રને પ્રગતિના પંથે પ્રેરનાર સંસ્‍થાના વરિષ્‍ઠ સંત પૂ.ડોક્‍ટર સ્‍વામીના દર્શન અને હૃદય સ્‍પર્શી પ્રવચનનો લાભ તમામે પ્રાપ્‍ત કર્યો હતો. તેઓએ જણાવ્‍યું હતું કે, ‘આપ સૌમાં અનંત શક્‍તિઓ રહેલી છે. ભગવાનમાં શ્રદ્ધા રાખી કાર્ય કરવાથી તમે ધારેલ કોઈ પણ કાર્ય પૂર્ણ કરી શકો છો.' સાથે સાથે આ સમારોહમાં પૂ.અપૂર્વમુનિ સ્‍વામીએ ‘લીવીંગ બાય લીવીંગ' વિષયક મર્મસભર પ્રવચનનો લાભ આપ્‍યો હતો. જેમાં તેઓએ જીવનના સાચા અર્થ માટે ત્‍યાગ અને વિચારશીલ જીવનશૈલી પર પ્રકાશ પાડી સૌના હૃદયમાં જીવનમૂલ્‍યોની જ્‍યોત પ્રગટાવી હતી. તેઓએ જણાવ્‍યું હતું કે, ‘વી આર બોર્ન ક્રાઇંગ, લીવ કોમ્‍પલેઇનીંગ એન્‍ડ ડાય ડીસએપોઇન્‍ટેડ'. આજે માણસના સુખના કપડામાં દુઃખના ઉદ્દગારો જ સંભળાતા હોય છે. માટે કયારેક કાંઈક જતું કરવાથી પણ શાંતિ મળે છે.' તેઓએ પ્રવચનના વિષય 'છોડીને જીવવું' મુજબ જીવનમાં જો આપણે અહંકાર, ઈર્ષ્‍યા અને અપેક્ષાઓનો ત્‍યાગ કરીએ તો જીવન વધુ સારી રીતે જીવી શકીએ એ વિષયક વાસ્‍તવિક પ્રસંગો અને ઉદાહરણો સાથે માર્ગદર્શન આપ્‍યું હતું. શહેરના કુલ ૧૫૦૦થી અધિક સન્‍માનનીય અને સેવાનિષ્‍ઠ મહાનુભાવોએ આ પ્રેરક કાર્યક્રમનો લાભ લીધો હતો.

(4:33 PM IST)