હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજકોટથી સુરેન્દ્રનગર એસટી ડેપોએ મોકલવાના ટેન્કરને મોચીનગરમાં લઇ જઇ ડીઝલની ચોરી
માર્ગ વાહન વ્યવહાર નીગમના અધિકારી સંજયભાઇ લખતરીયા અને ટીમે કારસ્તાન પકડયું: ગાંધીગ્રામ પોલીસે ડ્રાઇવર પોપટપરાના અબ્બાસ બુરબાનને સકંજામાં લીધોઃ ભાગી ગયેલા છ જણાની શોધખોળ

રાજકોટ તા. ૨૨: રાજ્યના એસટી ડેપો ખાતે લઇ જવાના થતાં ડીઝલ ટેન્કર જે તે ડેપો ખાતે પહોંચે છે કે કેમ તેની સુરક્ષાની જવાબદારી નિભાવતા અધિકારી અને તેમની ટીમે આવા ટેન્કર ડેપો પર પહોંચે એ પહેલા બીજા સ્થળે લઇ જઇ તેમાંથી ડીઝલ ચોરી લેવાનું કારસ્તાન ઝડપી લીધું છે. રાજકોટ આઇઓસીએલ ટર્મીનલ ખાતેથી સુરેન્દ્રનગર ડેપો ખાતે જવા નીકળેલુ ડીઝલનું ટેન્કર જામનગર રોડના ડેપોથી નિયત સ્થળે લઇ જવાને બદલે બજરંગવાડી મોચીબજાર સોસાયટી ખાતે લઇ જઇ ટેન્કરના ચાલકે બીજા છ જણાની મદદથી આ ટેન્કરમાંથી ૧૦૦થી ૧૫૦૦ લિટર જેટલુ ડીઝલ ચોરી લીધુ હતું. દરોડો પડતાં ટેન્કર ડ્રાઇવર પકડાઇ ગયો હતો અને બીજા છ જણા ભાગી ગયા હતાં.
આ અંગે ગોંડલ રોડ એસટી વર્કશોપ પાસે એસટી કોલોની ક્લાસ-૨ ક્વાર્ટર ખાતે રહેતાં અને ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ ખાતે તકેદારી શાખામાં વિભાગીય તકેદારી સુરક્ષા અધિકારી તરીકે ફરજ બજાવતાં સંજયભાઇ બાલકૃષ્ણભાઇ લખતરીયા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે પોપટપરા-૧૨ રામજી મંદિર ખાતે રહેતાં ટેન્કર નં. જીજે૩૬ટી-૯૪૭૧ના ડ્રાઇવર અબ્બાસ કાસમભાઇ બુરબાન (ઉ.વ.૪૮) અને છ અજાણ્યા સામે ડીઝલ ચોરીનો ગુનો નોંધ્યો છે.
સંજયભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમા રાજકોટ વિભાગ ખાતે તકેદારી શાખામાં વિભાગીય તકેદારી સુરક્ષા અધીકારી તરીકે મારી નોકરી કરું છું.અમારા રાજકોટ વિભાગના વિભાગીય નિયામક જે. બી. કરોતરાની સુચનાથી વિભાગના તમામ ડેપો ખાતે લાવવામાં આવતાં ડિઝલ ટેન્કરની ખાનગી રાહે વોચ રાખી ચકાસવાનું જણાવેલ હતું. જે અંગેની માહિતી અમારા ભંડાર અધિકારી દ્રારા મેળવીને અમોને માહિતી આપવામાં આવતી હોય છે. જેથી આજ રોજ અમોને જાણવા મેળલ કે અમારા વિભાગના કાર્યક્ષેત્રમાં આવતાં સુરેન્દ્રનગર ડેપો ખાતે ૨૦ કે.એલ. ભરેલું ડિઝલ ટેન્કર જવાનું છે જે ટેન્કરના જે આઈ.ઓ.સી.એલ માંથી એલોકેશન થયેલ જેથી અમારા તાબા નીચેના સ્ટાફને સાથે રાખીને રાજકોટ જામનગર રોડ ખાતે આવેલ આઈ.ઓ.સી.એલના રાજકોટ ટર્મીનલ ખાતે સવારના વોચ રાખેલ હતાં.
તે દરમિયાન ભંડાર અધિકારી દ્રારા આપવામાં આવેલ ટેન્કર આઈ.ઓ.સી.એલના ટર્મીનલ ખાતેથી બહાર નીકળેલ હતું.જેથી અમારા સ્ટાફને સાથે રાખીને ટેન્કરની પાછળ અમારો સ્ટાફ કાર સાથે ગયો ત્યારે જોવા મળેલ હતું કે આ ટેન્કર સુરેન્દ્રનગર ખાતે ન જતાં મોચીનગર ખાતે આવેલ સોસાયટી નંબર-૦૧માં ગયું હતું. દુરથી વોચ રાખતાં ટેન્કરના ડ્રાઈવર દ્રારા આ સોસાયટીમાં એક ઘરની પાસે ટેન્કર ઉભું રાખીને તેમના માણસો બોલાવી ડ્રાઈવર અબ્બાસ દ્રારા આ ટેન્કરનું સીલ તોડીને તેમાંથી અંદાજીત ૧૦૦ થી ૧૫૦ લીટર જેટલું ડિઝલ બેરલમાં ભરેલ હશે. જે બનાવ બાદ અમે અમારા ભંડાર અધિકારી એ. એચ. ગૌસ્વામી, વિભાગીય નિયામક જે. બી. કરોતરાને જાણ કરતાં તેઓ તેમની સાથે વિભાગીય યાંત્રિક ઇજનેર એન. સી. સોનીને રૂબરૂ સ્થળ મુલાકાતે આવેલ અને જિલ્લા પુરવઠા ઈન્સપેકટર મિલનભાઇ દેસાઇને સાથે લાવ્યા હતાં.
ત્યારે બનાવના સ્થળ પર નજીકથી રૂબરૂ જોતાં અન્ય માણસો ત્યાંથી નાસી ગયા હતા. બાદ જે મકાન પાસે આ ટેન્કર રાખેલ હતું ત્યાં આવેલ રૂમમાં આ ટેન્કરમાંથી કાઢવામાં આવેલ અંદાજે ૧૦૦ થી ૧૫૦ લીટરનો મુદ્દામાલ તેમજ ખાલી બેરલો જોવા મળ્યા હતા.જેથી આ મામલે પોલીસને ફોન કરી ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં સંજયભાઇ લખતરીયાએ જણાવતાં પીઆઇ એસ. આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્સ. આર. ટી. વાસદેવાણીએ ગુનો નોંધ્યો હતો. વધુ તપાસ હેડકોન્સ. સહદેવસિંહ જાડેજા ચલાવે છે.










