<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

શહેઝાને ધરાર મિત્રતા રાખવાનું કહી બરાડા પાડયાઃ યુવતિના ઘરમાં ઘુસી જઇ લાફો મારી ગાળો ભાંડી

દેકારો થતાં માતા વચ્‍ચે પડતાં તેને પણ ધક્‍કો દઇ પછાડી દીધાઃ અગાઉ યુવતિની ઓફિસે જઇને પણ લાફો મારી આવ્‍યો હતોઃ ભક્‍તિનગર પોલીસે ગુનો નોંધી સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૨: શહેરના ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનની હદમાં રહેતી અને પ્રાઇવેટ નોકરી કરતી યુવતિને અગાઉ શહેઝાન નામના મુસ્‍લિમ શખ્‍સ સાથે મિત્રતા હોઇ હવે મિત્રતા તોડી નાંખતા અને તેના ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં આ શખ્‍સે પરાણે મિત્રતા રાખવાનું કહી યુવતિના ઘર પાસે જઇ જોર જોરથી રાડો પાડી ફોન ઉપાડ તેમ કહી બાદમાં ઘરમાં ઘુસી જઇ યુવતિને લાફો મારી ગાળો દઇ તેણીના માતાને પણ ધક્કો મારી પછાડી દેતાં ફરિયાદ થઇ છે. અગાઉ યુવતિ નોકરી કરે છે ત્‍યાં જઇને પણ તેણે લાફો મારી લીધો હતો.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે એકવીસ વર્ષની યુવતિની ફરિયાદ પરથી શહેઝાન યાકુબભાઇ જેઠવા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. યુવતિ અને આરોપી વચ્‍ચે અગાઉ મિત્રતા હતી. હવે યુવતિએ મિત્રતા તોડી નાખતા આરોપીએ પરાણે ફ્રેન્‍ડશીપ રાખવાનું કહી અવાર-નવાર ફોન કરી હેરાન કરી તેમજ યુવતિએ ફોન રિસીવ ન કરતાં ઘરમાં ઘુસી હાથ પકડી જાપટ મારી ગાળો દીધાનું ફરિયાદમાં જણાવાયું છે.

યુવતિ પરિવાર સાથે રહે છે અને પ્રાઇવેટ નોકરી કરે છે. તેણીએ ફરિયાદમાં જણાવ્‍યુ છે કે હું સોમવારે સવારે એકટીવા લઇને ઘરેથી નોકરી પર જવા નીકળી ત્‍યારે રસ્‍તામાં શહેજાન (સેઝાન) કે જેની સાથે અગાઉ મારે મિત્રતા હતી તે અવાર-નવાર મને ફોન કરતો હોઇ હું ફોન ઉપાડતી ન હોઇ અને હવે મિત્રતા રાખવી નથી તેમ મેં તેને કહી દીધુ હોઇ આ કારણે ખાર રાખી તેણે ગાળો દીધી હતી.

ત્‍યારબાદ સાંજે છએક વાગ્‍યે હું નોકરીથી ઘરે આવી ત્‍યારે ફરીથી તેણે વારંવાર ફોન કરતાં મેં ફોન ન ઉપાડતાં તેણે ઘર બહાર આવી જોર જોરથી રાડો પાડી ફોન ઉપાડ નહિતર હું ઘરની અંદર આવુ છું તેમ કહેતાં મેં તેનો ફોન ન ઉપાડતાં તેણે સતત ફોન કરવાનું ચાલુ રાખ્‍યું હતું. જેથી મેં એક વાર ફોન ઉપાડીને કહેલું કે તું ઘરની બહાર ઉભો ન રહે, ત્‍યાંથી જતો રહે. આમ છતાં તે ગયો નહોતો અને ડેલી ખોલી સીધો ઘરમાં ઘુસી ગયો હતો અને મારા પર હુમલો કરી હાથ પકડી લઇ મારો ફોન ઝૂંટવી લઇ મને જાપટ મારી દીધી હતી. દેકારો થતાં મારા માતા આવી ગયા હતાં. તેને પણ શહેઝાને ધક્કો મારી પછાડી દીધા હતાં.

તેમજ તે જોર જોરથી રાડો પાડવા માંડયો હતો કે તું કેમ મારા ફોન ઉપાડતી નથી. આ દરમિયાન મારા સગા આવી જતાં શહેઝાન ઘરની અંદર આવી ગયા હતાં. તેને મેં બનાવની જાણ કરતાં પોલીસને ફોન કર્યો હતો. પોલીસ આવતાં બધાને ગાડીમાં બેસાડી પોલીસ સ્‍ટેશને લઇ જતાં મેં ફરિયાદ નોંધાવી હતી. પંદરેક દિવસ પહેલા પણ શહેઝાને મારી ઓફિસે આવી મને ગાલ પર જાપટ મારી દીધી હતી. આ રીતે શહેઝાન મને સતત ધરાર મિત્રતા રાખવાનું કહી ફોન કરી હેરાન કરતો હોઇ હું ફોન ઉપાડતી ન હોઉ તે મિત્રતા રાખવા ધમકી આપતો હોઇ અને હવે ઘરમાં આવી જાપટ મારી લઇ ગાળો દઇ તેમજ મારા મમ્‍મીને પણ ધક્કો મારી પછાડી દીધા હોઇ ફરિયાદ નોંધાવવી પડી હતી. તેમ વધુમાં યુવતિએ કહેતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં નિલેષભાઇ મકવાણા, જયેશભાઇ લાખાભાઇ સહિતને ગુનો દાખલ કર્યો હતો. પીએસઆઇ એમ. અને. વસાવા વધુ તપાસ કરે છે.

(3:03 PM IST)