<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd July 2025

દૂધની ડેરી પાસે રહેતો નામચીન ફારૂક ઉર્ફ જમાલ ચોરાઉ એક્‍ટીવાના પાર્ટસ સાથે ઝડપાયો

ગુજસીટોકના કોર્ટના વોરન્‍ટમાં ફરાર રહ્યો એ દરમિયાન મારામારી, ચોરીના વધુ ત્રણ ગુના રાજકોટ-ઉનામાં આચરી લીધા : અગાઉ હત્‍યાની કોશિષ, લૂંટ, ધમકીના ગુનાઓમાં સામેલઃ એલસીબી ઝોન-૧ના બી. વી. ચુડાસમાની ટીમની કામગીરીઃ એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હિતેષભાઇ પરમાર અને રવિરાજભાઇ પટગીરની બાતમી

રાજકોટ તા. ૨૨: શહેર એલસીબી ઝોન-૧ ટીમે ગુજસીટોકના ગુનામાં અગાઉ સંડોવાઇ ચુકેલા અને હાલ કોર્ટનું વોરન્‍ટ નીકળ્‍યા બાદ ફરાર રહી ચોરી, મારામારીના ત્રણ ગુના આચરી ચુકેલા અને આ ગુનામાં પણ ફરાર એવા દૂધની ડેરી પાસે રહેતાં શખ્‍સને ચોરાઉ એક્‍ટીવાના પાર્ટસ સાથે ઝડપી લીધો છે. આ શખ્‍સે મિત્ર સાથે મળી હુડકો પાછળની સોસાયટીમાંથી એક્‍ટીવા ચોર્યુ હોઇ તેના પાર્ટસ છુટા કરી વેંચવા નીકળતાં ઝપટે ચડી ગયો હતો.

એલસીબી ઝોન-૧ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મનરૂપગીરી ગોસ્‍વામી, હેડકોન્‍સ. હિતેષભાઇ પરમાર, કોન્‍સ. રવિરાજભાઇ પટગીરને બાતમી મળી હતી કે અનેક ગુનામાં સામેલ શખ્‍સ ફારૂક માજોઠી એક્‍ટીવામાં ચોરાઉ વાહના પાર્ટસ રાખીને જંગલેશ્વર મેઇન રોડ બાપુનગર સ્‍મશાન પાસેથી પસાર થવાનો છે. આ બાતમી પરથી વોચ રાખતાં ફારૂક ઉર્ફ જમાલ સલીમભાઇ મેણ (ઉ.વ.૨૫-રહે. દૂધ સાગર રોડ, એચજે સ્‍ટીલ પાસે માજોઠીનગર) જીજે૦૩એલએન-૩૭૦૯ નંબરના એક્‍ટીવામાં આગળના ભાગે એક્‍ટીવાના અલગ અલગ પાર્ટસ, બોડીનો સામાન, જમ્‍પર, એન્‍જીન સહિત દસેક હજારના પાર્ટસ રાખીને નીકળ્‍યો હતો.

તેને અટકાવી પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ આકરી પુછતાછમાં કબુલ્‍યું હતું કે તેણે અને મિત્ર મોઇન સંધીએ સાથે મળી હુડકો પાછળ માધવ હોલ નજીક મારૂતિનગરમાંથી છએક મહિના પહેલા એક્‍ટીવા ચોર્યુ હતું. તેના અમુક પાર્ટસ અગાઉ વેંચી નાંખ્‍યા હતાં. બાકીના પાર્ટસ હવે વેંચવા નીકળ્‍યો હતો. પોલીસે આ પાર્ટસ, તેની પાસેનું વાહન કબ્‍જે કરી ધરપકડ કરી હતી.

ફારૂક ઉર્ફ જમાલ અગાઉ થોરાળા પોલીસમાં ગુજસીટોકના ગુનામાં પકડાયા બાદ જામીન પર છુટી ફરી હાજર થતો ન હોઇ કોર્ટ દ્વારા વોરન્‍ટ નીકળ્‍યું હતું. આ ઉપરાંત તે ફરાર રહ્યો એ દરમિયાન તેણે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં  વાહન ચોરી, મારામારી અને ગીર સોમનાથ  ઉના પોલીસ સ્‍ટેશનની હદમાં મારામારીના ગુના આચરી લીધા હોઇ આ ત્રણ ગુનામાં પણ તે ફરાર હતો. તે અગાઉ પણ થોરાળામાં ધમકી, હત્‍યાની કોશિષ, બી-ડિવીઝનમાં લૂંટના ગુનામાં સંડોવાઇ ચુક્‍યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. ચુડાસમા, એએસઆઇ ભરતભાઇ વાઘેલા, હરેશભાઇ પરમાર, મનરૂપગીરી ગોસ્‍વામી, હેડકોન્‍સ. હિતેષભાઇ પરમાર, હિતેન્‍દ્રસિંહ ઝાલા, જગદીશસિંહ પરમાર, કોન્‍સ. રવિરાજભાઇ પટગીરે આ કામગીરી કરી હતી.

(3:08 PM IST)