<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

મોટાવડામાં ફલેટનું કામ પુર્ણ નહિ કરનાર પુર્વા ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરના ભાગીદારો સહિત ૭ સામે ગુન્‍હો નોંધાયો

ખોરાણા ગામના મનોજભાઇ રાઠોડે મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરીયાદ કરી

રાજકોટ, તા., ર૩:  રાજકોટ તાલુકાના ખોરાણા ગામે રહેતા આધેડે મોટાવડા ગામની સીમમાં આવેલ પુર્વા હાઇટસમાં ખરીદ કરેલા ફલેટનું બાંધકામ પુરૂ ન કરનાર પુર્વા ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરના ભાગીદાર સહિત ૭ સામે વિશ્વાસઘાત કર્યાની પોલીસમાં ફરીયાદ કરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખોરાણા ગામે રહેતા મનોજભાઇ નાનજીભાઇ રાઠોડએ  મકાનની દલાલીનું કામ કરતા ઉમેશ મેઘજીભાઇ વાઘેલા તથા પુર્વા ઇન્‍ફ્રાસ્‍ટ્રકચરના ભાગીદારો નિલેશ કાંતીલાલ લુણાગરીયા, શ્રેયાંશ રામજીભાઇ ભંડેરી, બ્રિજેશ અરજણભાઇ પટેલ, અનિશ જયકાન્‍તભાઇ મહેતા, જીજ્ઞેશ મનહરલાલ પટેલ તથા હરેશ વજુભાઇ સોજીત્રા (રહે. તમામ ર૦૧, નક્ષત્ર-૧, ૧પ૦ ફુટ રીંગ રોડ, અમીનમાર્ગ રાજકોટ સામે) મેટોડા જીઆઇડીસી પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.

ફરીયાદમાં જણાવ્‍યા મુજબ ફરીયાદીએ  આઠ વર્ષ પહેલા મકાન દલાલીનું કામ કરતા ઉમેશભાઇ મારફત લોધીકાના મોટાવડા ગામની સીમમાં આવેલ પુર્વા હાઇટસમાં એ વીંગમાં ૩૦૧ નંબરનો ફલેટ ખરીદ કરવાનું નક્કી કર્યુ હતું.  જે તે સમયે દોઢ-બે વર્ષમાં બિલ્‍ડીંગના ફલેટનું કામ પુર્ણ થઇ જશે ત્‍યારે ફલેટનું પજેશન અપાશે તેમ કહી આરોપી ઉમેશે ફરીયાદી પાસેથી લોનના ડોકયુમેન્‍ટ લઇ ૧૬ લાખની લોન પાસ કરાવી દીધી હતી. અને ર૦૧૭માં લોધીકા સબ રજીસ્‍ટ્રાર ઓફીસે દસ્‍તાવેજમાં સહી કરાવી લીધી હતી. વેચાણ કરનારમાં અન્‍ય ૬ આરોપીઓના નામ હતા અને આ તમામ વતી પેઢીના વહીવટકર્તા જીજ્ઞેશભાઇ પટેલ હોવાથી તેણે ભાગીદારો તરફથી દસ્‍તાવેજ કરી આપ્‍યો હતો. ફલેટનું કામ ચાલુ હોવાથી ૩ હપ્તા લોનના ભર્યા હતા. બાદમાં ફલેટ જોવા જતા કામ બંધ હોવાથી ફરીયાદીએ હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું.

હપ્તા ચડત થતા બેંક તરફથી ફરીયાદીને નોટીસ અપાતા ફરીયાદીએ આરોપી ઉમેશનો સંપર્ક કરી ફલેટનું કામ પુર્ણ કરવાની વાત કરી હતી. પરંતુ કામ પુર્ણ ન થતા ત્‍યાર બાદ ઉમેશે યોગ્‍ય જવાબ આપ્‍યો ન હતો. ત્‍યાર પછી ફરીયાદી સ્‍થળ પર ગયા ન હતા અને બેંક તરફથી પણ છેલ્લા દોઢેક વર્ષમાં કોઇ નોટીસ મળી ન હતી. જેથી બેંક તરફથી ફલેટનો કબ્‍જો લીધેલ છે કે કેમ ? તે મને ખબર નથી. પરંતુ આજ દિન સુધી પુર્વા હાઇટસ તરફથી ફલેટ તૈયાર કરીને અમોને  ન સોંપી વિશ્વાસઘાત કરેલ હોય અને બેંકના હપ્તા ચડત થઇ ગયા હોય આ ફરીયાદ કરેલ છે.

મેટોડા જીઆઇડીસી પોલીસે આ ફરીયાદ અન્‍વયે ગુન્‍હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(2:55 PM IST)