News of Wednesday, 23rd July 2025
વૈદવાડીના ગોડાઉનમાં થયેલી ૩.૫૫ લાખની ચોરીનો કલાકોમાં ભેદ ખુલ્યોઃ દેરડી કુંભાજીના બે પકડાયા
એક સગીર પણ સકંજામાં: રાજકોટના શનીનું નામ ખુલ્યું: મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ કુલદીપ ઉર્ફ રોહન, શની સોંકી અને સગીર તથા રાજકોટના શની ઉર્ફ પીશુએ મળી ચોરી કરી'તીઃ માલસામાન ભરવા રિક્ષા ભાડે કરી'તીઃ તમામ મુદ્દામાલ કબ્જે : માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ અને ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૩: શહેરના ગોંડલ રોડ પર વૈદવાડી શેરી નંબર ૦૧ રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં ૩માં સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ નામથી ગોડાઉનમાં તસ્કરો ત્રાટકી લોખંડની મશીનરીના પાર્ટ અને રો મટીરીયલના સામાન સહિત રૂ.૩.૫૫ લાખ મતાની ચોરી કરી જતાં માલવીયાનગર પોલીસે અક્ષયભાઇ ગીરીશભાઈ રાઠોડની ફરિયાદ નોંધી હતી. કલાકોમાં આ ચોરીનો ભેદ માલવીયાનગર પોલીસે ઉકેલી અમેરલીના દેરડીકુંભાજીના બે શખ્સ અને એક સગીરને પકડી લીધા છે. રાજકોટના એક સાગ્રીતનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસે તમામ મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે.
વૈદવાડીમાં રાઠોડ એન્જીનીયરીંગ વર્કસના બિલ્ડીંગમાં શેડ નં.૩ માં સીમ્પલેક્ષ મશીનરી સીસ્ટમ નામથી ગોડાઉન રાખી હાઇડ્રોલીક પ્રેશ મશીન બનાવવાના કારખાનામાંથી ઉપરની છત તોડી દરવાજો વાળીને તસ્કરો ઘુસી ગયા હતાં અને હાઇડ્રોલીક વાલ્વ પંપ, નાના-મોટા પંપ, હાઇડ્રોલીક બ્લોક, મશીનની બ્લેડ, લોખંડની પાઇપ મળી કુલ રૂપિયા ૩.૫૫ લાખ મતાની ચીજવસ્તુની ચોરી કરી ગયા હતાં. આ ચોરીનો ભેદ માલવીયાનગર પોલીસે ઉકેલી મવડી ઓવર બ્રીજ નીચે પાર્કિંગમાં રેલ્વેના પાટા સામેથી કુલદીપ ઉર્ફ રોહન સુનિલભાઇ સોલંકી (ઉ.વ.૨૨-રહે. દેરડી કુંભાજી રાજબાઇ માતાજીના મંદિર પાસે જી. અમરેલી) તથા સની અરવિંદભાઇ સોલંકી (ઉ.વ.૨૧-રહે. દેરડી કુંભાજી) તથા એક સગીરને પકડી લઇ ત્રણેય પાસેથી ચોરાઉ માલસામાન રૂા. ૩,૫૫,૫૦૦નો કબ્જે કર્યો હતો.
આ ચારેયએ મોજશોખ માટે ભંગાર ચોરવાનો પ્લાન ઘડી ગોડાઉનમાં ત્રાટકી ચોરી કરી હતી. આ માલસામાન સગેવગે કરવા અને વેંચવા માટે તે મવડી ઓવર બ્રીજ નીચે પાર્કિંગમાં લઇ ગયા હતાં. જો કે માલ સગેવગે થાય કે વેંચાય એ પહેલા પોલીસે દબોચી લીધા હતાં. ચોથા આરોપી રાજકોટ ચારભાઇ આવાસ યોજના ક્વાર્ટરના શની ઉર્ફ પીશુ જગુભાઇ ચારોલીયાનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે. પોલીસ સુત્રોના કહેવા મુજબ આ ચાર પૈકી કુલદીપ ઉર્ફ રોહન અગાઉ રાજકોટ શહેર, સુલતાનપુરમાં દારૂ, જાહેરનામા ભંગના ત્રણ ગુનામાં પકડાયો હતો. તેને અને સાગ્રીતોને મોજશોખ માટે પૈસાની જરૂર હોઇ ચોરીનો પ્લાન ઘડયો હતો અને રાજકોટના સાગ્રીતની મદદથી ગોડાઉનમાં હાથફેરો કર્યો હતો. જો કે માલ વેંચે એ પહેલા ઝડપાઇ ગયા હતાં. ભાડાની રિક્ષા લઇને આ માલસામાન ચોરી કર્યો હતો.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધિકા ભારાઇની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એમ. જે. ધાધલ, એએસઆઇ હિરેનભાઇ પરમાર, કેતનભાઇ શેખલીયા, હેડકોન્સ. અજયભાઇ વિકમા, ચિત્રેકેતુસિંહ ઝાલા, કોન્સ. મનિષભાઇ સોઢીયા, ભાવેશભાઇ ગઢવી, મયુરદાન ગઢવી અને જયદિપસિંહ ભટ્ટીએ આ કામગીરી કરી હતી.
(4:23 PM IST)










