News of Wednesday, 23rd July 2025
મનપાના ૩ આરોગ્ય કેન્દ્રમાં હવે ડાયાલીસિસ થશે
કિડનીના રોગની સારવાર લેતા દર્દીઓ માટે આર્શીવાદરૂપ સુવિધા : પ્રથમ તબક્કામાં નાનામોવા, કોઠારીયા અને શ્યામનગર પ્રા.આરોગ્ય કેન્દ્રમાં ૬ મશીન કાર્યરત થશે : કાલે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાના હસ્તે ડાયાલીસિસ મશીનનું લોકાર્પણ

રાજકોટ તા.૨૩: વ્યક્તિની કિડની કામ ન કરતી હોય તેવા સંજોગોમાં કિડનીના કામના વિકલ્પ તરીકે વપરાતી કળત્રિમ પદ્ધતિને ડાયાલિસિસ કહે છે. ડાયાલિસિસ શરીરમાંના બિનજરૂરી પદાર્થો દૂર કરવાનું અને શરીરમાં પ્રવાહીનું ચોક્કસ પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય કરે છે. બન્ને કિડની કામ ન કરતી હોય તેવી વ્યક્તિઓનું જીવન સંપૂર્ણપણે ડાયાલિસિસ પર નિર્ભર હોય છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૦૩(ત્રણ) આરોગ્ય કેન્દ્રો ખાતે કિડનીના રોગની સારવાર લેતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ ડાયાલિસિસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. પ્રથમ તબક્કામાં શહેરના નાના મૌવા, કોઠારીયા અને શ્યામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૦૬(છ) મશીન કાર્યરત થશે. આ ડાયાલિસિસ મશીનનું તા.૨૪/૦૭/૨૦૨૫, ગુરૂવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે નાના મૌવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ‘‘ડાયાલિસિસ'' મશીનનું લોકાર્પણ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે કરવામાં આવશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં ડાયાલિસિસ મશીનની સુવિધા શહેરના નાના મૌવા, કોઠારીયા અને શ્યામનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ કરવામાં આવી છે. આ આરોગ્ય કેન્દ્ર ખાતે ૦૬(છ) મશીન કાર્યરત રહેશે અને ડાયાલિસિસનો સમય સવારે ૦૯: ૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક સુધી રહેશે.
આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ, ડો.પ્રફુલ ગજ્જર, ડો.જીતેન્દ્ર અમલાણી, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, વોર્ડ સંગઠનના હોદેદારો, આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેશે.
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, આરોગ્ય સમિતિ ચેરમેન કેતનભાઈ પટેલ કિડનીની બિમારી ધરાવતા ડાયાલિસિસની જરૂરીયાતવાળા પી.એમ.જે.એ.વાય. કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે મળતી આ સેવાનો લાભ લેવા શહેરીજનોને આહવાન કરે છે.
ડાયાલિસિસ મશીનની સુવિધાઓ
રાજકોટ તા.૨૩: અત્યાધુનિક ડાયાલિસિસ મશીન,ઓટોમેટીક વોટર ટ્રીટમેન્ટ આર.ઓ.પ્લાન્ટ,ડાયાલિસિસ માટે ઓનલાઈન ડ્રાયબાયકાર્બોનેટની સુવિધા, પંદર દિવસે એકવાર નેફ્રોલોજીસ્ટની મુલાકાત, દરેક ડાયાલિસિસમાં નવું ડાયાલાઈઝર તથા ટયુબીંગ સેટ(સિંગલ યુઝ ડાયાલાયઝર કીટ), દરેક દર્દી માટે ફ્રી ડાયાલિસિસ, ગુજરાત સરકારની યોજના પી.એમ.જે.એ.વાય.નો લાભ, ડાયાલિસિસ દરમ્યાન લોહી તથા આયર્નના ઈન્જેકશન ફ્રી, ડાયાલિસિસ માટે કેથેટરની સુવિધા, અદ્યતન લેબોરેટરીની સુવિધા, સ્વચ્છ અને આધુનિક એ.સી. ડાયાલિસિસ વિભાગ.
(3:29 PM IST)










