<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd July 2025

અમરનાથ મંદિરની જગ્‍યા મનપાના ગાર્ડન હેતુ માટેની

છેલ્લા ૧પ-ર૦ દિવસથી ટોક ઓફ ધ ટાઉન બનેલ વિવાદમાં નવો ફણગો : આ પ્રકારનો પ્રશ્‍ન પ્રથમ વખત સામે આવતા અધિકારીઓ પણ મુંજાયાઃ તંત્રના નિર્ણય પર લોકોની મીટ

રાજકોટ તા. ર૩: શહેરના ટોક ઓફ ધ ટાઉન બનેલ ૧પ૦ ફુટ રીંગ રોડના બીગ બજાર પાછળ આવેલ અમરનાથ મહાદેવ મંદિર પ્રકરણમાં નવો ફણગો ફૂટયો છે. આ મંદિરની જગ્‍યા મનપાની છે અને બગીચાના હેતુ માટે અનામત હોવાનું તંત્રના આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

અમરનાથ મંદિર બહાર ક્ષત્રીય અગ્રણી પી. ટી. જાડેજા વિરૂધ્‍ધ ભાવિકોને પાળેલ કુતરાથી ડરાવાતા હોવાની પખવાડીયા પહેલા ફરીયાદ થતા પોલીસે તેમની ધરપકડ કરી પાસા હેઠળ અમદાવાદ જેલમાં મોકલી દીધા હતા. જો કે વિરોધ બાદ રાજય સરકાર દ્વારા પાસાને રિવોક કરી પી. ટી. જાડેજાને છોડી મૂકવામાં આવ્‍યા હતા.

રાજકોટ આવ્‍યા બાદ સોમવારે તેમણે મંદિરમાં આરતી કરવા માટે પોલીસ પ્રોટેકશન માંગ્‍યું હતું. બે દિ' પહેલા પણ મંદિર પરિસરમાં બંન્‍ને જુથો વચ્‍ચે ભારે શાબ્‍દીક આક્ષેપો અને દલીલબાજી થઇ હતી. જો કે બંન્‍ને પક્ષો દ્વારા શાંતિપૂર્ણ રીતે આરતી અને ધૂન સંપન્‍ન કરાઇ હતી.

ત્‍યારે આ વિવાદમાં આ જગ્‍યાની માલીકી મનપાના ગાર્ડન હેતુ માટેનું જાણવા મળતા તંત્ર હવે શું કાર્યવાહી કરશે તે અંગે ચર્ચાએ જોર પકડયું છે. સૂત્રો મુજબ આ મંદિર વર્ષો જુનું છે અને જયારે ટી.પી. સ્‍કીમ અમલમાં નોતી મૂકાઇ એ પહેલાનું છે.

મનપા દ્વારા આ મંદિરનું સંચાલન સંભાળી લ્‍યે તેવી કોઇ શકયતા નથી પણ બગીચાના હેતુમાં ઉભા થયેલ મંદિરની જગ્‍યા માટે તંત્ર શું નિર્ણય કરે છે તે ચર્ચાએ જોર પકડયું છે.

અંતમાં સૂત્રોએ જણાવેલ કે, તંત્ર પાસે આ પ્રકારનો પ્રથમ વાર કેસ આવ્‍યો હોવાથી સંબંધીત અધિકારીઓ પણ શું પગલા લઇ શકાય તે અંગે મુંઝવણમાં છે અને અન્‍યત્ર કયાંય આવી રીતની સ્‍થિતી બની હોય તો કેવી કાર્યવાહી કરાઇ હતી તે અંગે માહિતી મેળવવા કવાયત હાથ ધરી છે.

 

(3:30 PM IST)