News of Wednesday, 23rd July 2025
અંબિકા ટાઉનશીપમાં યોગા કર્યા બાદ રાજેન્દ્રસિંગ ગુરજી ઢળી પડયા
મુળ છત્તીસગઢના વતનીઃ શાપર કંપનીમાં નોકરી કરતાં હતાં: આજે રજા હોઇ યોગા ક્લાસમાં ગયા હતાં: હાર્ટએટેક જીવલેણ નીવડયો

રાજકોટ તા. ૨૩: હાર્ટએટેકની વધુ એક ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. શહેરના મોટા મવા અંબિકા ટાઉનશીપ કસ્તુરી એપાર્ટમેન્ટ ખાતે રહેતાં અને શાપર કંપનીમાં નોકરી કરતાં રાજેન્દ્રસિંગ રતનસિંગ ગુરજી (ઉ.વ.૫૨) સવારે નાના મવા રોડ રાજનગર ચોક ઓમ વેલનેસ સેન્ટરમાં યોગા કરી નીચે ઉતરતાં હતાં ત્યારે અચાનક ઢળી પડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, પરેશભાઇ અને ધર્મેશભાઇએ માલવીયાનગર પોલીસને કરી હતી. મૃત્યુ પામનાર રાજેન્દ્રસિંગ બે બહેનના એકના એક ભાઇ હતાં. તેઓ મુળ છત્તીસગઢના વતની હતાં. સંતાનમાં બે પુત્રી છે. તેઓ શાપર કંપનીમાં નોકરી કરતાં હતાં. આજે બુધવારે રજા હોઇ સવારે યોગા કરવા રાજનગર ચોક વેલનેસ સેન્ટરમાં ગયા હતાં. જ્યાં યોગા કર્યા બાદ દાદરા ઉતરતી વખતે હાર્ટએટેક આવી ગયો હતો. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(3:35 PM IST)










