News of Wednesday, 23rd July 2025
ત્રણ વર્ષ જુના બીલ મંજુર મુદ્દે નેહલ શુકલનો વિરોધઃ સ્ટેન્ડીંગમાં ગેરહાજર
સંકલનમાં તર્કબધ્ધ વાંધો ઉઠાવતા વોર્ડ નં. ૭ ના કોર્પોરેટરઃ લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ અંતર્ગત શીતલ પાર્ક રસ્તાને પહોળો કરવા સાંસદ સહિત મિલ્કત ધારકોને જમીન આપવા સહિતની ૩ દરખાસ્તો પેન્ડીંગ

રાજકોટ, તા. ર૩: મનપાની આજની મળેલ સ્ટેન્ડીંગમાં ૭૦ દરખાસ્તો મુકવામાં આવી હતી. જેમાંથી ૪ દરખાસ્ત પેન્ડીંગ રહી હતી. અન્ય ૬૬ ને મંજુરીની મહોર મારવામાં આવી હતી.
સ્ટેન્ડીંગ પહેલા શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષસ્થાને મળતી સંકલન બેઠકમાં ભારે તડાફડી થઇ હતી. વોર્ડ નં. ૭ ના નગરસેવક નેહલ શુકલાએ ‘અકિલા' માં ગઇકાલે પ્રસિધ્ધ થયેલ ‘અઢી વર્ષ બાદ કાર્યક્રમોના ચૂકવણા' અહેવાલ અંતર્ગત પ્રશ્નો ઉઠાવી મુકવામાં આવેલ દરખાસ્ત ઉપર સવાલો કર્યા હતા.
નેહલ શુકલાએ પૂછેલ કે, આટલા સમય બાદ ર૦રર-ર૩ ના કાર્યક્રમોનું ચૂકવણું બાકી કેમ છે ? અને ત્રણ વર્ષ થવા આવ્યા છતા દરખાસ્ત કેમ નથી આવી ? આ મામલે તેમણે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને સ્ટેન્ડીંગ બેઠકમાં ગેરહાજર રહયા હતા.
ઉપરાંત સંકલન બેઠકમાં સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે જણાવેલ કે, અગાઉ પણ સૂચના આપી હતી કે ૪૦ થી વધુ દરખાસ્ત ન આવવી જોઇએ, તો આ વખતે ૭૦ કેવી રીતે આવી. ઉપરાંત બેઠકમાં મચ્છરની ઉત્પતી સબબનો દંડ વધુ હોવાની અને ગાંડીવેલના લીધે રોગચાળો વકર્યો હોવાની વાત પણ કોર્પોરેટરોએ કરી હતી.
સંકલનમાં ગરમા-ગરમી બાદ સ્ટેન્ડીંગમાં ૪ દરખાસ્ત પેન્ડીંગ મૂકવામાં આવી હતી. જેમાં રાજકોટ કલાઇમેન્ટ રેસીલેન્ટ સીટી એકસના પ્લાન ટુવાર્ડ નેટ ઝીરો ફયુચર બાય ર૦૭૦ ના સફળ વ્યુહરચનાત્મક અમલીકરણ તથા મોનીટરીંગ માટે રાજકોટ મહાનગરપાલીકા દ્વારા નેટ ઝીરો એન્ડ કલાઇમેન્ટ રેસીલેન્ટ સેલના ગઠન અંગે, સ્વીસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન ફડેડ કેપેસીટી બીલ્ડીંગ પ્રોજેકટ ઓન લો કાર્બન એન્ડ કલાઇમેન્ટ રેસીલેન્ટ સીટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડીયા ફેઝ-૩ પ્રોજેકટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલીકા અને ઇકલી એશીયા વચ્ચે થનાર એમઓયુને મંજૂરી આપવાની દરખાસ્ત પેન્ડીંગ રખાઇ હતી.
ઉપરાંત રાજકોટની આખરી નગર રચના યોજના નં. ૯ માં સમાવિષ્ટ આખરી ખંડ નં. ૩ર-૯ તથા ૩૧-પ થી આખરી ખંડ નં. ૩ર-૧-૧ તથા ૩૧-૧ સુધીના ૯ મી. ટીપી રસ્તાને લાઇન ઓફ પબ્લીક સ્ટ્રીટ અંતર્ગત ૧ર મી. રસ્તો પહોળો કરવા માટે અસરગ્રસ્તોને વૈકલ્પીક વળતર આપવા તથા મુખ્ય રસ્તો ઉપર પીપીપીના ધોરણે ઇસ્ટ તથા વેસ્ટ ઝોનમાં કુલ ૩ સર્કલ ડેવલપ કરી તેનું પ વર્ષ માટે નિભાવ-મરામત કરવાના કામ અંગેની દરખાસ્ત પણ પેન્ડીંગ રાખવામાં આવી છે.
શીતલ પાર્ક વિસ્તારમાં કપાતમાં આવતી જગ્યાના માલીકોએ અલગ-અલગને બદલે એક જ જગ્યાએ વૈકલ્પીક જગ્યા આપવાની માંગ કરતા કોકડુ ગુચવાયું છે અને સ્ટેન્ડીંગ કમીટીએ વધુ અભ્યાસ માટે દરખાસ્ત પેન્ડીંગ રાખી દેવામાં આવી હતી.

પ્રજાને નબળી ગુણવતાનું પાણી મળ્યું તે માટે કોણ જવાબદારઃ નેહલ શુકલ
સ્ટે. ચેરમેનને પત્ર લખતા વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર
રાજકોટઃ વોર્ડ નં. ૭ ના કોર્પોરેટર નેહલ શુકલએ સ્ટે. ચેરમેન પત્ર લખી પીવાના પાણી વિતરણ અંગે પ્રશ્ન પૂછયા હતા.
પત્ર મુજબ સ્ટેન્ડિંગ કમિટીમાં સમાવેશ દરખાસ્ત નંબર ૧૦, કમિશનર પત્ર ક્રમાંક નંબર૧૬૬ અને દરખાસ્ત નંબર ૧૧, કમિશનર પત્ર ક્રમાંક નંબર ૧૬૭ છે તેના અન્વયે જણાવવાનું કે દરખાસ્ત માં જણાવ્યા અનુસાર રાજકોટની પ્રજાને ગુણવત્તા યુક્ત પાણી મળી રહે અને નબળી ગુણવત્તા વાળું પાણી પ્રજાને ન મળે અને તેનું સ્વાસ્થ્ય સારું રહે તેના માટે ૨૭ વર્ષ જૂની વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ઓગમેન્ટેશનની કામગીરી કરાવવાની માટે હતું જે ૧૨ માર્ચ ના રોજ જાહેરાત આપવામાં આવી હતી પરંતુ પાંચ વાર રિટેલર થયા બાદ તેમાં ખર્ચમાં નજીવા ઘટાડા સાથે તેને આજે ૨૩ ના રોજ સ્ટેન્ડિંગ કમિટીની અનુમતિ માટે મોકલવામાં આવ્યું છે ત્યારે આ દોઢ વર્ષથી વધારે ના સમયગાળામાં પ્રજાને જે નબળી ગુણવત્તાનું પાણી મળ્યું તેના અંગે કોની જવાબદારી ?
પરચેસ કમિટી લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારીનો વિચાર કેન્દ્રસ્થાને રાખ્યા વિના આટલું મોડું કરે તેને કયાંક ને કયાંક ગુનાહિત બેદરકારીની સાથે સરખાવવું જોઈએ અને જવાબદાર લોકોના ખુલાસા લઈને તેમના ઉપર પગલાં લેવા જોઈએ તો જ ભવિષ્યમાં દરેક મહત્વની લોકોના સ્વાસ્થ્ય સાથે સીધી સંકળાયેલી સેવાઓમાં ઝડપ થશે અને અધિકારીઓની સંવેદનશીલતા પણ વધશે
ગઇ કાલે ‘અકિલા' માં સ્ટેન્ડીંગ કમીટીના એજન્ડામાં રહેલ અઢી અઢી વર્ષ પછીના ખર્ચની દરખાસ્ત અંગે અહેવાલ પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો જેનો પડઘો આજે સ્ટેન્ડીંગમાં જોવા મળ્યો હતો.
(4:19 PM IST)










