તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th July 2025
ફેસબૂક ફ્રેન્ડ બનેલો શખ્સ પત્નિ સાથે મહિલાના ઘરે રહેવા આવી ગયોઃ પછી છેતરીને ભાગી ગયો
રેલનગરના ભુમિબેન પૂજારા સાથે ભાવીન રાયચુરાની ૨.૪૬ લાખની ઠગાઇ : ભાવીને મહિલાના ક્રેડીટ કાર્ડમાંથી રોકડ ઉપાડી લીધી, તેણીના નામે લોન લઇ મોબાઇલ લઇ લીધોઃ સાચવવાના નામે દાગીના પણ લઇ લીધાઃ પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૨૪: ઠગાઇની એક વિચીત્ર ઘટના સામે આવી છે. જેમાં રેલનગરમાં રહેતી એક પરિણીતા સાથે એક શખ્સે ફેસબૂકથી મિત્રતા કેળવી હતી. બાદમાં આ શખ્સ પોતાને રાજકોટમાં કામ છે કહી પોતાની પત્નિ સાથે આ મહિલાના ઘરે જ રહેવા આવી ગયો હતો. એ પછી અલગ અલગ બહાને મહિલાના ક્રેડીટ કાર્ડમાંથી પૈસા મેળવી, મહિલાના નામે મોબાઇલની લોન કરાવી લઇ તેમજ દાગીના સાચવવાના બહાને મેળવી લઇ રૂા. ૨,૪૬,૦૦૦ની માલમત્તા લઇ આ શખ્સ પોતાની પત્નિ સાથે નીકળી જતાં ફરિયાદ થઇ છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર ભારત પેટ્રોલ પંપ સામે ગુલમહોર પ્લાઝા શ્રી અંબે વિલા બી-વીંગ ફલેટ નં. ૫૦૯માં રહેતાં ભુમીબેન બળવંતભાઇ પૂજારા (ઉ.વ.૩૨)ની ફરિયાદ પરથી ભાવીન હર્ષદભાઇ રાયચુરા વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છ.ે
ભુમિબેન પૂજારાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહું છું અને પ્રાઇવેટ નોકરી કરુ છું. છ મહિના પહેલા ભાવીન રાયચુરાએ મને ફેસબૂકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી અને અમે ફ્રેન્ડ બન્યા હતાં. એ પછી અમે એક બીજાના ફોન નંબર લીધા હતાં અને અમારી વચ્ચે પારિવારીક સંબંધ બંધાતા અવાર-નવાર ઘરે પણ આવ જા થતી હતી. તેણે મારા મમ્મી જયશ્રીબેનને તથા મને ટિફીનમાં કામ અપાવવાની વાત કરી હતી. આ પછી ભાવીને મને કહેલુ કે મને બાલાજી કંપની મેટોડા ખાતે કામ મળ્યું છે. જેથી મારે રાજકોટ આવવાનું થશે અને રાજકોટમાં કોઇ ઓળખતું નથી એટલે મારે તમારા ઘરે એક મહિનો રોકાવું છે. જેથી મેં અને મારા પતિ ધવલ એમ બંનેએ ભાવીન અને તેના પત્નિ પાયલબેન રાયચુરાને અમારા ઘરે રહેવાની હા પાડી હતી.
આશરે ત્રણ મહિના તેઓ અમારા ઘરે રોકાયા હતાં. જેથી અમારે વધુ સારો સંબંધ કેળવાયો હતો. ભાવીને ત્યારે મને કહેલુ કે મારો પગાર થવામાં વાર લાગે એમ છે જેથી તમે તમારા ક્રેડીટ કાર્ડમાંથી પૈસા ઉપાડી મને આપો, હું તમને પગાર થયે બે ત્રણ દિવસમાં આપી દઇશ. અમે તેના પર વિશ્વાસ રાખી મારા કાર્ડમાંથી ૬૨ હજાર ઉપાડીને અઆપ્યા હતાં. એ પછી ત્રણ દિવસ બાદ અમે પૈસા પાછા માંગતા કહેલુ કે મારા પૈસા એક જગ્યાએ રોકાયા છે, રકમ મોટી છે આવતા વાર લાગશે. પછી સાત દિવસ બાદ ભાવીને કહેલુ કે તમારા પતિ ધવલભાઇને ૧૭ હજારની જરૂર છે કહેતાં મેં ફરી ૧૭ હજાર મારા કાર્ડમાંથી આપ્યા હતાં. એ પછી ભાવીનને મોબાઇલ લેવો હોઇ ઉમિયામાં ૨૨ હજારની લોન કરાવી હતી. ત્યારે તેણે હપ્તા પોતે ભરશે તેમ કહેલું પણ જેથી મારા નામે લોન કરાવી હતી.
આ પછી ભાવીને પોતાને બાઇકની લોન પુરી કરવા રૂપિયાની જરૂર છે તેમ કહેતાં મેં મારા ભાઇ મહેક શૈલેષભાઇ આડતીયા પાસેથી ૪૨ હજાર લઇને ભાવીનને આપ્યા હતાં. થોડા દિવસ પછી તેણે કહેલુ કે તમારા પતિ ક્યાંય દેણુ ભરવામાં સોનુ વેંચી ન નાંખે, જેથી તમારા ઘરમાં સોનુ પડયું છે તે મને સાચવવા આપી દો. જેથી મેં વિશ્વાસ રાખી મારા ઘરમાંથી સોનાનું મંગલસુત્ર, પેન્ડલ, વીંટી મળી ૧,૫૦,૦૦૦ના દાગીના તેને આપી દીધા હતાં. બાદમાં ભાવીને મારા પતિના ખાતામાં ૪૮ હજાર પાછા નાંખ્યા હતાં. એ પછી ભાવીન અને તેના પત્નિ આજથી દોઢ મહિના પહેલા અમારા ઘરેથી નીકળી ગયા હતાં. તેને ફોન કરતાં તે રૂપિયા આપી દેશે તેમ વાત કરે છે. મારે તેની પાસેથી લેવાના નીકળતાં ૯૬ હજાર તેમજ દોઢ લાખના દાગીના મળી ૨,૪૬,૦૦૦ના દાગીના-રોકડ મને આપતા ન હોઇ અંતે મારે ફરિયાદ કરવી પડી હતી. તેમ વધુમાં ભુમિબેને કહેતાં પ્ર.નગર પીઆઇ વી. આર. વસાવાની રાહબરીમાં હેડકોન્સ. કે. પી.ગોહિલે ગુનો નોંધતા પીએસઆઇ એચ. આર. મોરીએ તપાસ હાથ ધરી છે.
(4:44 PM IST)










