<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

હર.. હર.. મહાદેવનાં ગુંજયા નાદઃ શ્રાવણના પ્રારંભે શિવમંદિરોમાં પૂજન-અર્ચન

ઘેલા સોમનાથ, જડેશ્વર મહાદેવ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છના શિવાલયોમાં વિશેષ કાર્યક્રમો

રાજકોટ, તા. રપઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજી શ્રાવણ મહિનાના પ્રારંભ સો શિવાલયોમાં હર હર મહાદેવના નાદ ગુંજયા છે. શ્રાવણ મહિનામાં દરરોજ શિવ મંદિરોમાં વિશેષ પૂજન-અર્ચન કરવામાં આવશે.

જસદણ

પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થઈ ગયો છે, ત્‍યારે જસદણ  ભક્‍તિના રંગે રંગાવા માટે સજ્જ બન્‍યું છે. ભગવાન ભોળાનાથને રીઝવવા માટે શ્રાવણ માસનું હિંદુ ધર્મમાં અનેરું મહત્ત્વ છે. આ માસ દરમિયાન શિવાલયોમાં શિવભક્‍તોનું ઘોડાપૂર ઉમટયું હતું અને ‘મહાદેવ હર હર મહાદેવ' તથા ‘જય ભોલે'ના ગગનભેદી જયઘોષથી શિવાલયો ગુંજી ઉઠયા હતાં.

શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ભગવાન શિવની ભક્‍તિમાં લીન થવા માટે શિવભક્‍તોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. અનેક ભક્‍તો આ પવિત્ર માસ દરમિયાન ઉપવાસ રાખ્‍યો હતો જ્‍યારે કેટલાક દૂધ, જળ, બિલીપત્ર, પુષ્‍પોથી ભગવાન શિવનો અભિષેક કરીને તેમની કળપા મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ખાસ કરીને જસદણના ઘેલાં સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે  શ્રદ્ધાળુઓ સવારથી ઉમટી પડયા હતાં વહેલી સવારથી જ ઘેલાં સોમનાથ મંદિર પરિસરમાં ભક્‍તોની લાંબી કતારો જોવા મળી હતી ઘેલાં  સોમનાથ મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્‍યું હતું જ્‍યાં રંગબેરંગી રોશની, તાજા પુષ્‍પો અને અન્‍ય સુશોભન સામગ્રીથી મંદિર પરિસર ઝગમગી ઉઠી ગયું હતું જે ભક્‍તોને એક દિવ્‍ય અને અદ્વુત અનુભૂતિ કરાવી હતી મંદિર ટ્રસ્‍ટ દ્વારા ભક્‍તોની સુવિધા માટે વિશેષ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે જેમાં  પીવાના પાણી તથા ભોજનની પણ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે દરમિયાન પવિત્ર શ્રાવણ મહિનામાં તમામ જસદણવાસીઓને જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડ પત્રકારો હુસામુદ્દીન કપાસી, દુર્ગેશ કુબાવત અને હિતેશ ગોસાઈએ શુભેચ્‍છા અને શુભકામના પાઠવી હતી.

(5:17 PM IST)