<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

રાજકોટના વૃધ્‍ધ મઢે દર્શન કરવા નીકળ્‍યા બાદ શુકલ પીપળીયા ગામે પાણીના ખાડામાંથી લાશ મળી

સંત કબીર રોડ સંજયનગરના ૬૩ વર્ષના ભરતભાઇ રોરીયા પરમ દિવસે સાઇકલ લઇને નીકળ્‍યા બાદ ગઇકાલે લાશ મળતાં અરેરાટીઃ ન્‍હાવા જતાં ડુબી ગયાની શક્‍યતાઃ ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ : નવાગામ સાત હનુમાન પાછળ શુકલ પીપળીયા ગામે જે ખાડામાંથી લાશ મળી તે પાણીનો ખાડો, મૃતદેહ અને ભરતભાઇનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૭: શહેરના સામા કાંઠે સંતકબીર રોડ પર સંજયનગર-૭માં રહેતાં ભરતભાઇ રૂપાભાઇ રોરીયા (ઉ.વ.૬૩) નામના વૃધ્‍ધ પરમ દિવસે ઘરેથી નવાગામ સાત હનુમાન પાછળ આવેલા પોતાના મુળ ગામ શુકલ પીપળીયા ખાતે ચામુંડા માતાજીના મઢે પગે લાગવા જવાનું કહીને સાયકલ લઇને નીકળ્‍યા બાદ પરત ઘરે આવ્‍યા નહોતાં. દરમિયાન ગઇકાલે બપોર બાદ તેમની લાશ શુકલ પીપીળીયા ગામે પાણી ભરેલા ખાડામાંથી મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ ભરતભાઇ રોરીયા અગાઉ ડ્રાઇવીંગ કામ કરતાં હતાં અને હાલ નિવૃત જીવન જીવતાં હતાં. અવાર-નવાર તે પોતાના ગામ શુકલ પીપળીયા ખાતે સાઇકલ લઇને આટો મારવા અને ત્‍યાં માતાજીનો મઢ હોઇ દર્શન કરવા જતાં હતાં. પરમ દિવસે બપોર બાદ તે સાયકલ લઇને નીકળ્‍યા બાદ રાતે પરત ન આવતાં ત્‍યાં રોકાઇ ગયાનું પરિવારજનોએ માન્‍યું હતું. દરમિયાન ગઇકાલે બપોરે બાદ ગામના સિમાડે પાણી ભરેલા ખાડામાં ભરતભાઇની લાશ તેમના જ ઓળખીતા ગ્રામજને જોતાં રાજકોટ પરિવારજનોને જાણ કરી હતી.

બનાવની જાણ થતાં ૧૦૮ અને કુવાડવા પોલીસની ટીમ પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. સાયકલ અને કપડા બહાર હોઇ તે ન્‍હાવ પડતાં ડુબી ગયાની શક્‍યતા જણાઇ હતી.

જો કે તેમને તરતા પણ આવડતું હતું ત્‍યારે ડુબી કઇ રીતે ગયા? તે અંગે સવાલ સર્જાતા પોલીસે મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.

મૃતકને સંતાનમાં બે દિકરા અને એક દિકરી છે. પોતે ત્રણ ભાઇ અને એક બહેનમાં ત્રીજા નંબરે હતાં. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

(3:29 PM IST)