<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th July 2025

સામાજીક ડર છોડી સાયબર માફીયાઓને ખુલ્લા પાડો : હર્ષ સંઘવી

ન્યુડ કોલ-ડિજીટલ ઍરેસ્ટના કિસ્સામાં લોકો પોલીસની મદદ લ્યેઃ લોભામણી લીંકથી લોકો સચેત રહેઃ રાજકોટ રેન્જના નવનિર્મિત સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ગૃહ રાજયમંત્રીની પત્રકાર પરીષદ : પોલીસ અને મહાનગર પાલીકાના સંયુકત પ્રયાસથી ટ્રાફીક સમસ્‍યા માટે માસ્‍ટર પ્‍લાન ઘડાઇ રહયો છેઃ હેલ્‍મેટનો કાયદો દંડ માટે નહિ લોકોની સલામતી માટે છે

રાજકોટઃ રાજકોટ રેન્‍જના નવનિર્મિત સાયબર ક્રાઇમ પોલીસ મથકના પ્રેસ કોન્‍ફરન્‍સ સંબોધતા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, બાજુમાં કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખ માધવભાઇ દવે, ધારાસભ્‍ય દર્શિતાબેન શાહ, પોલીસ કમિશ્રર બ્રજેશ ઝા, રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ નજરે પડે છે. (તસ્‍વીરઃ અભીજીત બગથરીયા) 

રાજકોટ, તા.,૨૫ : રાજકોટ રેન્‍જના નવનિર્મિત સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન નું લોકાર્પણ કર્યા બાદ પોલીસ મથકે યોજાયેલ પ્રેસ કોન્‍ફરન્‍સમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ  સામાજીક ડર છોડી સાયબર માફીયાઓને ખુલ્લા પાડવા આહવાન કર્યુ હતું.

ગળહ રાજ્‍ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્‍યું હતું કે, મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્‍યમાં સાયબર ક્રાઈમને પહોંચી વળવા માટે વધુ ટીમો અને વ્‍યવસ્‍થાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ટેકનોલોજીનો વ્‍યાપ જ્‍યારે વધી રહ્યો છે, ત્‍યારે સાયબર સંબંધી ગુનાઓનું પ્રમાણ વધતા તેના નિવારણ માટે નવનિર્મિત રાજકોટ રેન્‍જ સાયબર પોલીસ સ્‍ટેશન  રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા જીલ્લાના નાગરિકોને સાયબર ક્રાઈમ સંબંધી ગુનામાં વધુ ઝડપી ન્‍યાય મળશે.

પ્રવર્તમાન સમયમાં આધુનિક ટેકનોલોજીમાં અનેક ફાયદાઓ છે સાથે ગેરફાયદાઓ પણ છે. ટેકનોલોજીની આ ગેરફાયદાઓનો સાયબર માફીયાઓ લાભ ઉઠાવી રહયા છે. સાયબર માફીયાઓ દ્વારા હાલમાં ન્‍યુડ કોલ તેમજ ડિજિટલ અરેસ્‍ટ જેવી ગેરકાયદે પ્રવળત્તિઓથી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, ત્‍યારે સી.બી.આઈ. કે પોલીસ જેવી કોઈપણ સંસ્‍થાઓ કયારેય ડિજિટલ અરેસ્‍ટ કરતી નથી. જે અંગે લોકોએ સાવધ થઈ, આવી બનતી ઘટના સમયે શરમ અને સામાજિક ડર છોડી તાત્‍કાલિક નજીકના પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવો જોઈએ, તેમજ કોઈપણ પ્રકારની રૂપિયાની લેવડ-દેવડ કરવી જોઈએ નહીં.

 અન્‍ય ફ્રોડના કિસ્‍સાઓ જેવા કે, લલચામણી જાહેરાતો આપતી લીંક અંગે સાવધ કરતાં મંત્રી સંઘવીએ લોકોને આ પ્રકારની અજાણી લિંક પર ભરોસો ન કરવા તેમજ લીંક ના ખોલવા અને  તેને શેર ન કરવા અનુરોધ કર્યો હતો. વિશેષમાં મંત્રીશ્રીએ શહેરોની ટ્રાફિક સમસ્‍યાને લઈને ઉકેલ અંગે વાત કરતા જણાવ્‍યું હતું કે, રાજયની તમામ મહાનગરપાલિકાઓ સાથે  પોલીસ સંકલન કરીને ટ્રાફિક મેનેજમેન્‍ટ વિશે માસ્‍ટર પ્‍લાન ઘડાઇ રહયો છે. રાજયમાં  વાહનોની સંખ્‍યા વધી છે અને લોકોને રોડ સાથે પાર્કીગ ફેસેલીટી મળે અને ભવિષ્‍યમાં લોકોને ટ્રાફીક ફ્રી રસ્‍તા મળે તેવું આયોજન કરાઇ રહયું છે. ટ્રાફીકને લગતી ફરીયાદો અંગે ગંભીરતાપુર્વક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત રાજકોટ શહેરમાં હેલ્‍મેટ ફરજિયાત થવા અંગેના નિર્ણય વિશે મંત્રીશ્રી સંઘવીએ વાત કરતા કહ્યું હતું કે, લોકોનું જીવન અમૂલ્‍ય છે, માત્ર દંડ ખાતર નહીં પરંતુ લોકો પોતાના જીવનને બચાવે અને સમાજને નુકસાન ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે.

આ સાથે રામનાથપરા પોલીસ લાઈન ખાતે બી-કેટેગરીના ૮૦ આવાસ, વિંછીયા ખાતે બી કેટેગરીના ૩૨ તથા સી-કેટેગરીના ૧ આવાસ તેમજ આટકોટ ખાતે સી-કેટેગરીના ૧ આવાસ સહિત કુલ ૧૧૪ પોલીસ આવાસનું લોકાર્પણ થતાં પોલીસ બેડામાં કામ કરતા પરિવારોને પણ સપનાનું ઘર મળશે તેમ હર્ષ વ્‍યક્‍ત કરતા શ્રી સંઘવીએ તમામ પરિવારજનોને અભિનંદન પાઠવ્‍યાં હતાં.  

    અત્રે ઉલ્લેખનીય છે કે, ગળહ રાજ્‍ય મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્‍તે ખુલ્લા મુકાયેલા રાજકોટ રેન્‍જ સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન રૂ. ૪૪૧.૨૮ લાખના ખર્ચે નિર્માણ પામ્‍યું છે. જેમાં ગ્રાઉન્‍ડ પ્‍લસ ચાર માળનું બાંધકામ થયેલ છે.  સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશનમાં પોલીસ અધિકારીઓની ચેમ્‍બર ઉપરાંત કોન્‍ફરન્‍સ હોલ, મોબાઈલ ફોરેન્‍સિક રૂમ, ડેટા ફોરેન્‍સિક રૂમ, સાયબર ક્રાઇમ હેલ્‍પલાઇન મોનિટરિંગ રૂમ, ચાઈલ્‍ડ પોનોગ્રાફી એનાલિસિસ રૂમ જેવા ઇન્‍વેસ્‍ટિગેશન માટેની સુવિધા ઉપરાંત રેકોર્ડ રૂમ, કર્મચારી ગેસ્‍ટ રૂમ, ઓફિસર ગેસ્‍ટ રૂમ, કેન્‍ટીન, જીમ, લાઇબ્રેરી, વુમન હેલ્‍પ ડેસ્‍ક,  સીટીઝન સીટીગ એરીયા, રિસેપ્‍શન, પાસપોર્ટ એપ્‍લિકેશન રૂમ સહિત વિવિધ સુવિધા કેન્‍દ્રો ઊભા કરવામાં આવ્‍યા છે.

જ્‍યારે ઈ- લોકાર્પણ કરાયેલા રાજકોટ શહેરના રામનાથપરા પોલીસ લાઈન ખાતે બી કેટેગરીના ૮૦ પોલીસ આવાસ રૂ.૧૨૮૮.૯૯  લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્‍યા છે. જ્‍યારે વિંછીયા ખાતે બી કેટેગરીના ૩૨  બ્‍લોક અને સી ટાઇપનું  આવાસ રૂ. ૪૧૯.૪૮ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્‍યા છે. આટકોટ ખાતે સી-કેટેગરીનું એક પોલીસ આવાસ રૂ. ૨૭.૧૦ લાખના ખર્ચે નિર્માણ કરવામાં આવ્‍યું છે.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્‍યો ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, દુર્લભજીભાઈ દેથરિયા, પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, નાયબ પોલીસ મહાનિરીક્ષક ગિરીશ પંડ્‍યા, પોલીસ કમિશ્રર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્‍દ્ર બગડિયા, પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્‍ય હિમકરસિંહ, મોરબી પોલીસ અધિક્ષક  રાહુલ ત્રિપાઠી, જામનગર પોલીસ અધિક્ષક  પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકા પોલીસ અધિક્ષક નીતેશ પાંડે તથા જીલ્લાના ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ હાજર રહયા હતા. પ્રદેશ ભાજપના અગ્રણી ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, પ્રવકતા રાજુભાઈ ધ્રુવ સહીતના ઉપસ્‍થિત રહ્યા હતાં.

(4:31 PM IST)