તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
રીબડા ફાયરીંગની કબુલાતનો વિડીયો હાર્દિકસિંહ જાડેજાએ ગુજરાત બહારથી વાયરલ કર્યો'તો
હાર્દિકસિંહને ઝડપી લેવા રૂરલ પોલીસની ટીમોની ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં તપાસ

રાજકોટ, તા., ર૬ : ગોંડલના રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર થયેલ ફાયરીંગની જવાબદારી સ્વીકારવાનો વિડીયો હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજાએ ગુજરાત બહારથી વાયરલ કર્યો હોવાનું બહાર આવતા રૂરલ પોલીસની ટીમોએ તેને ઝડપી લેવા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ય વિગતો મુજબ રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ ઓફીસમાં બાઇકમાં ધસી આવેલા બે અજાણ્યા શખ્સો ફાયરીંગ કરી નાસી છૂટયા હતાં. આ ઘટના બાદ પેટ્રોલ પંપના કર્મચારીએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બીજી બાજુ આ ઘટના બાદ હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા રે. મુળ અડવાળ હાલ રાજકોટએ રીબડાના પેટ્રોલ પંપ ઉપર પોતે ફાયરીંગ કરાવ્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન ફાયરીંગની જવાબદારી સ્વીકારતો વિડીયો હાર્દિકસિંહ જાડેજાએ ગુજરાત બહારથી વાયરલ કર્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાર્દિકસિંહે જે વિડીયો વાયરલ કર્યો તેમાં દુકાનના બોર્ડ હિન્દીમાં લખાયેલ હોય હાર્દિકસિંહ ઉત્તરપ્રદેશ અથવા મધ્યપ્રદેશમાં હોવાની શંકાએ તેને ઝડપી લેવા રૂરલ પોલીસની બે ટીમો ત્યાં તપાસ અર્થે દોડી ગઇ છે.
રીબડાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરનાર બે શખ્સો પરપ્રાંતીય હોવાનું અને તે રાજકોટથી રીબડા આવ્યાનું અને રીબડાથી પરત રાજકોટ રૈયા ચોકડી સુધી ગયાના સીસીટીવી ફૂટેજ મળ્યા છે જો કે, બન્નેની ઓળખ મળી નથી.
રૂરલ પોલીસની અલગ અલગ ટીમોએ હાર્દિકસિંહ જાડેજા સહિત ત્રણેય શખ્સોને ઝડપી લેવા દોડધામ આદરી છે
(3:23 PM IST)










