<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

રાજકોટમાં હેલ્મેટ ફરજિયાત મામલે વિવાદ: જીગ્નેશ મેવાણીના સરકાર પર આકરા પ્રહાર

આ પરિપત્રથી રાજકોટવાસીઓમાં ભારે આક્રોશ છે: જો પોલીસ વિભાગ પીછેહઠ નહીં કરે, તો તેઓ રાજકોટ આવીને લોકોની વ્હારે આવશે અને શહેરમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓની પોલ છતી કરશે: જીગ્નેશ મેવાણી

રાજકોટ શહેર પોલીસે ૮ સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે કોંગ્રેસના ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણી મેદાને આવ્યા છે. તેમણે સારા રસ્તાઓ અને ટ્રાફિક વ્યવસ્થાના અભાવે આ નિર્ણયને "દંડ વસૂલવાનો અને હેલ્મેટ કંપનીઓને લાભ કરાવવાનો ખેલ" ગણાવ્યો. તેમણે ગૃહમંત્રીના લોકદરબારને "નકલી" ગણાવી, રાજકોટમાં "અસલી લોકદરબાર" યોજવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

રાજકોટ શહેર પોલીસ દ્વારા ૮ સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે વિવાદ થયો છે. લોકો સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યા છે.

શ્રી મેવાણીએ જણાવ્યું કે, હેલ્મેટ સ્વેચ્છિક પહેરવું આવશ્યક છે, પરંતુ રાજકોટના ખાડાવાળા રસ્તાઓ પર ટુ-વ્હીલર ૪૦ કિલોમીટર પ્રતિ કલાકથી વધુ સ્પીડે ચલાવી શકાતું નથી, તેથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત કરવાની કે દંડની જરૂર નથી. તેમણે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે સરકારને પહેલા સારા રસ્તાઓ અને ટ્રાફિક સમસ્યા હલ કરવા પર ધ્યાન આપવા જણાવ્યું. મેવાણીએ પ્રશ્ન કર્યો કે તહેવારો શરૂ થાય ત્યારે જ શા માટે હેલ્મેટની ચિંતા થઈ? આ નિર્ણયથી લોકોને મુશ્કેલી પડશે.

ગૃહમંત્રીના લોકદરબાર પર સવાલ અને ગંભીર આક્ષેપો: જીગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી દ્વારા રાજકોટમાં યોજાયેલા "લોકદરબાર" ને "નકલી અને પ્રિ-પ્લાન" ગણાવ્યો. તેમણે આક્ષેપ કર્યો કે આ માત્ર ફોટોસેશન અને કાયદો-વ્યવસ્થાની નિષ્ફળતા છુપાવવાનું નાટક છે. મેવાણીએ ચીમકી ઉચ્ચારી કે તેઓ ટૂંક સમયમાં રાજકોટમાં "અસલી લોકદરબાર" યોજીને ભાજપ શાસનમાં ચાલતા બે નંબરના ધંધાઓનો પર્દાફાશ કરશે.

તેમણે હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય પાછળ અધિકારીઓ અને હેલ્મેટ કંપનીઓની સાંઠગાંઠ હોવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો. મેવાણીએ પ્રશ્ન કર્યો કે ૮ સપ્ટેમ્બરથી ૪૫ દિવસ માટે જ હેલ્મેટ ફરજિયાત શા માટે? શા માટે માત્ર રાજકોટમાં જ આવો પરિપત્ર? તેમણે ટ્રાફિક પોલીસને હપ્તાખોરી બંધ કરીને ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા જણાવ્યું.

મેવાણીએ સ્પષ્ટપણે કહ્યું કે સરકારને લોકોના જીવનની સુરક્ષા સાથે કોઈ લેવાદેવા નથી, આ માત્ર દંડ વસૂલવાનો અને હેલ્મેટ કંપનીઓને ફાયદો કરાવવાનો ખેલ છે. તેમણે ગૃહમંત્રીના "સુરક્ષા માટે હેલ્મેટ" નિવેદન પર કટાક્ષ કરતા કહ્યું કે જો ખરેખર ચિંતા હોય તો રાજ્યમાં દારૂ-ડ્રગ્સ સદંતર બંધ કરી દેખાડે, જેથી હિટ એન્ડ રનના અકસ્માતો અટકી શકે.

અંતમાં, મેવાણીએ જણાવ્યું કે આ પરિપત્રથી રાજકોટવાસીઓમાં ભારે આક્રોશ છે. જો પોલીસ વિભાગ પીછેહઠ નહીં કરે, તો તેઓ રાજકોટ આવીને લોકોની વ્હારે આવશે અને શહેરમાં ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓની પોલ છતી કરશે.

(3:27 PM IST)