તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 26th July 2025
બે કલાકનું કહી ૩.૮૦ લાખનો કેમેરો લઇ જઇ હાર્દિક ટાંકે પાછો જ ન દીધોઃ ક્રાઇમ બ્રાંચે દબોચતા ૪ ગુના ઉકેલાયા
વિડીયોગ્રાફર ઓનલાઇન ગેમમાં લાખો હારી જતાં ઠગાઇના રવાડે ચડી ગયો : માધાપર રહેતાં શખ્સ વિરૂધ્ધ બી-ડિવીઝનમાં મિત્ર હર્ષદભાઇ ભાખરની ફરિયાદઃ ક્રાઇમ બ્રાંચના એ. એન. પરમાર અને ટીમે સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૬: માધાપર ચોકડી નાગેશ્વરમાં રહેતાં અને વિડીયોગ્રાફીનું કામ કરતાં શખ્સે પોતે ઓનલાઇન ગેમના રવાડે ચડી જતાં લાખો રૂપિયા હારી ગયો હોઇ પોતાના જ પરિચીત એવા વિડીયોગ્રાફીના ધંધાર્થીઓને છેતરવાનું ચાલુ કર્યુ હતું. તેણે જે તે પરિચીત પાસેથી મોંઘાદાટ કેમેરા બે કલાક માટે લઇ જવાના બહાને અને બાદમાં હજુ કામ વધુ છે, ભાડેથી કેમેરો રાખવો પડશે કહી ઓનલાઇન ભાડુ ચુકવી બાદમાં કેમેરા પરત ન આપી ઠગાઇ કરી હતી. બી-ડિવીઝનમાં ૩.૮૦ લાખા કેમેરાની ઠગાઇનો ગુનો નોંધાતા ક્રાઇમ બ્રાંચે આ શખ્સને દબોચી લીધો હતો. પુછતાછમાં અન્ય આવા ત્રણ ગુના પણ ઉકેલાયા હતાં.
આ અંગે બી-ડિવીઝન પોલીસે મોરબી રોડ બ્રાહ્મણીયાપરા-૨ શેરી નં. ૪ સેટેલાઇટ ચોકમાં રહેતાં અને વિડીયોગ્રાફીનું કામ કરતાં હર્ષદભાઇ ગોબરભાઇ ભાખર (ઉ.વ.૪૦)ની ફરિયાદ પરથી માધાપર ચોકડી નાગેશ્વર સોસાયટીમાં રહેતાં હાર્દિક વિનોદભાઇ ટાંક વિરૂધ્ધ ઠગાઇનો ગુનો નોંધ્યો છે. હાર્દિક બે કલાક માટે કેનોન કંપનીનો રૂા. ૩,૮૦,૦૦૦નો કેમેરો રૂા. ૧૫ હજારના ભાડેથી લઇ ગયા બાદ પાછો ન આપી છેતરપીંડી કરી હતી. આ શખ્સને ક્રાઇમ બ્રાંચે દબોચી લેતાં આ પ્રકારની ઠગાઇના વધુ ગુના ઉકેલાયા છે. આ શખ્સે ઓનલાઇન જૂગારમાં ૭ થી ૮ લાખ હારી જતાં દેણું થઇ જતાં તેણે આ પ્રકારે છેતરપીંડી ચાલુ કરી હોવાનું ખુલ્યું હતું.
છેતરાયેલા હર્ષદભાઇએ જણાવ્યું હતુ઼ કે હું વિડીયોગ્રાફીનું કામ કરુ છું. હાર્દિક ટાંક પણ પૂનમ વિડીયો નામે વિડીયોગ્રાફીનું કામ કરતો હોઇ તેને હું ઓળખુ છું. તે મારો મિત્ર છે અને સગામાં પણ છે. તેના પિતાજી વિનોદભાઇ ટાંક સાથે પણ મારે પંદર વર્ષથી પરિચય હતો. જો કે હાલ તેઓ હયાત નથી. હાર્દિકે મને ગઇ તા.૨૫/૩ના ફોન કરીને જણાવેલ કે મારે બે કલાક પુરતો કેમેરો જોઇએ છે અને મારો કેમેરો ખરાબ થઇ ગયેલ છે અને તે રીપેરીંગમા છે જેથી તમારો કેમેરો મને આપો. જેથી મેં મારો કેનોન કંપનીનો કેમેરો તથા તેની સાથે એસેસરીઝમાં ચાર્જર તથા કેમેરાનો લેન્સ તથા ત્રણ બેટરી જે બધાની કુલ કિંમત રૂપિયા ૩,૮૦ ,૦૦૦ની થાય છે તે તેને આપ્યા હતાં.
પરંતુ બે કલાકને બદલે ત્રણ કલાક થઇ જવા છતાં હાર્દિક કેમેરો પાછો આપવા ન આવતાં મેં તેને ફોન કરતાં તેણે હવે મારે કેમેરો પાચ દિવસ માટે જોઇએ છે અને હુ તમને કેમેરાનુ જે ભાડુ તમને આપી દઇશ તેમ કહ્યું હતું. પાંચ દિવસ પુરા થતાં તેણે કેમેરો નહિ પહોંચાડતા ફરી મેં ફોન કરતાં તેણે સીઝનનુ કામ છે હું તમને રવિવારે કેમેરો આપી જઇશ પણ કેમેરો આપેલ નહિ. હાર્દિકે ફોન પણ બંધ કરી દીધો હતો. બાદ તા.૦૯/૦૪/૨૦૨૫ ના રોજ તેનો ફોન ચાલુ થતા યુવાને તેની સાથે વાત કરતા કહ્યું હતું કે, હુ મારા કામ માટે બહાર ગામ ગયેલ હતો અને હુ તમારા ખાતામા કેમેરાના ભાડાના રૂપીયા ૧૫,૦૦૦ નાખુ છુ તેમ કહી રૂ.૧૫ હજાર જમા કરાવ્યા હતાં.
તેમજ કહ્યું હતું કે રાજકોટ પરત આવુ ત્યારે બાકીનો હિસાબ કરીશુ અને હુ તમને તમારો કેમેરો પરત આપી દઇશ તેમ વાત કરેલ, ત્યારપછી હાર્દિકનો ફોન બંધ આવતો હોઇ મારી સાથે ઠગાઇ થયાનું જણાતાં પોલીસને જાણ કરી હતી. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી નાંખી હાર્દિક ટાંકને પકડી લીધો છે. તેણે પુછતાછમાં કબુલ્યું હતું કે ઓનલાઇન એવીએટર ગેમની આદત હોઇ તેમાં સાત આઠ લાખ હારી જતાં દેણુ થઇ જતાં આ પ્રકારે ઠગાઇ ચાલુ કરી હતી. હાર્દિકે આવા જ ગુના પ્ર.નગર, એ-ડિવીઝનમાં પણ આચર્યા હતાં. કુલ આવા ચાર ગુનાનો ભેદ ઉકેલાયો છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બી. બસીયાની સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલીયા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવની રાહબરીમાં પીએસઆઇ એ.એન.પરમાર, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ ઝાલા, હરસુખભાઇ સબાડ, અર્જુનભાઇ ડવ, મોહીલરાજસિંહ ગોહિલ, કોન્સ. ગોપાલભાઇ પાટીલ, પ્રશાંતભાઇ ચુડાસમા, મયુરધ્વજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.
(6:16 PM IST)










