<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th July 2025

ફરજિયાત હેલ્‍મેટ પહેરાવાશે તો સવિનય કાનુનભંગનું આંદોલન છેડશુ : કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા

હેલ્‍મેટના નામે દંડના ઉઘરાણા કરવાનું રહેવા દેજો : જો કરવુ જ હોય તો રોડ રસ્‍તાના ખાડાની મરામત કરાવો, ટ્રાફીક નિયમનનું ચુસ્‍ત પાલન કરાવો તો લોકોપયોગી ગણાશે : અન્‍યથા લોકોરોષનો ભોગ બનવા તૈયાર રહેજો : ચીમકી

રાજકોટ તા. ૨૬ : શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાએ એક યાદીમાં આગામી ૮ સપ્‍ટેમ્‍બરથી શહેર પોલીસ તંત્ર દ્વારા શહેરમાં ટુ વ્‍હીલર્સ વાહન ચાલકો માટે હેલ્‍મેટ ફરજિયાત કરવાની કવાયત સામે ભારોભાર વિરોધ વ્‍યકત કરાય છે.

તેઓએ જણાવ્‍યુ છે કે અગાઉ પણ પોલીસ તંત્ર દ્વારા હેલ્‍મેટના નામે લાખોનો દંડ ફટકારી વાહન ચાલકો સામે ઉઘાડી લુટ ચલાવાઇ હતી. શહેરમાં રસ્‍તાઓ ટનાટન રાખવા, ટ્રાફિક વ્‍યવસ્‍થા સુદ્રઢ બનાવવી, પોલીસ કમિશનરના જાહેરનામાનો કડક અને ચુસ્‍ત અમલ કરાવવો સહિતના અનેક કાયદાઓ અમલમાં છે, પરંતુ તેને તંત્ર ઘોળીને પી જાય છે અને ફક્‍ત હેલ્‍મેટનો કાયદો વખતો વખત યાદ આવ્‍યા કરે છે. કેમ કે વાહન ચાલકો સામે લૂંટ ચલાવી સરકારી તિજોરી ભરવાનું આ એક હથિયાર છે.

આમ તો રાજકોટ શહેર એ રંગીલુ શહેર છે. મોડી રાત્રી સુધી ચહલ પહલ હોય છે. રાજકોટ શહેરના રસ્‍તાઓ ભાંગીને ભૂકો થયા છે. રસ્‍તાઓમાં અનઅધિકળત સ્‍પીડ બ્રેકરો અને ઠેર ઠેર દબાણોને પગલે રાજકોટમાં ઓવર સ્‍પીડમાં ટુ વ્‍હીલર્સ ચાલી શકે તેવી કોઈ પરિસ્‍થિતિ નથી. હાડકા તોડ રસ્‍તાઓના પગલે વાહન એકદમ ધીમું ચલાવવું પડે છે. ત્‍યારે હેલ્‍મેટ શહેરમાં પહેરવાથી અનેક મુશ્‍કેલીઓનો સામનો વાહન ચાલકોને કરવો પડી શકે.

આમ જોઈએ તો રાજકોટમાં નિયમિત લાખોનો દંડ કરી દર મહિને ૧ કરોડનો દંડ ટ્રાફિક પોલીસ વસૂલતી હોય છે. હવે આ દંડ ઓછો પડતો હોય એટલે હેલ્‍મેટનું ગતકડું કાઢી સરકારી તિજોરી ભરવા સિવાય કોઈ ઉદ્દેશ્‍ય હોય એવું લાગતુ નથી. કારણ કે શહેરમાં જે અકસ્‍માતો થયા છે તેમાં હેલ્‍મેટ ચાલકોએ પણ જાન ગુમાવ્‍યાના બનાવો રેકોર્ડ પર છે. હેલ્‍મેટ વગરના થયેલા મોત એક ટકા પણ નથી જે પ્રાણઘાતક અકસ્‍માતો થાય છે તેમાં ભારે વાહનો અને વાહન ચાલકોની બેદરકારીના કારણે થઈ રહ્યા છે.

ટ્રાફિક માટે રાજ્‍ય સ્‍તરની કે રાજકોટ મહાનગરપાલિકા કે રાજકોટ પોલીસ તંત્રની કોઇ રણનીતિ કે પ્‍લાનિંગ છે નહીં. હાલ તો ટ્રાફિક પોલીસનું તંત્ર ફક્‍ત કાયદેસરના અને ગેરકાયદેસરના ઉઘરાણા સિવાય કોઈ કામ થતું નથી. ટ્રાફિક નિયમનનું કામ ખોરંભે પાડી દીધું છે. જેને પગલે શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામ થાય છે.

  રાજકોટ શહેરમાં  પોલીસ તંત્ર દ્વારા જો સત્તાના જોરે શાસકોના ઇશારે હેલ્‍મેટ કાયદાનો ફરજિયાત અમલ કરાવાશે તો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલનનું રણશિંગું ફૂંકી સવિનય કાનૂનભંગ સહિતના કાર્યક્રમો અપાશે. તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહજી જાડેજાએ યાદીના અંતમાં જણાવ્‍યુ છે.

(3:53 PM IST)