News of Saturday, 26th July 2025
ગૃહમંત્રીના હસ્તે એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, ભક્તિનગર એએસઆઇ નિલેષભાઇ મકવાણા સહિત પાંચના સન્માન
ડીસીબીના વિજયરાજસિંહ જાડેજા, એસઓજીના હાર્દિકસિંહ પરમાર અને ટ્રાફિકના જીતેશભાઇ દાફડાનું પણ સન્માન

રાજકોટ તા. ૨૬: શહેરમાં ગઇકાલે રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીએ અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. સાથોસાથ શહેર પોલીસના ચુનંદા અધિકારીઓ, કર્મચારીઓનું તેમણે નિભાવેલી ખાસ કામગીરી બદલ સન્માન પણ કર્યુ હતું. જેમાં એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા, ભક્તિનગર પોલીસ સ્ટેશનના પીઆઇ રાઇટર એએસઆઇ નિલેષભાઇ મુળુભાઇ મકવાણા, ડીસીબીના એએસઆઇ વિજયરાજસિંહ રણજીતસિંહ જાડેજા, એસઓજીના કોન્સ. હાર્દિકસિંહ પરમાર અને ટ્રાફિક શાખાના કોન્સ. જીતેશભાઇ માધાભાઇ દાફડાનો સમાવેશ થાય છે.
ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને રાજકોટ શહેર પોલીસ કમિશનરની કચેરી ખાતે પોલીસ અધિકારીઓ અને જનપ્રતિનિધિઓની બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં અરજદારોને ન્યાય આપવાની ઉમદા કામગીરી બદલ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ટીમને અભિનંદન પાઠવ્યા હતાં. સાથે સાથે શ્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટ શહેર પોલીસના ચુંનંદા અધિકારીઓ, કર્મચારીઓને તેમણે નિભાવેલી ખાસ ફરજ, કામગીરી બદલ સન્માન કર્યુ હતું.
શહેર એલસીબી ઝોન-૨ના પીએસઆઇ આર. એચ. ઝાલાની ટીમે ઘરફોડ ચોરી સહિતના અનડીટેકટ કેસો ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે ભક્તિનગર પોલીસ સ્ટેશનના એએસઆઇ નિલેશભાઈ મકવાણાએ વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫માં દુષ્કર્મ, ખૂન, એનડીપીએસ કેસમાં ૧૫ થી વધુ આરોપીઓને કોર્ટમાં કડક સજા અપાવી હતી.આ ઉપરાંત ક્રાઈમ બ્રાંચના એએસઆઇ વિજયરાજસિંહ જાડેજાએ મિલકત સબંધી ગુનામાં દોઢ કરોડથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. જ્યારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ હાર્દિકસિંહે એનડીપીએસના કેસોમાં બાતમી મેળવવામાં અગ્રેસર રહી કેસો કર્યા હતા તેમજ ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલ જીતેશ દાફડાએ અકસ્માત કેસોમાં ૪૦થી ૫૦ લાખની સહાય મંજુર કરાવી ભોગ બનનાર પરિવારને અપાવી હતી
આ સન્માનના કાર્યક્રમ વખતે મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ અને રમેશભાઈ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇ.જી. અશોકકુમાર યાદવ, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિમકરસિંહ, ડીસીપીે સજ્જનસિંહ પરમાર, પાર્થરાજસિંહ ગોહિલ અને જગદીશ બાંગરવા, ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ અને એસીપી રાધિકા ભારાઈ અને ભરત બસિયા સહિતના હાજર રહ્યા હતાં.
(3:53 PM IST)










