તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
દેશભક્તિનો મેસેજ આપતી ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરૂ'
‘વિશ્વગુરૂ'એ માત્ર ફિલ્મ નથી, એ એવા ભારતની કલ્પના છે જ્યાં સંસ્કૃતિ,સાહિત્ય અને રાષ્ટ્રભક્તિ જીવંત હોય : આ ફિલ્મમા દર્શકોને થ્રીલર, એડવેન્ચર બધું જ જોવા મળશે, ૧ ઓગસ્ટથી સિનેમાઘરોમાં: ગુજરાતી ફિલ્મજગતના સારા સમયની શરૂઆત થઈ ચુકી છેઃ અભિનેતા ગૌરવ પાસવાલા ‘અકિલા'ના આંગણે

રાજકોટઃ ગુજરાતી ફિલ્મ જગત માટે એક અનોખું પાનું રચતી અને રાષ્ટ્રપ્રેમને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરતી ફિલ્મ ‘વિશ્વગુરૂ' ૧ ઓગસ્ટના રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર થોડા સમય પહેલા લોન્ચ થયું છે અને તેને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના મુખ્ય અભિનેતા ગૌરવ પાસવાલા ‘અકિલા'ના આંગણે આવ્યા હતા.
અભિનેતા ગૌરવ પાસવાલાએ જણાવ્યું કે વિશ્વગુરૂ જેવી ફિલ્મનો ભાગ બનવું મારા માટે ગર્વની વાત છે. આ ફિલ્મ માત્ર રાષ્ટ્રીય ગૌરવ વિશે નથી, પણ એ ભાવનાઓ ઉજાસ છે કે જ્યારે યુવાનો તેમના સંસ્કાર અને દેશપ્રેમ સાથે ઉભા રહે ત્યારે કોઈપણ અવરોધ અડચણ બની શકતો નથી.
ફિલ્મ ‘વિશ્વગુરૂ'માં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક રાષ્ટ્ર આંતરિક અવ્યવસ્થાઓ સામે ઉભું રહીને વિશ્વ મંચ પર પોતાનું મહત્વ સ્થાપિત કરે છે. ફિલ્મમાં સામેલ છે શક્તિશાળી સંવાદદ્રશ્યો અને ભારતીય સંસ્કૃતિથી ભરપૂર પૃષ્ઠભૂમિ જે ખાસ કરીને યુવાનોને રાષ્ટ્રપ્રેમનો ક્રિયાત્કમક સંદેશ આપે છે.
ગૌરવ જણાવે છે કે આ ફિલ્મમાં થ્રીલર, એડવેન્ચર દેશભક્તિ બધું જ જોવા મળશે. આ ફિલ્મ આજના યુવાનોને સંદેશ આપે છે. ફિલ્મમાં ક્રિશ્ન ભારદ્વાજ, મુકેશ ખજા, રાજીવ મહેતા, ધર્મેશ વ્યાસ જેવા કલાકારો છે. ફિલ્મનું શૂટીંગ સુરત, બરોડા, વલસાડ, ધરમપુર, નાસિક અને દુબઈમાં થયું છે. ૧ ઓગષ્ટના સિનેમાઘરોમાં ફિલ્મ રિલીઝ થશે. બે કલાકની આ મૂવી છે.
યુવા અભિનેતા ગૌરવ એક પ્રશ્નના જવાબમાં જણાવે છે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના સારા દિવસોની હવે શરૂઆત થઈ ગઈ છે. મસમોટા ખર્ચાવાળી ફિલ્મો બની રહી છે. જાણીતા ડીરેક્ટરો અને બોલીવૂડના કલાકારો પણ હવે ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા લાગ્યા છે.
ફિલ્મનું દિગ્દર્શન શૈલેષ બોધાણી અને અતુલ સોનાર, નિમાંણ સતાંશ પટેલ અને લેખન કિરીટભાઈ તથા અતુલ સોનાર દ્વારા થયું છે. સુક્રિત પ્રોડકશન અને સ્વસ્તિક મોશન પિકચર્સ દ્વારા રજૂ થતી આ ફિલ્મમાં મુકેશ ખન્ના, કુરૂષ દેબુ, ગૌરવ પાસવાલા, કૃષ્ણ ભારદ્વાજ, મકરંદ શુક્લ, શ્રદ્ધા ડાંગર, હિના જયકિશન, સોનાલી લેલે, ચેતન દૈયા, ધર્મેશ વ્યાસ અને જાની ભાવિની સહિત અનેક પ્રતિષ્ઠિત કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મનું સંગીત મેહુલ સુરતીનું અને પાર્થ તારપરાના શબ્દો છે. ગીતોને અવાજ આપ્યો છે આનંદી જોશી અને હરિ ઓમ ગઢવી, જ્યારે ફિલ્મનું સંપાદન સંજય સંકલાએ કર્યું છે. દિગ્દર્શક શૈલેષ બોધાણી છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે યુવા અભિનેતા ગૌરવ પાસવાલા નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૨)
(10:09 AM IST)










