News of Monday, 28th July 2025
મેળો હાલ ખાલીખમ : ૧૪૩ સ્ટોલ આપવાના છે : પણ કોઇ લેવાલ નથી : રમકડાના ૧૧૦ સામે ૧૨ સ્ટોલનો ડ્રો
કુલ ૨૩૮ સ્ટોલઃ બપોર બાદ ૩૪ મોટી રાઇડની હરરાજીઃ કલેકટરે મોટી રાઇડમાં ૫ રૂપિયા વધારી ૪૫ ના ૫૦ કર્યા.. : શુક્રવારે આઇસ્ક્રીમ-ખાણીપીણી મોટી તથા અન્ય મધ્યમ રાઇડ કુલ ૬૩ સ્ટોલ સામે માત્ર ૧૮ ની જ હરરાજી થયેલ : ૪૫ ખાલી રહયા : રવીવારે મોટી રાઇડના સંચાલકોએ ૫ રૂપિયા છૂટાનો પ્રશ્ન ઉઠાવતા હરરાજી મોકૂફ રહી હતી

રાજકોટ, તા.૨૮: દર વર્ષે રાજકોટ કલેકટર તંત્ર આયોજીત લોકમેળો સ્ટોલ હાઇસ્કૂલ બની જાય છે. પરંતુ આ વખતે મોટી રાઇડનો વિવાદ, તથા ગયા વખતે વરસાદને કારણે મેળો કેન્સલ થતા આ વખતે સ્ટોલના ફોર્મ ભરવામાં વેપારીઓમાં ભારે ટાઢોડુ છવાયું છે. અને હાલ કુલ ૧૪૩ સ્ટોલ અંગે ફોર્મ ભરાયા નથી. ૧૪૩ સ્ટોલ આપવાના છે. પરંતુ તેનું કોઇ લેવાલ નથી તેવો ઘાટ સર્જાયો છે.આ ખાલી રહેલ સ્ટોલ તથા તે જગ્યાનું શું કરવું તે અંગે કલેકટર તંત્ર ૨ દિ' માં નિર્ણય લેશે તેમ સુત્રોએ ઉમેર્યુ હતું.
આજ રમકડા,ખાણીપીણી નાની, મધ્યમ ચકરડી, અને નાની ચકરડફીનો ડ્રો થયો હતો.સીટી પ્રાંત ડો. ચાંદની પરમાર, નાયબ મામલતદારો વસીમભાઇ, ભાલોડીભાઇ, હિતુભા ચૂડાસમા તથા અન્યોની હાજરીમાં માત્ર ૩૦ મીનીટમાં ડ્રો ની કાર્યવાહી સંપન્ન થઇ હતી. રમકડાના કુલ ૧૧૦ સ્ટોલમાંથી માત્ર ૧૨ ફોર્મ ભરાતા, તે તમામ ૧૨ સ્ટોલ અપાઇ ગયા છે. રમકડાના ૯૮ સ્ટોલનું હાલ કોઇ લેવાલ નથી.
આ ઉપરાંત ખાણીપીણી નાનીના ૬ સ્ટોલ સામે આજે ૬ અપાઇ ગયા છે. મધ્યમ ચકરડી ૩ સામે ૩, તથા નાની ચકરડીના ૧૮ સ્ટોલ સામે તમામ ૧૮ આજે અપાઇ ગયા છે.
શુક્રવારે આઇસ્ક્રીમ મોટી ખાણીપીણી, મધ્યમ ખાણીપીણી,મધ્યમ રાઇડ વિગેરે સહિત કુલ ૬૩ સ્ટોલની હરરાજી થઇ તેમાં માત્ર ૧૮ જ સ્ટોલ વેચાયા હત. જેના ૪૪ લાખ ઉપજયા પરંતુ ૪૫ સ્ટોલ ખાલી રહયા હતા. જે અંગે હવે નિર્ણય લેવાશે.
ગઇકાલે મોટી જમ્બો રાઇડ-સ્ટોલની હરરાજી હતી. પરંતુ તેમાં ટિકીટનો ભાવ રૂા. ૪૫ હોય. સ્ટોલ ઇચ્છુકોએ ૫ રૂપિયા છૂટાના પ્રશ્ન ઉઠાવી રૂા. ૫૦ કરી આપવા માંગણી મૂકી હતી. જે અંગે કલેકટરનું ધ્યાન દોરાતા, કલેકટરે ચર્ચા વિચારણા બાદ ત્વરીત નિર્ણય મોટી રાઇડમાં રૂા.૫૦ નું ભાવ બાંધણું ફાઇનલ કરતા હવે આ ૩૪ સ્ટોલની હરરાજી આજે બપોરે ૪ વાગ્યે થશે.
ટુંકમાં કુલ ૨૩૮ સ્ટોલમાંથી ૧૪૩ સ્ટોલ હાલ બાકી છે. જો કોઇ લેવા નહિ આવે તો તંત્ર અન્ય વિકલ્પ વિચારી તે અંગે કાર્યવાહી કરશે.
(3:11 PM IST)










