<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

લોકમેળાને કારણે એરપોર્ટ-ભોમેશ્વર ફાટક પાસે ભારે ટ્રાફિક જામ થશેઃ પોલીસ વ્‍યવસ્‍થા ગોઠવે

તહેવારોમાં મીઠાઇ-ખાદ્યપદાર્થોની શુધ્‍ધતા જળવાય તે માટે કડક કાર્યવાહી કરો

રાજકોટ, તા. ર૮: આગામી જન્‍માષ્ટમીના તહેવારને ધ્‍યાનમાં રાખીને શહેરના જામનગર રોડ પરના ટ્રાફિક અને ખાદ્ય પદાર્થોની શુદ્ધતા અંગે બે મુખ્‍ય રજૂઆતો કલેકટરને આવેદન આપી કરવામાં આવી છે. એક બાજુ, ટ્રાફિક જામની સમસ્‍યા નિવારવા માટે પોલીસ તંત્રને અપીલ કરવામાં આવી છે, જ્‍યારે બીજી બાજુ, ખાદ્ય સુરક્ષાના કાયદાનું કડક પાલન કરાવવા માટે તંત્રને અનુરોધ કરવામાં આવ્‍યો છે.

હાલ જામનગર રોડ પરના સાંઢિયા પુલનું કામ ચાલી રહ્યું હોવાથી ટ્રાફિકની સમસ્‍યા સર્જાવવાની શકયતા છે. આથી, જન્‍માષ્ટમી જેવા મોટા તહેવાર દરમિયાન લોકોની અવર-જવર વધી જશે, જેના કારણે એરપોર્ટ ફાટક અને ભોમેશ્વર ફાટક પર ભારે ટ્રાફિક જામ થવાની સંભાવના છે. આ પરિસ્‍થિતિને ટાળવા માટે પોલીસ તંત્ર દ્વારા યોગ્‍ય ટ્રાફિક વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા જિલ્લા કલેક્‍ટરને આવેદનપત્ર આપીને આગામી તહેવારોમાં મીઠાઈઓ અને ખાદ્ય પદાર્થોની શુદ્ધતા જાળવવા કડક કાર્યવાહી કરવા અનુરોધ કરાયો છે. આવેદનપત્રમાં જણાવ્‍યું છે કે તહેવારો દરમિયાન વેચાણ વધતા કેટલાક વેપારીઓ ઉતરતી કક્ષાના (સબ-સ્‍ટાન્‍ડર્ડ) પદાર્થોની ભેળસેળ કરતા હોય છે. આ ભેળસેળ સ્‍વાસ્‍થ્‍ય માટે હાનિકારક છે અને તહેવારોની પવિત્રતાને પણ પ્રભાવિત કરે છે.

(5:17 PM IST)