<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

એસટી ડેપોની બલિહારી : રાત્રે બંધ રહેતી જીપીએસ સીસ્‍ટમ હવે દિવસે ૪ દિ' થી બંધ : ખાડા પુરાયા તો સ્‍પીડબ્રેકર મુકી દેવાયું

અનેક બસના કાચ ફુટયા : બે ડ્રાઇવર અને મુસાફરોને ઇજાઃ એસટી મુસાફર હિતરક્ષક સમીતીની ફરીયાદ

રાજકોટ, તા., ૨૮ :  ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગજેન્‍દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્‍દુભા રાઓલ, નાગજીભાઈ વિરાણી, દિલીપભાઈ આસવાણી, હબીબભાઈ કટારીયા, એસ.પી રાજાણી, એડવોકેટ ભાવનાબેન વાઘેલા, સરલાબેન પાટડીયા, ફુલાબેન ચૌહાણની સંયુક્‍ત યાદી જણાવે છે કે રાજકોટનું ઢેબર રોડ પરનું એસ.ટી બસપોર્ટ એ ધણી ધોરી વગરનું અને બાવો રખોલીયો જેવી હાલત છે. કાયમ માટે વિવાદોનું ઘર બનેલું એસ.ટી બસપોર્ટ અનેક સુવિધાઓને બદલે દુવિધાઓ ઉભી કરવી અને મુસાફરોને કનડગત કરવા એ જ મુખ્‍ય ઉદ્દેશ હોય એવું જણાય છે.  અગાઉ ફક્‍ત રાત્રે બંધ રહેતી જીપીએસ સિસ્‍ટમ ચાર દિવસથી દિવસના પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. એલઇડી સ્‍ક્રીન જ બંધ હોય ત્‍યારે મુસાફરોને બસ કઈ જગ્‍યાએ પહોંચે તેનું લોકેશન મળતું નથી અને કલાકો સુધી ટ્રાફિક કંટ્રોલરમાં પણ ખબર પડતી નથી કે બસ કેટલી મોડી છે કઈ જગ્‍યાએ છે.

    રાજકોટ એસ.ટી બસપોર્ટના એક્‍ઝીટ ગેટ કે જ્‍યાંથી બસ બહાર નીકળે છે તે ગેટ પર લાંબા સમયથી મસ મોટા ખાડાઓ હતા જેમાં ખિલાસડી પણ બહાર નીકળી ગઈ હતી. લાંબા સમયથી આ ખાડાઓ પ્રત્‍યે અધિકારીઓ અને કોન્‍ટ્રાક્‍ટરની બેદરકારી અને લાપરવાહીના પગલે મરામત કરવામાં આવતી નહોતી પણ તાજેતરમાં આ બહારના ગેટ પાસેના ખાડાઓની મરામત થઈ જતા વધુ એક વિવાદમાં ગેટ પાસે મસ મોટું અને તોતિંગ સ્‍પીડ બ્રેકર (બમ્‍પર) ખડકી દેવામાં આવ્‍યું. અધિકારીઓની કોઈપણ મંજૂરી વગર બનાવી દેવામાં આવ્‍યું હોય, અધિકારીઓને મુસાફરો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી અને ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિ દ્વારા અધિકારીને સાથે રાખી સ્‍થળ ઉપર જઈ બમ્‍પર અંગેની માહિતી લીધા બાદ અધિકારીને પણ આ અંગે તાકીદ કરાતા બમ્‍પર તોડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ આ સ્‍પીડ બ્રેકર તૂટે એ પહેલા બે ડ્રાઇવરને ઇજા થઇ, ત્રણેક બસમાં કાચ ફૂટી ગયા અને મુસાફરોને સામાન્‍ય ઇજાઓ થઈ હતી.

આ અંગે રાજયના વાહન વ્‍યવહાર મંત્રી હર્ષ સંઘવીને રાજકોટ વિભાગીય નિયામક જે.બી.કરોતરા અને ગુજરાત રાજય માર્ગ વાહન વ્‍યવહાર નિગમના એમડીને લેખીત ફરીયાદ કરી સ્‍પીડ બ્રેકર મુકનારા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.

 

(5:11 PM IST)