તા. ૩ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૫ શનિવાર
News of Monday, 28th July 2025
રાજકોટની આજીનદીના મધ્યે બિરાજતા સ્વયંભૂ રામનાથ મહાદેવ :પાંચ સદીઓથી વધુ પુરાણો ઇતિહાસ : 24 કલાક દર્શન માટે ખુલ્લું
રાજકોટમાંથી પ્લેગ રોગ નાબૂદ થયો. રામનાથ મહાદેવની વર્ણાંગી કાઢવામાં આવી. આજે 100 વર્ષથી વધુ સમયથી પણ વર્ણાંગીની પરંપરા યથાવત

રાજકોટઃ દેવાધિદેવ મહાદેવનો સૌથી પ્રિય પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ભાવિકો પવિત્ર શ્રાવણમાં શિવમય બની સમગ્ર વર્ષની જાણે ઉર્જા પ્રાપ્ત કરે છે. ત્યારે આજે આપણે વાત કરીશું રાજકોટની આજીનદીના મધ્યે બિરાજતા સ્વયંભૂ રામનાથ મહાદેવની. રાજકોટના રામનાથ મહાદેવ મંદિરનો ઈતિહાસ પાંચ દાયકા નહીં પરંતુ પાંચ પાંચ સદીઓથી પણ પુરાણો છે.
રાજકોટમાં 550થી 600 વર્ષ પહેલાં ગાયકવાડ સરકારનું રાજ હતું. તે સમયગળા દરમિયાન ગાયકવાડ સરકારના અધિકારીઓ અને સૂબાઓ દ્વારા ઠેર ઠેર ખેતી માટે ચોથ ઉધરાવવામાં આવતી હતી. જ્યારે તે સૂબાઓ સૌરાષ્ટ્ર તરફ ચોથ ઉઘરાવવા નીકળતા ત્યારે ખાસ રાજકોટમાં રોકાણ કરતા. તે સમયે એક અધિકારી શિવભક્ત હતા અને શિવની પૂજા કરીને જ અન્નજળ લેતા હતા. તે સમયે આજી નદી અને ફરતે જંગલ હતું અને શિવાલય નહોતું. એટલા માટે તેમણે સાત દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરી દીધો હતો.
આ દરમિયાન સૂબાઓના સરદારને એક મહાદેવ સપનામાં આવ્યા અને કહ્યું કે, આજી નદીના પટમાં ખોદકામ કરો અને તેમાં શિવલિંગ નીકળશે તેની પૂજા કરો અને અન્નજળ આરોગો. બીજા દિવસે સુબાના સરદારે તેના માણસો પાસે ખોદાકામ કરાવ્યું અને સપનામાં મહાદેવે કહ્યું હતું, તે સત્ય થયું. ત્યારબાદ તે શિવલિંગની પૂજા કરી અને તેના ઇષ્ટદેવ રામ હોવાથી તે શિવલિંગને રામનાથ મહાદેવ તરીકેનું નામ આપવામાં આવ્યું.
રાજકોટના ગ્રામ્ય દેવતા રામનાથ મહાદેવના આશીર્વાદ અને કૃપા હંમેશા રાજકોટવાસીઓ માથે રહેલી છે. આજથી 100 વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામના રોગથી લોકોના જીવ જઈ રહ્યા હતા. તે સમયે રાજકોટના રાજવી સર લાખાજીરાજ મહારાજે રામનાથ દાદાને પ્રાર્થના કરી અને કહ્યું કે, જો મારી પ્રજાને આ મુશ્કેલીમાંથી બહાર કાઢશો તો દાદા હું આપને નગરયાત્રા કરાવીશ. ત્યારપછી રામનાથ દાદાએ લાખાજીરાજની પ્રાર્થના સાંભળી અને રાજકોટમાંથી પ્લેગ રોગ નાબૂદ થયો. રામનાથ મહાદેવની વર્ણાંગી કાઢવામાં આવી. આજે 100 વર્ષથી વધુ સમયથી પણ વર્ણાંગીની પરંપરા યથાવત છે. દરવર્ષે શ્રાવણમાસના ત્રીજા સોમવારે રામનાથ દાદાની વર્ણાંગી ઢોલ-નગારા સાથે નીકળે છે અને રાજકોટની તમામ જનતા દાદાના દર્શનાર્થે આવે છે.
રામનાથ મહાદેવ મંદિરની એક વિશેષતા એ છે કે, તે 24 કલાક દર્શનાથે ખુલ્લુ રહે છે. ચારેય બાજુથી ખુલ્લા મંદિરે કયારેય તાળા લાગતા જ નથી. અહીં શ્રાવણ માસમાં બપોરે 12 વાગે મહાપૂજા, સવાર-સાંજ મહાઆરતી અને રાત્રે 9.30 કલાકે ભૈરવ મહાપૂજા કરવામાં આવે છે.
શ્રાવણ માસ દરમિયાન અહીં ભાવિકોનું ઘોડાપુર જામતું હોય છે. દેશમાં અનેક શિવમંદિરો નદી કિનારે હોય છે, પણ રામનાથ મહાદેવ તો નદીની વચ્ચોવચ્ચ બિરાજમાન છે. કહેવાય છે કે, શ્રાવણ માસમાં માનતા માની હોય તો રામનાથ મહાદેવ અચૂક ભક્તોની મનોકામના પૂરી કરે છે. આથી દર શ્રાવણ મહિને અહીં ભકતોની ભીડ જોવા મળે છે.
શ્રાવણી સોમવારે રામનાથ દાદાનો ફૂલેકા ઉત્સવ પણ ઉજવાય છે. રાજકોટના રામનાથ મહાદેવને આજી નદી પણ વંદન કરવા આવે છે. આવા મહામુલા મહાદેવની શ્રાવણ માસમાં પૂજા અર્ચના કરી રાજકોટવાસીઓ ધન્યતા અનુભવે છે. તંત્ર તરફથી મંદિરના ડેવલોપમેન્ટ માટે પણ અનેક પ્રયત્ન કરાયા, પરંતુ માત્ર પેપર ટાઈગરો મોટી મોટી વાતો કરી મંદિરમાં પણ રાજકારણ કરી રહ્યા છે. .હાલ મંદિર ફરતે જે બાંધકામ થયું તેને પણ તોડી પાડવામાં આવશે અને નવી ડિઝાઇન મુજબ મંદિરનું કાર્ય આગળ વધશે.
(10:32 PM IST)










