<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

ફોરસ્‍ટના નિવૃત હેડક્‍લાર્કને ડિજીટલ એરેસ્‍ટ કરી ૮.૯૩ લાખ પડાવી લેવાયા

ગંગોત્રી પાર્ક રોડ પામ યુનિવર્સમાં રહેતાં સુર્યકાંતભાઇ રાઠોડને ટ્રાયના નામે દિયા શર્માએ ફોન કર્યો, પછી મહારાષ્‍ટ્ર સાયબર ક્રાઇમના નામે મોહિત હાન્‍દાએ ફોન કરી ડરાવ્‍યાઃ મુંબઇ રૂબરૂ ન આવવું હોય તો વિડીયો કોલમાં વાત કરો તેમ કહી લિંક મોકલી ફસાવ્‍યા :તમારા આધારકાર્ડ પરથી સીમકાર્ડ નીકળ્‍યું છે, બેંકમાં ખાતુ ખુલ્‍યું છે એ ખાતામાં ફ્રોડના ૬૮ લાખ આવ્‍યા છે, આ કારણે એક મહિલાએ સ્‍યુસાઇડ કર્યો છે, તમારી ધરપકડ કરવી પડશે કહી બોન્‍ડ જામીનના નામે અલગ અલગ ૧૦ બેંક ખાતાઓમાં રકમ ટ્રાન્‍સફર કરાવી લીધીઃ સાયબર ક્રાઇમ પીઆઇ એસ. ડી. ગીલવાએ તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૨૯: ઓનલાઇન સાયબર ગઠીયાઓએ રાજકોટના એક વૃધ્‍ધને ડિજીટલ એરેસ્‍ટ કરી લાખો પડાવી લીધા છે. શહેરના ગંગોત્રી પાર્ક મેઇન રોડ શિલ્‍પન ઓનેક્‍સ પાસે પામ યુનિવર્સમાં રહેતાં ફોરેસ્‍ટ વિભાગના નિવૃત હેડક્‍લાર્ક વૃધ્‍ધને ટ્રાયના નામે અને મહારાષ્‍ટ્ર સાયબર ક્રાઇમના નામે ફોન કરી તમારા આધારકાર્ડનો ઉપયોગ કરી સીમ કાર્ડ કઢાવી બેંક એકાઉન્‍ટ ખોલાવાયું છે અને તેના આધારે ૬૮ લાખનું ફ્રોડ થયું છે. જેના રૂપિયા ગયા છે એ મહિલાએ આપઘાત કરી લીધો છે, હવે તમારી એરેસ્‍ટ કરવી પડશે, તમારે મુંબઇ આવવું પડશે અને મુંબઇ ન આવવું હોય તો વિડીયો કોલથી ઇન્‍ટ્રોગેશનમાં સહકાર આપવો પડશે તેમ કહી યુવતિ અને યુવકે વૃધ્‍ધનેડરાવી ધમકાવી બોન્‍ડ જામીનના નામે તેમની પાસેથી કટકે કટકે ૮,૯૩,૦૨૩ ટ્રાન્‍સફર કરાવડાવી ઠગાઇ કરી લેવામાં આવી છે.

આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે રૈયા પાટીદાર ચોક પાસે શિલ્‍પન ઓનેક્‍સ પાસે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર પામ યુનિવર્સ ફલેટ નં. ૨-સી ખાતે રહેતાં અને નિવૃત જીવન જીવતાં સુર્યકાંતભાઇ મોહનલાલ રાઠોડ (ઉ.વ.૬૩)ની ફરિયાદ પરથી અજાણ્‍યા વ્‍હોટ્‍સએપ નંબર અને અલગ અલગ બેંક ખાતાના ધારકો વિરૂધ્‍ધ ૮,૯૩,૦૨૩ની ઠગાઇનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુર્યકાંતભાઇ રાઠોડે જણાવ્‍યું છે કે હાલ હું એકલો રહુ છું અગાઉ ફોરેસ્‍ટ હેડ ક્‍લાર્ક તરીકે બહુમાળી ભવન ખાતેની કચેરીમાં ફરજ બજાવતો હતો. ૨૦૧૯માં નિવૃત થયો છું. ગત ૨૮/૧૧/૨૪ના બપોરે સવા ત્રણેક વાગ્‍યે મને મારા મોબાઇલ પર અજાણ્‍યા નંબર પરથી ફોન આવ્‍યો હતો અને કહ્યું હતું કે હું ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્‍ડિયા (ટ્રાય)માંથી દિયા શર્મા બોલી રહી છું, મારુ જોબ આઇડી નં. ૧૫૩૦૯ છે. તેમ કહી તેણીએ મારી સાથે વાત કરી કહેલુ કે તમારા મોબાઇલમાં જીઓ કંપનીના બે સીમ કાર્ડ છે તેનો ગલત ઉપયોગ થઇ રહ્યો છે, તે સીમ કાર્ડ બંધ કરવું પડશે.

આ પછી દિયાએ કહેલું કે હું તમારુ સીમ કાર્ડ અમારી ઓફિસ ખાતેથી જ બંધ કરી નાખુ છું. જેથી મેં કહેલુ કે મારી પાસે તો એક જ સીમક ર્ડા છે. બાદ થોડીવાર પછી મને ફરીથી અજાણ્‍યા નંબર પરથી ફોન આવ્‍યો હતો અને તેણે બીકેસી મહારાષ્‍ટ્રથી સાયબર ક્રાઇમ ઇન્‍સ્‍પેક્‍ટર મોહિત હાન્‍દા બોલુ છું તેમ કહી મને મારા આધાર કાર્ડ નંબર આપ્‍યા હતાં અને આ જ નંબર તમારા છે ને? તેમ પુછતાં મેં હા પાડી હતી. આથી તેણે કહેલું કે આ આધારકાર્ડ નંબર ઉપર એક એરટેલનું સિમકાર્ડ ચાલુ છે, તેમજ મોબાઇલ સીમ કાર્ડ અને તમારા આધારકાર્ડ ઉપરથી એચડીએફસી બેંકમાં એક ખાતુ ખુલ્‍યું છે. આ એકાઉન્‍ટમાં ૬૮ લાખનું ટ્રાન્‍જેક્‍શન થયું છે. તે કોઇ મહિલાના પૈસા ગયા છે અને એ મહિલાએ આ ફ્રોડ થવાને કારણે સ્‍યુસાઇડ કરી લીધેલ છે. હવે તમારા નામે એરેસ્‍ટ વોરન્‍ટ છે, તમે મુંબઇ આવો તેમ કહ્યું હતું.

મેં તેને હું મુંબઇ ન આવી શકું તેમ કહેતાં તેણે મને તો તમારું ઇન્‍ટ્રોગેશન વિડીયો કોલમાં કરવું પડશે તેમાં તમે કો-ઓપરેટ કરો તેમ કહેતાં મેં હા પાડી હતી. એ પછી તેણે કહેલું કે એરેસ્‍ટ ન થવું હોય તો બે લાખ બોન્‍ડ જામીન આપવા પડશે. આથી હું ગભરાઇ ગયેલો. એ પછી મોહિત હાન્‍દા નામે વાત કરનારે મને ૨૯/૧૧ના સાંજ ેસવા પાંચેક વાગ્‍યે એક લિંક મોકલી હતી. આ લિંક મેં ઓપન કરતાં મારી મોબાઇલ સ્‍ક્રીન ખુલી હતી. તે મને જોઇ શકતા હોય તેવુ લાગ્‍યું હતું. એ પછી તેણે વિડીયો કોલથી વાત કરી હતી અને તેણે જે ખાતા નંબર કહ્યા તેમાં મેં અલગ અલગ રકમ ટ્રાન્‍સફર કરી હતી.

જમાં સીટી યુનિયન બેંકમાં ૪૪ હજાર તા. ૧/૧૨/૨૪ના રોજ, ઉત્‍કર્ષ સ્‍મોલ ફાયનાન્‍સ બેંકમાં ૩૦/૧૧ના રોજ ૪૯ હજાર, સિટી યુનિયન બેંકમાં ૩૦/૧૧ના રોજ ૪૯ હજાર, ૧/૧૨ના રોજ સિટી યુનિયન બેંકમાં ૫૪ હજાર, ફેડરલ બેંકમાં ૩/૧૨ના રોજ ૪૯ હજાર, સ્‍ટેટ બેંક ઓફ ઇન્‍ડિયામાં ૩/૧૨ના રોજ ૪૯ હજાર, કેનેરા બેંકમાં ૪/૧૨/૨૪ના રોજ ૫૦ હજાર, એક્‍સીસ બેંકમાં ૪/૧૨ના રોજ ૪૯ હજાર અને બેંક ઓફ બરોડાના એકાઉન્‍ટમાં ૭/૧૨ના રોજ ૫,૦૦,૦૨૩ રૂપિયા મેં ટ્રાન્‍સફર કરી દીધા હતાં. મારી સાથે ફોનમાં વાત કરી મને વિશ્વાસમાં લઇ મારા આધાર કાર્ડ પર બીજુ બોગસ સીમ ચાલુ છે અને એચડીએફસી બેંકમાં તમારા નામે ખાતુ ખોલી તેમાં ફ્રોડના રૂપિયા જમા કરાવાયા છે તેમ કહી મને ડરાવી અલગ અલગ એકાઉન્‍ટમાં મારી પાસેથી કુલ રૂા. ૮,૯૩,૦૨૩ ટ્રાન્‍સફર કરાવી છેતરપીંડી કરાઇ હતી. આ અંગે મેં સાયબર ક્રાઇમ પોર્ટલ ૧૯૩૦માં અરજી કરી હતી. તેના આધારે હવે મેં ફરિયાદ કરી છે. તેમ વધુમાં સુર્યકાંતભાઇ રાઠોડે જણાવતાં પીઆઇ એસ. ડી. ગીલવાએ તપાસ હાથ ધરી છે 

(1:24 PM IST)