<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th July 2025

નવાગામ રાણપુરના ગોડાઉનમાં સિક્‍યુરીટી ગાર્ડ સુઇ ગયા પછી નિરાંતે ૪.૭૫ લાખના તલની ચોરી

ટ્રક જેવા મોટા વાહનમાં ૧૦૮ ગુણી ભરી જવાઇ ત્‍યાં સુધી ગાર્ડની ઉંઘ ન ઉડીઃ ગોડાઉનના સીસીટીવી કેમેરા પણ બંધઃ ભેદ ઉકેલવા કુવાડવા પોલીસની તપાસ

રાજકોટ તા. ૨૯: નવાગામ રાણપુરમાં યુપી નોઇડાની કંપનીએ અનાજના સ્‍ટોરેજ માટે ભાડે રાખેલા ગોડાઉનમાં ત્રાટકી તસ્‍કરો રૂા. ૪,૭૫,૦૦૦ના તલની ૧૦૮ ગુણીઓ ચોરી જતાં કુવાડવા પોલીસે તપાસ શરૂ કરી છે. આયસર જેવા વાહનના ટાયરના નિશાન મળ્‍યા હોઇ તેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. અહિ ગોડાઉન ખાતે સીસીટીવી કેમેરા છે પરંતુ તે બંધ હાલતમાં છે. રાતે બારેક વાગ્‍યા સુધી સિક્‍યુરીટી ગાર્ડ જાગતો હતો, પછી ઓફિસમાં જઇ સુઇ ગયો હતો. ત્‍યારબાદ તસ્‍કરો ટ્રક જેવું વાહન લઇ નિરાતે આવ્‍યા હતાં અને ચોરી કરી નીકળી ગયા હતાં.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે મુળ યુપીના ફતેગઢ ફરૂખાબાદની દુર્ગા કોલોનીમાં રહેતાં અને હાલ ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે શોપ નંબર બી-૧૫૪ ખાતે નોકરીકરતાં સંજીવકુમાર રાજેન્‍દ્રપ્રસાદ શ્રીવાસ્‍તવ (ઉ.વ.૫૧)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્‍યો છે. સંજીવકુમારે જણાવ્‍યું છે કે હું હાલ ગોંડલ રહુ છું અને આર્યા કોલેટ્રોલ નામની કંપની જે નોઇડા યુપીમાં આવેલ છે અને અનાજ કરીયાણાનું સ્‍ટોરેજનું કામ કરે છે તેમાં હું ગુજરાત હેડ તરીકે ચાર મહિનાથી નોકરી કરુ છું. અમારી કંપની અનાજ કરીયાણાનો સ્‍ટોર કરવા માટે ગુજરાતમાં અલગ અલગ જગ્‍યાએ ગોડાઉન ભાડે રાખી અનાજ કરીયાણુ તેમાં સ્‍ટોર કરે છે. મારુ કામ કંપની નવુ ગોડાઉન રાખે ત્‍યૌ માણસો અપોઇન્‍ટ કરવાનું છે, જ્‍યારે ત્‍યાંના સુપરવાઇઝર ગોડાઉનનું રિપોર્ટીંગ કરી મને જાણ કરતાં રહે છે.

અમારી કંપનીએ હાલમાં કુવાડવાના રાણપુર નવાગામ ખાતે વાંકાનેર હાઇવે પર આરકે ગેઇટ નં. ૯ સામે જેન્‍તીભાઇ દેવરાજભાઇ કાકડીયાનું વેરહાઉસ છે જે ગોડાઉન તરીકે ચાર વર્ષથી ભાડેથી રાખ્‍યું છે. જેના સુપરવાઇઝર અભિષેક વિનુભાઇ વનાળીયા છે. જે અમારી કંપનીમાં એક વર્ષથી કામ કરે છે. અહિ દિવસે સિક્‍યુરીટી રાખતા નથી. સાંજે આઠથી સવારના આઠ સુધી સિક્‍યુરીટી ભરતભાઇ જાદવભાઇ ચોૈહાણ ફરજ બજાવે છે અને તે પણ ચાર મહિનાથી નોકરી કરે છે. આ ગોડાઉનમાં અમે તલની ૨૨૭૦૨ ગુણીઓ રાખી હતી.

ગત ૧૪/૭ના રોજ સાડા દસેક વાગ્‍યે  મને ગોડાઉન સુપરવાઇઝર અભિષેકભાઇએ ફોન કરી કહેલુ કે આપણા ગોડાઉનને ૧૨મીએ તાળા મારી બંધ કર્યુ હતું. હવે ૧૪મીએ સવારે ખોલતા ગાડીના ટાયરના નિશાન દેખાયા છે અને ગોડાઉનની બારી પાસે તલ ઢોળાયેલા છે. બારીનો કારચ પણ નથી તેવુ કહેતાંહું ત્‍યાં ગયો હતો. તપાસ કરતાં સિક્‍યુરીટી ભરતભાઇએ કહેલું કે રાતે બારેક વાગ્‍યા સુધી હું જાગતો હતો, પછી ઓફિસમાં સુઇ ગયો હતો. સવારે છ વાગ્‍યે જોયુ તો બારીનો કાચ તૂટેલો હતો. ગોડાઉનમાંથી રૂા. ૪,૭૫,૨૦૦નીતલની ૧૦૮ ગુણીઓ ચોરાઇ ગયાનું માલુમ પડયું હતું. એક ગુણીમાં ૨૦ કિલો તલ હોય છે. કોઇ તસ્‍કરો વાહન લઇ આવી બારી તોડી તલની ગુણીઓ ચોરી ગયા હોઇ અમે ફરિયાદ કરી હતી. તેમ વધુમાં સંજીવકુમારે કહેતાં પીઆઇ બી. પી. રજયાની રાહબરીમાં એએસઆઇ ખોડુભા વી. જાડેજાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:02 PM IST)