News of Tuesday, 29th July 2025
લક્ષ્મીવાડીથી કેનાલ રોડ ને જોડતો પુલ મોટો કરો:વેપારીઓ-રહેવાસીઓની માંગ
મેયર નયનાબેનને ટ્રાફિક સમસ્યા નિવારવા રજૂઆત

રાજકોટ, તા. ર૯: શહેરના લક્ષ્મીવાડી વિસ્તારને કેનાલ રોડને જોડતો પુલ બનાવવા આજે વેપારીઓ દ્વારા મેયરને રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવેલ કે અમારા લક્ષ્મીવાડી, ગુંદાવાડી વિસ્તારને કેનાલ રોડ સાથે જોડતો લક્ષ્મીવાડી મેઇન રોડ કે જે માત્ર ર૦ ફૂટ જ પહોળો છે, લક્ષ્મીવાડી અને ગુંદાવાડી વિસ્તાર હાલ ૯૦ ટકા કોમર્શીયલ થઇ ગયેલ છે, તેના કારણે લક્ષ્મીવાડી મેઇન રોડનો, કેનાલ રોડ તરફ અવરજવર કરતા, ટ્રાફિકની સમસ્યા ખુબ જટીલ બનતી જાય છે,
લક્ષ્મીવાડી તેમજ ગુંદાવાડી વિસ્તારના ધંધાર્થી તેમજ રહેવાસીઓની માંગણી છે કે, લક્ષ્મીવાડી તેમજ ગુંદાવાડી વિસ્તારને લાગુ કાપડમીલ કમ્પાઉન્ડવાળો, રસ્તો જે કેનાલ રોડને અડતો હોય જેમા માત્ર વાહનોની અવર-જવર થઇ શકે તેમ હોય અને લક્ષ્મીવાડી મેઇન રોડની જટીલ ટ્રાફિક-સમસ્યાને ડાઇવર્ટ કરી શકાય તેમ છે.
અમો વિદ્યાર્થી તેમજ રહેવાસીની માંગણી છે કે, લક્ષ્મીવાડી મીલ કમ્પાઉન્ડ વાળા રસ્તાને કેનાલ રોડ સાથે જોડતો કુલ મોટો કરી આપશો અને આમ કરવા માટે અમે અહીંના વેપારી તેમજ રહેવાસીનો કોઇપણ પ્રકારનો વાંધો કે વિરોધ નથી, અહીં પુલ બનાવવાથી વરસાદના પાણી ભરાવવાની કોઇ સમસ્યા રહેતી નથી.
આ પુલ બનાવવાથી ન્યુસન્સ પણ કાયમી દૂર થઇ શકે તેમ છે. આ પુલ બનાવવાથી આ રસ્તો ધનવંતરી માર્ગ સાથે જોડાઇને સીધો ભુપેન્દ્ર રોડ (રાજેશ્રી સીનેમા) સુધી જોડાઇ જાય છે.
(3:48 PM IST)










