તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 30th July 2025
બે લોન લીધી પછી પથારીવશ થયા, હપ્તો ન ભરી શક્યાઃ આર્થિક ભીંસને કારણે વૃધ્ધનો આપઘાત
કાલાવડ રોડ વૃંદાવન સોસાયટીના ૭૦ વર્ષના ભાઇચંદભાઇ પંડયાએ ઝેર પી જીવ દીધોઃ પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩૦: એક વૃધ્ધે બે પર્સનલ લોન ધંધા માટે લીધા બાદ તેમની તબિયત બગડતાં પથારીવશ થઇ જતાં આર્થિક ભીંસમાં આવી જતાં અને લોનના એકાદ બે હપ્તા પણ ભરપાઇ ન કરી શકતાં આપઘાત કરી લીધો હતો. કાલાવડ રોડ પર વૃંદાવન સોસાયટીમાં રહેતાં વૃધ્ધ ઝેર પી જતાં સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ વૃંદાવન સોસાયટી-૪માં રહેતાં ભાઇચંદભાઇ મુકુંદલાલ પંડયા (ઉ.વ.૭૦) નામના વૃધ્ધે ઘરે ઝેરી ટીકડીઓ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ટુંકી સારવારને અંતે તેમનું મૃત્યુ થતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેશભાઇ, ધર્મેન્દ્રભાઇ અને પરેશભાઇએ તાલુકા પોલીસને કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
આપઘાત કરનારા ભાઇચંદભાઇ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. તેમને સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. સગા સ્વજનના જણાવ્યા મુજબ ભાઇચંદભાઇ કપડા લે-વેંચનો વેપારધંધો કરતાં હતાં. આ કામ માટે તેમણે બે પર્સનલ લોન લીધી હતી. બાદમાં તેમને બ્રેઇન સ્ટ્રોક આવતાં અને પાંસળીમાં પણ ઇજા થતાં તેઓ પથારીવશ થઇ ગયા હતાં. આ કારણે વેપારધંધો કરી ન શકતાં આર્થિક ભીંસમાં આવી ગયા હતાં અને લોનના હપ્તા પણ ચડત થઇ ગયા હોઇ ચિંતાને કારણે તેમણે આ પગલુ ભર્યુ હતું.
(4:17 PM IST)










