<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

ઉદય કાનગડની ઉપસ્‍થિતિમાં વિકાસ કાર્યોની વિસ્‍તૃત સમીક્ષા બેઠક યોજાઈ

રાજકોટ : રાજકોટ મહાનગરપાલિકા ખાતે ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડ અને શહેર ભાજપ મહામંત્રી શ્રી અશ્વિન મોલીયાની ઉપસ્‍થિતિમાં, તેમજ મ્‍યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરાની અધ્‍યક્ષતામાં વિધાનસભા-૬૮ના વિવિધ વિકાસશીલ પ્રોજેક્‍ટો અંગે એક વિસ્‍તૃત સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ખાસ કરીને શહેરના ઉપલા કાંઠા વિસ્‍તારના લોકપ્રશ્નો અને આગામી વિકાસ કાર્યોની ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.

લોકપ્રશ્નોનું સત્‍વરે નિરાકરણઃ મુખ્‍યમંત્રી સાથે પરામર્શઃ ધારાસભ્‍ય શ્રી ઉદય કાનગડે વિધાનસભા-૬૮ના પ્રજાજનો અને વોર્ડના કોર્પોરેટરો દ્વારા રજૂ થયેલા ૫૫થી વધુ પ્રશ્નો રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ સમક્ષ રજૂ કર્યા હતા.

આ રજૂઆતો કરતા પહેલા, તેમણે પખવાડિયા અગાઉ ગાંધીનગર ખાતે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી આ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પરામર્શ કર્યો હતો.

કમિશનરશ્રી તુષાર સુમેરાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને આ તમામ રજૂઆતો અંગે સત્‍વરે અને યોગ્‍ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ રજૂઆતોમાં ભૂગર્ભ ગટર, રોડ-રસ્‍તા, પાણી પુરવઠો, આરોગ્‍ય, નવા કોમ્‍યુનિટી હોલ, અને શિક્ષણ જેવી પાયાની સુવિધાઓનો સમાવેશ થતો હતો, જે પ્રજાની દૈનિક જરૂરિયાતોને સીધી સ્‍પર્શે છે.

ઉપલા કાંઠાના સર્વાંગી વિકાસ માટે મહત્‍વાકાંક્ષી પ્રોજેક્‍ટોઃ બેઠકમાં શહેરના ઉપલા કાંઠા વિસ્‍તારમાં વધતી જતી વસ્‍તી અને વિકાસની જરૂરિયાતને ધ્‍યાનમાં રાખીને અનેક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્‍ટો પર વિસ્‍તૃત ચર્ચા થઈ

જ્જ તળાવ ડેવલોપમેન્‍ટઃ સામા કાંઠે આવેલા પ્રદ્યુમન પાર્ક ઝૂ પાસેના લાલપરી તળાવ અને રાંદરડા તળાવના વિકાસ પર ભાર મૂકવામાં આવ્‍યો. આ બંને તળાવો કુદરતી લ્લષ્ટિએ શાંતિ અને સૌંદર્ય ધરાવતા સ્‍થળો છે, અને તેના વિકાસથી પર્યટન તેમજ સ્‍થાનિકો માટે મનોરંજનના સ્‍થળો ઊભા થશે. તળાવો પાસે આવેલા લાખેશ્વર મહાદેવ મંદિરને પણ આ વિકાસ સાથે જોડવાની કલ્‍પના છે.

જ્જ સ્‍પોર્ટ્‍સ સંકુલ : યુવાનોમાં શારીરિક સૌષ્ઠવ વિકસે તે હેતુથી મોરબી રોડ ઉપર ટી.પી. સ્‍કીમ નં.૧૨,૧૩માં અદ્યતન સુવિધા સહિતનું સ્‍પોર્ટ્‍સ સંકુલ બનાવવાની યોજના છે. આ સંકુલ યુવાનોને વિવિધ રમતોમાં ભાગ લેવા પ્રોત્‍સાહિત કરશે.

જ્જ નવું સ્‍મશાન : વોર્ડ-૪માં જય જવાન જય કિસાન સોસાયટીની પાછળ, નદી કાંઠે નવું અદ્યતન સુવિધા સાથેનું સ્‍મશાન બનાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો, જે વધતી જતી વસ્‍તીને ધ્‍યાનમાં રાખીને એક આવશ્‍યક સુવિધા છે.

જ્જ રોડ ડેવલોપમેન્‍ટઃ ટ્રાફિકની સમસ્‍યાથી લોકોને મુક્‍તિ મળે તેવા ઉમદા હેતુ માટે અમુલ સર્કલથી નેશનલ હાઈવે સુધીનો ૮૦ ફૂટ રોડ ડેવલોપ કરવાથી વાહનવ્‍યવહાર સરળ બનશે.

જ્જ પાર્ટી પ્‍લોટ અને ઓડિટોરિયમ પાછળની સુવિધાઓ : ઈસ્‍ટ ઝોનમાં પ્રજાજનોને સુવિધાયુક્‍ત પાર્ટી પ્‍લોટ મળે અને પેડક રોડ ઉપર આવેલા અટલબિહારી બાજપાઈ ઓડિટોરિયમ પાછળના ગ્રાઉન્‍ડમાં વોકિગ ટ્રેક, વોલીબોલ કોર્ટ તથા વિવિધ રમત-ગમતની સુવિધાઓ પૂરી પાડવા પર પણ ધ્‍યાન કેન્‍દ્રિત કરાયું.

જ્જ શહેરના પ્રવેશદ્વારનું બ્‍યુટિફિકેશનઃ ગ્રીનલેન્‍ડ ચોકડી પાસે શહેરના મુખ્‍ય પ્રવેશદ્વારનું બ્‍યુટિફિકેશન કરીને શહેરની સુંદરતા વધારવામાં આવશે.

જ્જ કોમ્‍યુનિટી હોલઃ ભગવતીપરા વિસ્‍તારમાં લોકોને કોમ્‍યુનિટી હોલની સુવિધા આપવા સહિતની કુલ ૫૭ જેટલી રજૂઆતોના યોગ્‍ય નિરાકરણ અર્થે મ્‍યુનિસિપલ કમિશનરએ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

ઓનલાઈન પોર્ટલ અને સકારાત્‍મક પરિવર્તનઃ લોકપ્રતિનિધિનું દાયિત્‍વઃ ધારાસભ્‍ય શ્રી  કાનગડે ભારપૂર્વક જણાવ્‍યું કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રજાજનોને પ્રાથમિક સુવિધાઓ સહજ રીતે મળે તે માટે સફાઈ અને બાંધકામ સહિતની તમામ શાખાઓ ખૂબ સારી કામગીરી કરી રહી છે.

તેમણે ઉમેર્યું કે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ ડેશબોર્ડના માધ્‍યમથી આવતી રજૂઆતોનો પણ સત્‍વરે નિકાલ થાય છે, જેનાથી પ્રજાના પ્રશ્નોનો ઝડપી પ્રત્‍યુત્તર મળે છે.

વધુમાં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સાંસદો અને ધારાસભ્‍યો માટે ઓનલાઈન પોર્ટલ/ડેશબોર્ડ પણ બનાવવામાં આવ્‍યું છે, જેમાં કોઈપણ સ્‍થળે બેઠા-બેઠા રાજકોટ મહાનગરપાલિકા લગતી ફરિયાદ, પ્રશ્નો કે રજૂઆતો કરી શકાય છે, સાથોસાથ ફોટા પણ અપલોડ કરી શકાય છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફરિયાદ/પ્રશ્ન/રજૂઆત અંગે થયેલ કામગીરીની વિગતવાર અહેવાલ તેમજ જરૂરી ફોટો પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે જેથી સાંસદો અને ધારાસભ્‍યોને યોગ્‍ય જાણકારી મળી રહે.

શ્રી ઉદય કાનગડે એક લોકપ્રતિનિધિ તરીકે પોતાના મતવિસ્‍તારની સમસ્‍યાઓ, માંગણીઓ અને વિકાસ અંગેની જરૂરિયાતો અંગે સજાગ રહી રજૂઆતો કરવાનું અને જનતા જનાર્દનની લાગણીઓ, આશાઓ અને જરૂરિયાતોને વાચા આપવાનું પોતાનું દાયિત્‍વ ગણાવ્‍યું.

તેમણે ભારપૂર્વક કહ્યું કે લોકપ્રશ્નોની યોગ્‍ય અને સચોટ રજૂઆત એ સકારાત્‍મક પરિવર્તન માટેનું પહેલું પગથિયું છે. નાગરિકો, સ્‍થાનિક પ્રતિનિધિઓ અને સરકારી તંત્ર વચ્‍ચે યોગ્‍ય સંવાદ થવો અત્‍યંત જરૂરી છે. તેમણે સૌને એક જાગૃત નાગરિક તરીકે માત્ર ફરિયાદ કરવાને બદલે જવાબદારીપૂર્વક પ્રશ્નો ઉકેલવા માટે સતત પ્રયત્‍નશીલ રહેવા આહ્વાન કર્યું. રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે માળખાકીય સુવિધાઓ અત્‍યંત મહત્‍વની ગણાય છે. રોડ, રસ્‍તા, વીજળી, પાણી, આરોગ્‍ય કે શિક્ષણ જેવી સુવિધાઓ ફક્‍ત ભૌતિક સુવિધાઓ નથી, પણ જીવનના સ્‍તર અને સમાજના વિકાસના માપદંડ છે.

આ બેઠકમાં સર્વશ્રી નાયબ મ્‍યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ તેમજ તમામ શાખાના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને ઉપરોક્‍ત રજૂઆતો બાબતે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે સંકલન સાધવામાં આવ્‍યું હતું.

(3:27 PM IST)