<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

બિગ બાઝાર પાસે નશાખોર કારચાલકે ટુવ્‍હીલરને ઉલાળતાં મહિલા તબિબ અને દિકરીને ઇજા

કારમાં તોડફોડઃ ડો. મીરાબેન ઠોરીયા અને ૮ વર્ષની દિકરીને છોલછાલ થતાં સારવાર બાદ રજા અપાઇઃ માલવીયાનગર પોલીસે કારચાલક રૈયા રોડના કેતન ઠુમ્‍મરની ધરપકડ કરી : નવ વાહનો ઠોકરે ચડયાના સોશિયલ મિડીયામાં મેસેજ વહેતા થયા હતાં: પોલીસના કહેવા મુજબ એક જ વાહન હતું

 

રાજકોટ તા. ૩૦: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર પાસે સાંજે દારૂ પીને નીકળેલા કારચાલકે ટુવ્‍હીલરને ઠોકરે ચડાવતાં તેના ચાલક મહિલા તબિબ અને આઠ વર્ષની દિકરી ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં સારવાર લેવી પડી હતી. પોલીસે દારૂ પી કાર હંકારી અકસ્‍માત સર્જનારા શાપરના કારખાનેદારને પકડી લઇ આકરી કાર્યવાહી કરી હતી.

આ બનાવની જાણ થતાં માલવીયાનગર પોલીસે ઘટના સ્‍થળે પહોંચી કાર્યવાહી કરી હતી. પોલીસે યુનિવર્સિટી રોડ ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર અનંતા વિવંતા એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ૯૦૪માં રહેતાં ડો. મીરાબેન વિમલભાઇ ઠોરીયા (ઉ.વ.૩૫)ની ફરિયાદ પરથી કાર નં. જીજે૦૩ઇસી-૬૧૫૪ના ચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો હતો અને તે દારૂ પીધેલી હાલતમાં હોઇ તેની ધરપકડ કરી હતી.

ડો. મીરાબેન ઠોરીયાએ જણાવ્‍યું હતું કે હું અંકુર સ્‍કૂલ પાસે ક્‍લિનીક ચલાવુ છું. મંગળવારે સાંજે સવા આઠેક વાગ્‍યે હું મારી દિકરી અરીત્રા (ઉ.વ.૮)ને મારા એક્‍ટીવા જીજે૦૩એનજે-૫૦૦૫માં બેસાડી મારા ક્‍લિનીકથી મારા ઘરે જવા નીકળી હતી. ૧૫૦ ફુટ રીંગ રોડ બીગ બાઝાર પાસે પહોંચતા મારી ડાબી બાજુથી એક ફોરવ્‍હીલ પુરઝડપે નીકળી હતી અને મારા વાહનની ઠોકરે લેતાં અમે મા-દિકરી બંને પડી ગયા હતાં. બાદમાં આ કાર આગળ જઇ ઉભી રહી ગઇ હતી અને માણસો ભેગા થઇ ગયા હતાં. કારના નંબર મેં જોયા હતાં અને તેનો ચાલક બકવાસ કરતો લથડીયા ખાતો હોય તેવી હાલતમાં હતો.

આ દરમ્‍યિાન મેં મારા પતિને ફોન કરવાનું કહી નંબર આપતાં એક રાહદારીએ ફોન કરતાં મારા પતિ પણ આવી ગયા હતાં. તેણે પોલીસને જાણ કરતાં ગાડી આવી હતી. મને અને મારી દિકરીને ઇજા થઇ હોઇ શેલસ હોસ્‍પિટલમાં લઇ જવાયા હતાં. મને શરીરે છોલછાલ અને કપાળે ડાબી બાજુ સામાન્‍ય ઇજા થઇ હતી. તેમજ મારી દિકરીને પણ છોલાણ થયું હતું. અમે પ્રાથમિક સારવાર બાદ રજા લઇ પોલીસ સ્‍ટેશને પહોંચી ફરિયાદ કરી હતી. પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્‍સ. અરૂણભાઇ વી. ચાવડાએ ડો. મીરાબેનની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધ્‍યો હતો. કારચાલકનું નામ કેતન ગોરધનભાઇ ઠુમ્‍મર (રહે. રૈયા રોડ રિધ્‍ધી સિધ્‍ધી પાર્ક) છે અને તેને શાપરમાં કારખાનુ હોવાનું પોલીસ સુત્રોએ કહ્યું હતું.

કારની ઠોકરે બીજા વાહનો પણ ચડી ગયાના મેસેજ સોશિયલ મિડીયામાં વહેતા થયા હતાં. જો કે પોલીસના કહેવા અનુસાર કારચાલકે માત્ર એક જ ટુવ્‍હીલરને ઠોકરે ચડાવ્‍યું હતું. બાદમાં ચાલકે કાર આગળ ઉભી રાખી દીધી હતી. રોષે ભરાયેલા લોકોએ કારમાં તોડફોડ કરી કાચ ફોડી નાંખ્‍યા હતાં. (૧૪.૮)

(2:53 PM IST)