તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
ન્યારી ડેમ પાસે લુખ્ખાગીરીઃ આવારા શખ્સે સીટી મારી યુવતિની પજવણી કરી ગાળો દીધી
યુવતિ સાથેના મિત્રોએ આ શખ્સને ટપારતાં વધુ ઉશ્કેરાઇ બિભત્સ શબ્દો બોલ્યાઃ પછી ડીસમીસથી હુમલો કર્યોઃ યુવતિ મિત્રો સાથે બર્થડે ઉજવી પરત આવતી હતી ત્યારે બનાવઃ તાલુકા પોલીસે આરોપીઓની શોધખોળ આદરી

રાજકોટ તા. ૩૦: શહેરના કાલાવડ રોડ પર આવેલા ન્યારી ડેમ પાસે અગાઉ લુખ્ખાગીરી છેડતીની ઘટનાઓ અવાર-નવાર બનતી હતી. લાંબા સમયથી હવે આ રસ્તે આવતા જતાં લોકો ડર અનુભવતા નહોતાં. ત્યાં ફરી એક વખત એક ઘટના બની છે જેમાં એક યુવતિ મિત્રો સાથે પોતાનો બર્થડે ઉજવીને પરત ફરી રહી હતી ત્યારે લુખ્ખા શખ્સે તેની સીટી મારી પજવણી કરી કોમેન્ટ કરતાં અને બાદમાં મારામારી કરી જાહેરમાં યુવતિના કપડા ખેંચી નિર્લજ્જ હુમલો કરતાં તાલુકા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઇ ગુનો દાખલ કરી આવારા તત્વોની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં તાલુકા પોલીસે રજકોટમાં રહેતી ૨૦ વર્ષીય યુવતીની ફરિયાદ પરથી અજાણ્યા સામે બીએનએસ એકટ ૭૪,૭૫(૧),(૪) સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદી યુવતિનો ગઇકાલે જન્મદિવસ હોઇ તે ઉજવણી કરવા ત્રણ મિત્રો, સખી સાથે અલગ અલગ એકટીવામાં ન્યારી ડેમ ગઇ હતી. ત્યાં ફોટોશુટ કરીને બાદમાં સાંજના છએક વાગ્યે બધા પરત આવી રહ્યા હતાં ત્યારે ત્યારે તેઓ કાલાવડ રોડ પર ડેકોરા રોડ પાસે પહોંચતા ત્યાં આવેલ એક ગેરેજ પાસે ઉભેલ અજાણ્યાં શખ્સે સીટી મારી હતી. જેથી યુવતિની સાથે રહેલ યુવકે આ અજાણ્યાં શખ્સ પાસે જઈ કેમ સીટી મારી? તે બાબતે પૂછવા જતા તે શખ્સે ફરીથી યુવતિ માટે બિભત્સ શબ્દોનો ઉપયોગ કર્યો હતો.
જેથી ચારેય મિત્રોએ તેને આવી ભાષામાં વાત ન કરવાનું કહેતાં તે બેફામ ગાળો બોલી વાણી વિલાસ કરવાં લાગ્યો હતો અને મારી છરી કયાં છે તેમ કહીં બાજુમાં આવેલ ગેરેજમાંથી ડિસમિસ લઈ આવી માર મારવા લાગ્યો હતો તેમજ નિર્લજ્જ હુમલો કર્યો હતા અને યુવતિના કપડા પણ ખેંચ્યા હતાં. જેથી તે યુવતી પડી ગઇ હતી. આ દરમિયાન સાથે રહેલ તેણીના અન્ય મિત્રોએ પોલીસને જાણ કરતાં પોલીસ આવે તે પહેલાં જ આરોપી નાસી છૂટયો હતો. પીઆઇ ડી. એમ. હરિપરા અને સ્ટાફે આરોપીની શોધખોળ હાથ ધરી છે. (૧૪.૯)
(2:54 PM IST)










