તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 30th July 2025
ગુજરાતના FMCG ડિસ્ટ્રિબ્યુટરોની ચિંતન બેઠકઃ કંપનીઓ સાથેના પ્રશ્નો - ઉકેલો પર મંથન
એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટરો કહે છે કે ગુજરાતની અર્થવ્યવસ્થાની જીવાદોરી, સમસ્યાઓનો તાકીદે ઉકેલ લાવો

તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે એફએમસીજી ડીસ્ટ્રીબ્યુટર્સ એસો.ચેરીટેબલ ટ્રસ્ટના શ્રી જીતુભાઈ અદાણી ચેરમેન, શ્રી કીરણભાઈ બાવટીયા-પાસ્ટ પ્રેસીડેન્ટ, શ્રી જયેશભાઈ તન્ના ઈમીડીએટ પાસ્ટ પ્રેસી., શ્રી નલીનભાઈ શાહ પાસ્ટ પ્રેસીડન્ટ, શ્રી તેજસભાઈ શ્રોફ વાઈસ પ્રેસીડન્ટ નજરે પડે છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
રાજકોટ : ગુજરાતના એફએમસીજી (ફાસ્ટ-મુવિગ કન્ઝ્યુમર ગુડ્સ) ડિસ્ટ્રિબ્યુટરો દ્વારા કંપનીઓ અને ડિસ્ટ્રિબ્યુટરો વચ્ચે સુમેળભર્યા સંબંધો સ્થાપિત કરવાના ઉદ્દેશ્યથી એક મહત્ત્વપૂર્ણ ચિતન બેઠક તા. ૨૦ જુલાઈ, ૨૦૨૫ (રવિવાર) ના રોજ રાજકોટ ખાતેની હોટેલ એડીબીમાં યોજાઈ હતી.
ફેડરેશન ઓફ ગુજરાત એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશનના નેજા હેઠળ, રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યુટર એસોસિએશન દ્વારા આયોજિત અને ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ કંપની દ્વારા પ્રાયોજિત આ બેઠકમાં સમગ્ર ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાંથી ૫૦૦ થી વધુ પ્રતિનિધિઓ ઉમટી પડ્યા હોવાનું સંસ્થાએ જણાવ્યું છે.
ફેડરેશનના ચેરમેન શ્રી અરુણભાઈ પરીખ અને પ્રમુખ શ્રી દીપકભાઈ પટેલની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ફેડરેશનના પ્રતિનિધિઓ શ્રી રજતભાઈ દિવાન, શ્રી જીગ્નેશભાઈ શાહ અને શ્રી જયેશભાઈ તન્ના દ્વારા વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
એફએમસીજી ઉદ્યોગ અને ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક : એફએમસીજી ઉદ્યોગ હાલમાં ૧૧% ના દરે વૃદ્ધિ પામી રહ્યો છે, જેમાં ૫.૧% વેપાર વૃદ્ધિ અને ૫.૬% ભાવ વધારો સામેલ છે. કુલ વેપારમાં ૭૫% હિસ્સો જનરલ ટ્રેડનો, ૧૭% મોર્ડન ટ્રેડનો અને ૮% ઈ-કોમર્સ તથા ક્વિક કોમર્સનો છે. ગુજરાતમાં એફએમસીજીનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સૌથી વધુ રોજગારીનું સર્જન કરતું ક્ષેત્ર છે. ફક્ત ગુજરાતમાં જ આ ડિસ્ટ્રિબ્યુશન વ્યવસ્થા હેઠળ બે લાખથી વધુ કામદારો, દુકાનદારો, ટ્રાન્સપોર્ટરો અને નાના-મોટા વેપારીઓ સંકળાયેલા છે. આ વિતરણ શૃંખલાને કારણે જ દરેક નાના-મોટા શહેરો અને ગામડાઓમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પહોંચે છે અને ગુજરાતની અર્થવ્યવસ્થાની વૃદ્ધિમાં સિહફાળો આપે છે.
ડિસ્ટ્રિબ્યુટરોના મુખ્ય પ્રશ્નો અને નિર્ણયો : બેઠકમાં એફએમસીજી ડિસ્ટ્રિબ્યુટરોને નડતરરૂપ મુખ્ય પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી અને વિવિધ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા.
૧. કંપની દ્વારા વધુ સ્ટોકનું દબાણઃ ડિસ્ટ્રિબ્યુટરોને ૭ થી ૧૦ દિવસનો સ્ટોક જાળવવા વિનંતી કરાઈ, કારણ કે ઘણી કંપનીઓ જરૂરિયાત કરતાં વધુ સ્ટોક રાખવા દબાણ કરે છે, જેનાથી ડિસ્ટ્રિબ્યુટરનું રોકાણ વધે છે અને નફા પર અસર થાય છે.
૨. ડિસ્ટ્રિબ્યુટરને એજન્સી ગુમાવવાનો ડર : કંપનીઓ દ્વારા પૂર્વ સૂચના વિના ડિસ્ટ્રિબ્યુટરોને બદલવાના પ્રવાહને અટકાવવા અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) લીધા પછી જ ફેરફાર કરવા વિનંતી કરાઈ. ડિસ્ટ્રિબ્યુટરોનું ફુલ એન્ડ ફાઈનલ સ્ટેટમેન્ટ સમયસર ચૂકવવાની પણ માંગ કરાઈ.
૩. ફુલ ઇન ફાઇનલ સ્ટેટમેન્ટ : કંપની અને ડિસ્ટ્રિબ્યુટર અલગ પડે ત્યારે પારદર્શક નીતિ અપનાવવા, તાજો/ડેમેજ/એક્સપાયર્ડ માલ નવા ડિસ્ટ્રિબ્યુટર/કંપનીમાં ટ્રાન્સફર કરવા અને સ્કીમ-ક્લેમની રકમ તાત્કાલિક જમા આપવા પર ભાર મુકાયો.
૪. ઇનફિલ્ટ્રેશન (ક્ષેત્ર ઉલ્લંઘન): કંપનીઓ દ્વારા ડિસ્ટ્રિબ્યુટરોના નિヘતિ વિસ્તારોમાં અન્ય દ્વારા ઓછા ભાવે માલ નાખવાનું બંધ કરવા અને આવા કૃત્યો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી.
૫. ઇસીઓ / બીલ કટઃ બંધ થયેલી દુકાનોના નામે ખોટા બિલ બનાવવાનું બંધ કરવા અને દરેક દુકાનનું કેવાયસી (જીએસટી નંબર, પાન કાર્ડ, આધાર નંબર) મેળવીને જ દુકાન ખોલવા કંપનીઓને વિનંતી કરાઈ. ખોટા બિલિગ અને ખોટા કવરેજ દર્શાવવાનું બંધ કરવા પર પણ ભાર મુકાયો.
૬. નફાનું ધોરણ : ડિસ્ટ્રિબ્યુટરોને પહેલા ૨૪્રુ આરઓઆઈ (રોકાણ પર વળતર) દર્શાવવામાં આવતું હતું, જે હવે ૧૬% થી ૧૮% થઈ ગયું છે. ડિસ્ટ્રિબ્યુટરના પગાર, રોકાણનું વ્યાજ, ગોડાઉનનું ભાડું વગેરે ધ્યાનમાં લઈને કંપનીઓ ડિસ્ટ્રિબ્યુટરોના નફાના ધોરણનું પૂરતું ધ્યાન આપે તેવી વિનંતી કરવામાં આવી.
૭. એક રાષ્ટ્ર, એક માર્કેટ, એક ભાવ : જનરલ ટ્રેડ (નાના વેપારીઓ અને હોલસેલરો) ની સરખામણીમાં ઈ-કોમર્સ, ક્વિક કોમર્સ અને મોટા મોલને કંપનીઓ દ્વારા વધુ ડિસ્કાઉન્ટ અને માર્જિન આપવામાં આવે છે. આનાથી નાના વેપારીઓને ઊંચા ભાવે માલ વેચવાની ફરજ પડે છે, જેના કારણે ગ્રાહકોને છેતરાયાનો અનુભવ થાય છે અને નાની દુકાનો બંધ થઈ રહી છે. ગ્રાહકોને થતી છેતરામણી બંધ થાય તે માટે ‘વન માર્કેટ, વન કન્ઝ્યુમર, વન રેટ' ની નીતિ અપનાવવા વિનંતી કરાઈ.
વધુ માંગણીઓ અને ભવિષ્યની દિશાઃ સમગ્ર ભારતના વિવિધ રાજ્યના એસોસિએશનો દ્વારા આ બાબતે સંમતિ સધાઈ છે અને દરેક રાજ્યમાંથી આ પ્રકારનો પત્ર કંપનીઓને પાઠવવામાં આવશે જેથી તમામ ડિસ્ટ્રિબ્યુટરોનો અવાજ બુલંદ બને.
આ ઉપરાંત, ગુજરાતના ખૂણેખૂણેના ડિસ્ટ્રિબ્યુટરોને એક છત્ર હેઠળ લાવવા માટે ઝોન વાઇઝ જવાબદાર વ્યક્તિઓ દ્વારા પ્રયાસો કરવામાં આવશે. જે પણ વિસ્તારમાં ફેડરેશનનો વ્યાપ નથી, ત્યાં સુધી ઝોન કમિટીઓ પહોંચીને ડિસ્ટ્રિબ્યુટરોને જોડશે. આ તમામ મુદ્દાઓને આવરી લેતો એક પત્ર એફએમસીજીની તમામ કંપનીઓને મોકલવામાં આવશે.
જનતા અને સરકારને અપીલઃ ડિસ્ટ્રિબ્યુટરોએ જાહેર જનતા અને તમામ મીડિયાને અપીલ કરી છે કે એફએમસીજીની સપ્લાય ચેઇન ફક્ત એક વ્યવસાય નથી, પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતની જીવાદોરી છે. કંપનીઓ દ્વારા ગેરબંધારણીય રીતે આ જીવાદોરીનું ગળું મરડી નાખવામાં આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતના લાખો લોકો અને દુકાનદારો બેરોજગાર થવા તરફ ધકેલાઈ રહ્યા છે. આ એક તીવ્ર ગતિએ ચાલી રહેલો બેરોજગારીનો ભરડો છે, જેની અસર આગામી થોડા જ વર્ષોમાં દેખાશે.
આ બાબતે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે આ સપ્લાય ચેઇન માટે એક અલાયદી સરકારી વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવે જેના કારણે આ વ્યવસાય સાથે જોડાયેલા નાગરિકોના હિત જળવાઈ રહે.
સમગ્ર આયોજન રાજકોટ કન્ઝ્યુમર પ્રોડક્ટ ડિસ્ટ્રિબ્યુટર્સ એસોસિએશનના માધ્યમથી ખૂબ સુંદર રીતે પાર પડ્યું, જેમાં સંસ્થાના ચેરમેન શ્રી જીતુભાઈ અદાણી, પ્રમુખ શ્રી ડી.કે. રાજ, સેક્રેટરી શ્રી સચિનભાઈ, તેમજ શ્રી નલિનભાઈ શાહ, જયેશભાઈ તન્ના અને તેમની તમામ ટીમનો સિહફાળો રહ્યો
(3:22 PM IST)










