<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th July 2025

વિજયભાઈ રૂપાણીની જીવનયાત્રાની તસ્‍વીરોનું શનિ-રવિ અનોખું પ્રદર્શન

રાજકોટના આંગણે આપણા લોકનેતાની અવિસ્‍મરણીય યાદોને તાજી કરવાનો અવસર : વિજયભાઈની ૨૦૦૪ થી ૨૦૨૫ સુધીની કુલ ૧૧૧ તસ્‍વીરોનું પ્રદર્શનઃ શ્‍યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે રૂપાણી પરિવારની ઉપસ્‍થિતિમાં પરસોતમભાઈ રૂપાલાના હસ્‍તે તસ્‍વીર પ્રદર્શન ખુલ્લુ મુકાશેઃ જાહેરજનતાને આમંત્રણઃ દેવેન અમરેલીયા

રાજકોટઃ ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી અને રાજકોટના અનમોલ રતન સ્‍વ.શ્રી વિજયભાઈ રૂપાણી હવે આપણી સાથે સદેહે નથી, યાદો અમર છે અને હંમેશા આપણી સાથે રહેશે. તેઓએ રાજકોટ સહિત ગુજરાતના વિકાસમાં આપેલા અમૂલ્‍ય યોગદાનનું ઋણ ચૂકવવા એમની ગૌરવવંતી જીવનયાત્રાની વિવિધ તસ્‍વીરોનું અનોખું દર્શન આગામી તા.૨-૩ ઓગસ્‍ટ, (શનિવાર-રવિવાર)ના રોજ સવારે ૧૦ થી રાત્રે ૮ કલાક સુધી શ્‍યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ, રાજકોટ ખાતે આયોજિત કરવામાં આવ્‍યું છે. જેમાં ફોટો જર્નાલિસ્‍ટ શ્રી દેવેન અમરેલીયા (મો.૯૮૨૪૨ ૪૩૦૨૫)એ દિવંગત સ્‍વ.શ્રી વિજયભાઈનાં જીવનની જાણી-અજાણી, ચિત-પરિચિત, સુલભ-દુર્લભ ક્ષણોની અવિસ્‍મરણીય હારમાળા જોવા મળશે.

સરળ અને નિખાલસ સ્‍વભાવથી સૌને ગમે એવા મુઠ્ઠી ઉંચેરા માનવી પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.શ્રી વિજયભાઈ રૂપાણી માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં, દેશ-દુનિયામાં એક અનોખી છબી અંકિત કરી ગયા છે, ક્‍યારેય વિસરી શકાય એમ નથી. તેઓ ગુજરાતના પનોતા પુત્ર  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું ‘વિકાસ સ્‍વપ્‍ન' વિદ્ધ કરવામાં સ્‍વ.શ્રી વિજયભાઈ રૂપાણીનો સિંહફાળો હતો. મુખ્‍યમંત્રી તરીકેના દરમિયાન તેમણે ગુજરાતને ભારત દેશનું જ નહીં, વિશ્વનું ‘વિકાસ મોડેલ' બનાવ્‍યું હતું.

લોકહૃદય સમ્રાટ સ્‍વ.શ્રી વિજયભાઈ રૂપાણીની ગૌરવવંતી જીવનયાત્રાની રાજકોટનાં ખ્‍યાતનામ ફોટોજર્નાલિસ્‍ટ દેવેન અમરેલીયાએ કેમેરાની આંખે કંડારીને સર્જેલી અવિસ્‍મરણીય ક્ષણોની ચુનંદા તસ્‍વીરોનું બેનમુન પ્રદર્શન યોજવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં આપણા વિજયભાઈની જીંદગીના અવનવા રંગો ઝીલાશે. સ્‍વ.વિજયભાઈ રૂપાણીના જન્‍મદિવસ પ્રસંગે જ આગામી તા.૨ ઓગસ્‍ટને શનિવારે સવારે ૯ વાગ્‍યે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાના વરદ્‌ હસ્‍તે રાજકોટના આંગણે રેસકોર્સ સ્‍થિત શ્‍યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે બે દિવસીય તસ્‍વીર પ્રદર્શન ખુલ્લુ મુકવામાં આવશે.

આ તકે સ્‍વ.વિજયભાઈ રૂપાણીનાં ધર્મપત્‍ની અંજલીબેન રૂપાણી તથા પુત્ર શ્રી ઋષભભાઈ રૂપાણી અને પુત્રી શ્રી રાધિકાબેન મિશ્રા પણ હાજરી આપશે. આ સાથે અતિથિ  વિશેષ તરીકે સાંસદશ્રી રામભાઈ મોકરિયા અને મેયરશ્રી નયનાબેન પેઢડીયા ઉપસ્‍થિત રહેશે. જનહિત માટે જીવન સમર્પિત કરી દેનાર લોકનેતા સ્‍વ.વિજયભાઈ રૂપાણીને ચીર સ્‍મરણીય ભાવાંજલિ આપવાનાં ફોટોજર્નાલિસ્‍ટ દેવેન અમરેલીયાનાં સ્‍તુત્‍ય પ્રયાસને મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પણ બિરદાવીને સરાહના કરી છે.

તસ્‍વીરમાં અકિલા ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ફોટોગ્રાફરો સર્વશ્રી રમેશભાઈ ટંકારીયા, દેવેન અમરેલીયા, સંદિપ બગથરીયા, દિલીપભાઈ ગોહેલ, રામદેવ મુરારી નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

દેવેન અમરેલીયા એટલે દ્રશ્‍યોના જાદુગર, એમની એક-એક ક્‍લિક જીવનનું પિક્‍ચર હોય છે!

રાજકોટઃ છેલ્લા ત્રણ દાયકાથી પત્રકારત્‍વ જગત સાથે અતૂટ નાતો ધરાવતા રાજકોટનાં ખ્‍યાતનામ ફોટોજર્નાોિલસ્‍ટ દેવેન અમરેલીયાને દ્રશ્‍યોના જાદુગર માનવામાં આવે છે. એમની એક-એક ક્‍લિક જીવનનું જીવંત પિક્‍ચર હોય છે. પંખીઓની સાથે તેના કલરવને કે પછી નદીઓ સાથે તેના ખળખળ નાદને પણ તસ્‍વીરોમાં ભરી લેવા મથતા ફોટોજર્નાલિસ્‍ટ દેવેન અમરેલીયા અખબારી જગતમાં જેટલા જાણીતા છે.  એટલા જ લોકપ્રિય છે.

તેમની આંખોમાં પુરું વિશ્વ ફિક્‍સ થાય છે. લાગણીઓના લેન્‍સથી જ્‍યારે એ એન્‍ગલ સેટ કરે છે ત્‍યારે ક્‍લિક થવાની સાથે જ અદ્‌ભૂત તસ્‍વીરોનું સર્જન થાય છે. સામાન્‍ય લોકોની વચ્‍ચે રહીને અસામાન્‍ય તસ્‍વીરો લેતા દેવેન અમરેલીયાએ લીધેલી પૂર્વ મુખ્‍યમંત્રી સ્‍વ.વિજયભાઈ રૂપાણીની જીયનયાત્રાની બેનમુન તસ્‍વીરોમાં તેમની ગૌરવગાથાના ઘણા યાદગાર પૃષ્‍ઠો રીવાઈન્‍ડ થવાનાં છે. રાજકોટ માટે આ અનેરો પ્રસંગ છે, ખરેખર આપણા પોતીકા સ્‍વ.વિજયભાઈ રૂપાણીને એક સાચી શ્રધ્‍ધાંજલિ ગણાશે.

(3:56 PM IST)