<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

૩૦ લાખથી વધુની પ્રાપર્ટી ખરીદનારા સાવધાન આયકર વિભાગ દ્વારા દસ્‍તાવેજોની તપાસ શરૂ

રાજકોટથી ઝુંબેશનો પ્રારંભઃ સબ રજીસ્‍ટ્રાર ઓફિસમાં ટીમોનાં ધામા

 

રાજકોટઃ ગુજરાતમાં આવકવેરા વિભાગે પ્રથમ વખત ૩૦ લાખથી વધુ કિમતના વેચાણ દસ્‍તાવેજોની ચકાસણી શરૂ કરી છે. આ ઐતિહાસિક કાર્યવાહીનો પ્રારંભ રાજકોટથી કરવામાં આવ્‍યો હતો. જેનાથી રાજ્‍યભરના સરકારી અધિકારીઓ અને બિલ્‍ડર લોબીમાં ખળભળાટ મચી ગયો હતો.

મળતી વિગત પ્રમાણે, બુધવારે મોત સાંજે અમદાવાદ અને ગાંધીનગરથી આવેલી આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમે રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલી ડીએચ કોલેજ મેદાનમાં સ્‍થિત સબ-રજિસ્‍ટ્રાર કચેરી ઝોન ૫ ખાતે ધામા નાખ્‍યા હતા. આ સર્વે કામગીરી મોડી રાત્રિ સુધી ચાલી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સાંજથી શરૂ થયેલ આ સર્વે કામગીરી અંતર્ગત રાજકોટ ઝોન ૫ માં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન થયેલા વેચાણ દસ્‍તાવેજોની ઉંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રોપર્ટી અંગે પૂરતી વિગતો દર્શાવતો રિપોર્ટ ન કરવામાં આવતો હોવાની ફરિયાદો મળ્‍યા બાદ આવકવેરા વિભાગના આઈએનસીઆઈ દ્વારા આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્‍યું હતું.

સરકાર પ્રોપર્ટી વ્‍યવહારોમાં પારદર્શિતા લાવવા અને ટેક્‍સ ચોરીને રોકવા માટે કડક પગલાં ભરી રહી હોવાનું આના પરથી સાબિત થાય છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે આ એક મોટી ઘટના છે, કારણ કે આ પ્રકારની કામગીરી રાજ્‍યમાં પ્રથમ વખત થઈ રહી છે. આગામી દિવસોમાં અન્‍ય ઝોનલ કચેરીઓમાં પણ આ જ રીતે તપાસ થવાની પૂરેપૂરી શક્‍યતા સેવાઈ રહી છે, જેનાથી રિયલ એસ્‍ટેટ સેક્‍ટરમાં મોટી અસર જોવા મળી શકે છે.

સ્‍ટેટમેન્‍ટ ઓફ ફાઇનાન્‍શિયલ ટ્રાન્‍ઝેક્‍શન મુજબ ૩૦ લાખથી વધુના જેટલા પણ વ્‍યવહારો થયા હોય તે ઇન્‍કમટેક્‍સ વિભાગને ફોર્મ ૬૧એ માં ફિલઅપ કરીને સબમીટ કરવાના હોય છે. ત્‍યારે સબ રજિસ્‍ટ્રાર કચેરી દ્વારા સબમિટ કરાવવામાં આવેલ માહિતી પૂર્ણ છે કે કેમ તેમજ અન્‍ય કોઈ ડેટા વિગત અધૂરો છે કે કેમ સહિતના મુદાઓને લઇ આઇટી વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ શહેરમાં ૩૦ લાખથી વધુની કિમતના જેટલા પણ દસ્‍તાવેજો ઝોન ૫ની કચેરીમાં થયા છે તેની ચકાસણી શરૂ કરવામાં આવી છે આ સર્વે પૂર્ણ થયા બાદ આઇટી વિભાગ દ્વારા આગળ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ કચેરીમાં સર્વે પૂર્ણ થયા બાદ બાકીની કચેરીઓમાં પણ આ રીતે સર્વે કામગીરી હાથ ધરવામાં આવે તો નવાઈ નહિ.(૩૮.૩)

 

 

 

(10:04 AM IST)