તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
આઇપીઓમાં રોકાણના નામે અમરેલીના દંપતિ સહિત ત્રણની ૩૭ લાખની ઠગાઇઃ બે ગુના નોંધાયા
યોધ્યા ચોકમાં ટાઇમ સ્ક્વેરની ઓફિસે બોલાવી બલવીરસિંહ ખેર અને ચંદ્રેશભાઇ પંડયાને સ્કીમો સમજાવી ફસાવી લીધા : મુળ અમરેલીના હાલ રાજકોટ રહેતાં નિકુંજ ત્રિવેદી, તેની પત્નિ મીતલ અને નિકુંજના કહેવાતા ભાગીદાર પ્રીત ઠાકરે કાવત્રુ ઘડી ઠગાઇ આચરીઃ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૩૧: શેર બજાર, આઇપીઓમાં રોકાણના નામે મુળ અમરેલીના અને હાલ રાજકોટ રહેતાં દંપતિ તથા અન્ય એક શખ્સે પંચવટી પાર્કના વૃધ્ધને ફસાવી રોકાણના નામે ૧૨,૬૦,૦૦૦ મેળવી લઇ તેમાંથી માત્ર ૪૯ હજાર પાછા આપી બાકીના ૧૨,૧૧,૦૦૦ નહિ આપી છેતરપીંડી કરતાં ફરિયાદ થઇ છે. આ શખ્સે પોતાની પત્નિ મારવાડી ફાયનાન્સની ફ્રેન્ચાઇઝીની ઓથોરાઇઝ છે તેમ કહી રોણા પર ચોક્કસ મોટુ વળતર અપાવશે તેવી લાલચ દઇ કાવત્રુ ઘડી ઠગાઇ આચરી હતી. આ ઉપરાંત એન્ય એક શેર બજારના ધંધાર્થી સાથે આ રીતે ૨૫ લાખની વધુની ઠગાઇ કરી હતી. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જલારામ હોસ્પિટલ પાસે પંચવટી પાર્ક પ્લોટ નં. ૧૧૮ શેરી નં. ૧માં રહેતાં અને નિવૃત જીવન જીવતાં બલવીરસિંહ વશરામભાઇ ખેર (ઉ.વ.૬૭)ની ફરિયાદ પરથી અમરેલી લિલીયા રોડ પર સુખનાથપરાના વતની હાલ રાજકોટ જામનગર રોડ વિનાયક વાટીકામાં રહેતાં નિકુંજ વિનોદરાય ત્રિવેદી અને તેના પત્નિ મિતલબેન ત્રિવેદી તથા રાજકોટના પ્રીત પ્રવિણભાઇ ઠાકર વિરૂધ્ધ શેર બજારમાં રોકાણ કરી મોટુ વળતર અપાવવાના નામે ઠગાઇ કરવાનો ગુનો નોંધ્યો છે. મારા એક મિત્ર ચંદ્રેશભાઈ ધીરજલાલ પંડયા મારફત તેના જાણીતા અમરેલીના નિંકુજ વિનોદરાય ત્રીવેદી (મુળ અમરેલી હાલ રહે. ૪૧૨, ચોથો માળ, ટાઈમ સ્ક્વેર બીલ્ડીંગ અયોધ્યા ચોક પાસે) સાથે ફેબ્રુઆરી-૨૦૨૪માં મુલાકાત થયેલ હતી, ત્યારબાદ તેણે મને કહેલુ કે શેરબજારમા પોતાની પેઢી મારવાડી ફાઇનાન્સીયલ સર્વિસિસ લી.ની ફ્રેંચાઈઝી છે જેના ઓથોરાઇઝ તેના પત્નિ મિતલબેન નિંકુજ ત્રીવેદી છે, જેમાં રોકાણ કરવાથી સારુ વળતર મળશે તેવી વાત કરી હતી. તેમજ મને તેની ઓફિસે રૂબરૂ મળવા બોલાવતાં હું ત્યાં જતાં નિકુંજ અને તેના પત્નિ હાજર હાજર હતાં. ત્યારબાદ ફરી વખત અમીને જાન્યુઆરી-૨૦૨૪માં હું ફરીથી આ દંપતિની ઓફિસે ગયો હતો. ત્યારે તેણે મને વિશ્વાસમાં લઈને કહેલ કે તમે મારી કંપનીમાં પૈસા રોકાણ કરશો, તો તમને વધારે નફો થાશે અને સારૂ એવું વળતર મળશે. હું તમને વધારે પૈસા કમાવીને આપીશ.
આ પછી તેણે અલગ અલગ આઇપીઓની સ્કીમ સમજાવી હતી અને માહિતી આપી હતી. તેમજ રોકાણ કરેલ રકમ તથા વળતર પેટેની રકમ દસ દિવસમા મળી જશે તેવી પાકકી ખાત્રી આપી હતી. માર્કેટમાં સારા વળતરની લાલચ આપતાં મેં રોકડા ૩ લાખ તેની ઓફિસે આપ્યા હતાં. એ પછી નિકુંજે તેના જાણીતા પ્રીત ઠાકરને ૦૬/૦૩/૨૦૨૪ના રોજ મારા ઘરે મોકલ્યો હતો. પ્રીતે કહેલું કે હું અને નિકુંજ ત્રિવેદી બંને ભાગીદાર છીએ. એ પછી તેણે મારી પાસેથી મારી સહી કરેલો ચેક માગેલ હતો. જે મેં તેને આપ્યો હતો. ત્યારબાદ તા.૦૭/૦૩/૨૦૨૫ના રોજ જાણવા મળેલ કે નિકુંજે મારા ચેકમાં રૂ.૨,૪૦,૦૦૦/ની રકમ ભરી મારી જાણ બહાર એચડીએફસી બેંકમાંથી રકમ ઉપાડી લીધી છે. મેં આ બાબતે પુછતાં તેણે કહેલું કે તેણે ગોપાલ નમકીનનો આઇપીઓ ભર્યો છે. આ પછી ફરી નિકુંજે મારી પાસે ૧,૨૦,૦૦૦ આઇપીઓ ભરવા માંગ્યા હતાં. જે મેં રોકડેથી પ્રીતને આપ્યા હતાં.
ત્યારપછી નિકુંજ તા. ૨૦/૩/૨૦૨૫ના રોજ મારી ઘરે આવી રોકડ રૂપીયા ૬,૦૦,૦૦૦ લઈ ગયેલ, આ પછી ટુકડે ટુકડે તેણે મને કુલ. ૪૯,૦૦૦ પરત આપેલ હતા, બાકીની રકમ આપી નહોતી. અમારી કુલ મુળ રકમ ૧૨,૬૦,૦૦૦ પૈકી બાકી નીકળતી અમારી લેણી મુળ રકમના કુલ રૂપિયા ૧૨, ૧૧,૦૦૦ વારંવાર માંગવા છતાં નિકુંજ, તેની પત્નિ અને ભાગીદાર પ્રીતે પાછા આપ્યા ન હોઇ અંતે ફરિયાદ કરી હતી. પીઆઇ એચ. એન. પટેલની રાહબરીમાં એએસઆઇ બી. આર. વાસાણીએ ગુનો દાખલ કરતાં વધુ તપાસ પીએસઆઇ ડી. બી. કારેથાએ હાથ ધરી છે. બીગબજાર સામે કરણ પાર્ક શેરી નં.૨માં રહેતા અને માર્કેટીંગનું કામ કરતાં ચંદ્રેશભાઈ પંડયા (ઉ.વ. ૪૯)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના મિત્ર પ્રીત પ્રવીણભાઈ ઠાકર મારફત તેના બનેવી નિકુંજ વિનોદરાય ત્રિવેદી (રહે. મૂળ અમરેલી, હાલ વિનાયક વાટીકા જામનગર રોડ) સાથે સંપર્કમાં આવ્યા હતા. જેણે તેને અયોધ્યા ચોક પાસે ટાઈમ્સ સ્કવેર-૨ બિલ્ડીંગમાં આવેલી ઓફિસમાં બોલાવતાં ત્યાં ગયા હતા. જયાં નિકુંજ અને તેની પત્નિ મિતલબેન હાજર હતા. નિકુંજે કહ્યું કે મારી પત્નીના નામે મારવાડી ફાઈનાન્સીયલ સર્વિસીઝની ફ્રેન્ચાઈઝી છે. મારી કંપનીમાં રોકાણ કરશો તો સારૂ વળતર મળશે. હું તમને વધારે પૈસા કમાવીને આપીશ. તે સાથે અલગ-અલગ આઈપીઓની સ્કીમ સમજાવી હતી. સાથોસાથ રોકાણ કરેલી રકમ અને વળતરની રકમ દસ દિવસમાં મળી જશે તેવી ખાત્રી આપતાં કટકે-કટકે તેને નેટ બેન્કિંગ, આરટીજીએસ વગેરે મારફત રૂ. ૨૫.૯૯ લાખ આપ્યા હતા. જેમાંથી તેને રૂ. ૮૯,૦૦૦ પાછા આપ્યા હતા. બાકીના રૂ. ૨૫.૧૦ લાખ અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં આપતા ન હોવાથી બંને વિરૂધ્ધ અરજી કરી હતી. જેના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. આમ બે કિસ્સામાં આ ત્રણેયએ મળી ૩૭ લાખથી વધુની ઠગાઇ કરી હોવાનું ખુલતાં તપાસ થઇ રહી છે. (૧૪.૭)
(2:28 PM IST)










