News of Thursday, 31st July 2025
નંદી પાર્કમાં એસએનકે સ્કૂલના ટીચરના ઘરમાં ૧૦.૮૦ લાખની ચોરીઃ ત્રણ શકમંદ કેમેરામાં દેખાયા
યુનિવર્સિટી રોડ નંદી પાર્કમાં અપુર્વા અપાર્ટમેન્ટમાં રહેતાં મુળ જુનાગઢના ક્રિશ્ચન પતિ-પત્નિ સવારે નોકરીએ ગયા'તાઃ દિકરો-દિકરી સ્કૂલે ગયા હોઇ ઘર રેઢુ હતું: બપોરે બે વાગ્યે ઘરે આવ્યા ત્યારે ચોરીની જાણ થઇઃ લેઝલીભાઇ ચાંદેકરે ફરિયાદ નોંધાવીઃ યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ની ટીમો ભેદ ઉકેલવા કામે લાગી

રાજકોટ તા. ૩૧: શહેરના યુનિવર્સિટી રોડ પર એસએનકે સ્કૂલ પાછળ નંદી પાર્કમાં રહેતાં અને એસએનકે સ્કૂલમાં શિક્ષક તરીકે નોકરી કરતાં મુળ જુનાગઢનાવતની ક્રિશ્ચન દંપતિના ફલેટના ધોળે દિવસે તાળા તોડી તસ્કરો રૂા. ૧૦,૮૦,૫૦૦ના સોનાના દાગીના, રોકડ ચોરી જતાં ભેદ ઉકેલવા પોલીસની ટીમોએ દોડધામ શરૂ કરી છે. ત્રણ જેટલા શકમંદો સીસીટીવી કેમેરામાં જોવા મળ્યા હોઇ તેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી છે.
ચોરીના આ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ એસએનકે સ્કૂલ પાછળ નંદી પાર્ક-૫માં અપુર્વા એપાર્ટમેન્ટમાં ૧૦૧ ખાતે રહેતાં અને એસએનકે સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરતાં મુળ જુનાગઢ ઝાંઝરડા રોડ હરિકૃપા બંગલોઝના રહેવાસી લેઝલીભાઇ ડોનાલ્ડકિશોર ચાંદેકર-ક્રિヘીયન (ઉ.વ.૪૯)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
લેઝલીભાઇ ચાંદેકરે જણાવ્યું છે કે હું હાલમાં મારા પત્નિ જાસ્મીનબેન અને ૧૫ વર્ષના દિકરા ક્રિથ તથા ૧૨ વર્ષની દિકરી મર્લીન સાથે રહુ છું. હું એસએનકે સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરુ છું અને મારા પત્નિ પણ આ સ્કૂલમાં જ નોકરી કરે છે. બુધવારે તા. ૩૦/૭ના સવારે સાત વાગ્યે હું અને મારા પત્નિ નિત્યક્રમ મુજબ સ્કૂલે નોકરીએ જવા નીકળી ગયા હતાં. મારો દિકરો અને દિકરી સેન્ટ પોલ સ્કૂલમાં અભ્યાસ કરતાં હોઇ તેઓ પણ સ્કૂલે જવા નીકળી ગયા હતાં. છેલ્લે દિકરા કિથે ઘરને લોક કર્યુ હતું.
ત્યારબાદ બપોરે બે વાગ્યા આસપાસ હું અને મારા પત્નિ ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો ખુલ્લો જોતાં દિકરો કે દિકરી સ્કૂલેથી આવી ગયા હશે તેવું લાગ્યું હતું. પરંતુ અંદર જઇ દિકરાને સાદ પાડતાં કોઇ રિપ્લાય નહિ મળતાં બેડરૂમમાં જતાં ત્યાં સામાન, કબાટ વેરવિખેર જોવા મળતાં અને કબાટની તિજોરી ખુલ્લી જોતાં ચોરી થયાનું જણાયું હતું. તિજોરીમાંથી સોનાના દાગીના રાખવાનો ડબ્બો ગાયબ હતો. બેડરૂમમાં સેટીપલંગ ઉપર સરસામાન પણ વેરવિખેર પડયો હતો. ત્યારબાદ અમારા બાળકોના સ્ટડી રૂમમાં જતાં ત્યાં પણ કબાટ ખુલ્લો હતો અને સામાન વેરવિખેર હતો. મારા કબાટમાં રોકડા પાંચ હજાર હતાં તે પણ જોવા મળ્યા નહોતાં. અમારા ઘરના મુખ્ય દરવાજા તરફ જતાં નકુચો તૂટેલો હતો અને તાળુ હોલમાં સેટી પર પડેલુ જોવા મળ્યું હતું. ચોરી થયાનું જણાતાં અમે પોલીસને જાણ કરી હતી. જે દાગીના ચોરાઇ ગયા તેમાં સોનાના બે ચેઇન ૩ તોલાના રૂા. ૨,૨૫,૦૦૦, પેન્ડલ સટ ૪ તોલાનો રૂા. ૩,૦૦,૦૦૦, બુટી બે જોડી ૧ તોલાની રૂા. ૭૫,૦૦૦, સોનાના ક્રોસ નાના મોટા ૪ નંગ ૧ તોલાના રૂા. ૭૫,૦૦૦ના, સોનાની કડી બે જોડી રૂા. ૩૦,૦૦૦ની, લેડીઝ વીંટી રૂા. ૩૭૫૦૦ની, જેન્ટસ વીંટી રૂા. ૩૭૫૦૦ની અને રોકડા ૫૦૦૦ મળી કુલ રૂા. ૧૦,૮૫,૦૦૦ની માલમમત્તાનો સમાવેશ થાય છે.
ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા ડીસીપી જગદીશ બાંગરવાની રાહબરીમા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. એન. પટેલ, સેકન્ડ પીઆઇ સી. વાય. મહાલેએ તપાસહાથ ધરી છે. ક્રાઇમ બ્રાંચ, એલસીબી ઝોન-૨ પીએસઆઇ એચ. આર. ઝાલા અને ટીમે પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્રણેક શકમંદો નજરે ચડયા છે. આ શખ્સો હિન્દીભાષામાં વાત કરી રહ્યા હોવાનું પણ જણાયું હોઇ તેને શોધી કાઢવા મહેનત શરૂ થઇ છે. ધોળે દિવસે બનેલી ચોરીની આ ઘટનાથી ચકચાર મચી ગઇ છે. (૧૪.૮)
(2:59 PM IST)










