તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 31st July 2025
સોમવારે શ્રી કામનાથ મહાદેવનો ૭૬મો પાટોત્સવ
વાજતે ગાજતે વરણાંગી : જામખંભાળીયાનું આંબાવાડી કલાવૃંદ, ઉજજૈનનું કલારંગ મંડળ, નાસિક ઢોલ, ગડુની શરણાઇ અને લોકકલાકારોનો કાફલો જોડાશે : ભાવિકોને જોડાવા કકકડ પરિવારનું સ્નેહભીનું નિમંત્રણ

રાજકોટ તા. ૩૧ : શહેરના ૧૪૬ વર્ષ પૌરાણિક શ્રી કામનાથ મહાદેવ મંદિર દ્વારા તા.૪ ઓગષ્ટના ૭૬માં પાટોત્સવની ધામેધૂમે ઉજવણી કરાશે. આ મહોત્સવના ભાગરૂપે લઘુરૂદ્રાભિષેક, ષોડશોપચાર પૂજન સહીત વિશેષ ધાર્મિકવિધિઓ થશે. સમગ્ર મંદિરને અનેરા શણગાર કરાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી કામનાથ મહાદેવની વરણાંગીનું આયોજન કરાયુ છે. બપોરે ર વાગ્યે નીજ મંદિરેથી શ્રી કામનાથ મહાદેવની વરણાંગીને પ્રસ્થાન કરાવાશે. અહીંથી કોઠારીયાનાકા, આશાપુરા મંદિર પેલેસ રોડ, રાજશ્રી સીનેમા, સાંગણવાચોક, ધર્મેન્દ્રરોડ, પરાબજાર થઇ શ્રી કામનાથ મંદિરે પુર્ણાહુતી થશે. જેમાં આંબાવાડી કલાવૃંદ ખંભાળીયા, શ્રી કલારંગ મંડળ ભષ્મમૈયા-ઉજજેન, ઢોલ વાદક-સ્ટારગ્રુપ નાસિક, ગડુની શરણાઇ અને લોક કલાકારો, રાસ ગરબા મંડળીઓ, દિવડા આરતી, વિશિષ્ટ થીમ આધારિત ફલોટસ, ભક્તિ, લોકકલાનું સંગમ અને સંસ્કૃતિની ઉપાસના કરાશે. સર્વે ભાવિક ભકતોએ આ વરણાંગીમાં જોડાવા શ્રી કામનાથ મહાદેવ મંદિર, તથા કામનાથ પ્રા.લી. (મો.૯૦૯૯૦ ૩૮૫૫૫, મો.૯૦૯૯૦ ૭૬૨૩૭) દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયુ છે.
સંસ્કૃત શિક્ષણથી સંસ્કૃતિની ધરોહર
શ્રી કામનાથ મહાદેવ પરિસરમાં છેલ્લા ૨૬ વર્ષથી કાર્યરત શ્રી બ્રહ્માનંદ સંસ્કૃત પાઠશાળા ગુરૂજી શ્રી હર્ષદભાઇ શાષાીના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત ભાષાનું સંવર્ધન અને વૈદિક કર્મકાંડની શિસ્તબધ્ધ શિક્ષા અપાઇ રહી છે. અહીં વિદ્યાર્થીઓને યોગ, આયુર્વેદ અને ધર્મશિક્ષણનું મુલ્યમાપન કરવામાં આવે છે. નિઃશુલ્ક તાલીમ આપી શાષાીય જ્ઞાનનો પ્રકાશ પાથરવામાં આવે છે.
શિક્ષા અને સેવાની દિવ્યધારા
શ્રી કામનાથ મહાદેવના પવિત્ર ધામમાં શ્રી ભોલા મહારાજના માર્ગદર્શન હેઠળ હોમ-હવન, નિત્યપૂજા, યજ્ઞ વિધિ તથા ધાર્મિક વ્યવસ્થાઓની અમલવારી થાય છે. અહીં આયુર્વેદ, હોમિયોપેથી અને દરીદ્રનારાયણની સેવા જેવી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે.
કકકડ પરિવારની અનન્ય સેવા
શ્રી વિઠ્ઠલજી બેચરજીભાઇ કકકડ પરિવાર વર્ષોથી મંદિરનો ધર્માધિકાર નિષ્ઠાપૂર્વક વહન કરે છે. સ્વ. વિઠ્ઠલજીભાઇનું ભક્તિમય જીવન-ધાબળી પહેરી, એક પગે ઉભા રહી ભોલેનાથનું ધ્યાન આજે પણ શ્રધ્ધાનું કેન્દ્ર બની રહ્યુ છે. આ કામનાથ મહાદેવની ધર્મ ભક્તિનો વારસો હવે પ્રિયવદનભાઇ શાંતિલાલ કકકડ, અવધભાઇ પ્રિયવદનભાઇ કકકડ અને કકકડ પરિવારે અવિરત જાળવી રાખ્યો છે.
(3:28 PM IST)










