<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st July 2025

રાજકોટ એસટી ડેપો પર ૧૦ દિ'થી ગટરના ગંધાતા પાણીથી તળાવ ભરાયું: મુસાફરો ત્રાહિમામ

જવાબદારો કુંભકર્ણ નિદ્રામાં: પેનલ્‍ટી કરવા કોર્પોરેશનને એસટી મૂસાફરી હિતરક્ષક સમિતીની માંગ

રાજકોટ, તા. ૩૧: ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના આગેવાનોની સંયુક્‍ત યાદી જણાવે છે કે એસ.ટી બસ પોર્ટ પર  છેલ્લા દસેક દિવસથી જાહેર રસ્‍તા પર મ્‍યુનિસિપલ કમિશનરની કચેરીની બાજુમાં ગંદા અને ગંધાતા પાણી ઉભરાઈ રહ્યા છે. એસ.ટી બસ પોર્ટ પર રોજિંદી ૧૨૦૦ થી વધુ બસોની અવરજવર અને ૮૦,૦૦૦ મુસાફરોની નિયમિત આવજા કરે છે આ તમામ બસોને અને આવતા જતા મુસાફરોને આ ગંધાતા મેલા પાણીમાં થી પસાર થવું પડે છે. તેમ છતાં જવાબદારોનું પેટનું પાણી હલતું નથી. લાંબા સમયથી મુસાફરો અને અપડાઉન કરનાર મિત્રોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને બસપોર્ટમાં એન્‍ટ્રી પાસે થી પસાર થતી વખતે લપસી ન પડે અને મોઢા પર હાથ આડા રાખવા પડે એ પ્રકારની રબડી, કાદવ અને કિચડ જેવી પરિસ્‍થિતિ છેલ્લા દસેક દિવસથી છે. રાજકોટ મહાનગરપાલિકા ના અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ ઢેબર રોડ પરના એસ.ટી બસ પોર્ટ પાસેથી પસાર થતા હોવા છતાં હજારો મુસાફરોને યાતનાઓ સહેવી પડે છે જેના માટે જવાબદાર રાજકોટ મહાનગરપાલિકાનું નિંભર તંત્ર અને એસ.ટી બસ પોર્ટનું ખાડે ગયેલું તંત્ર છે.

આ અંગે ગુજરાત એસ.ટી મુસાફર હિતરક્ષક સમિતિના ગુજરાતના પ્રતિનિધિ ગજેન્‍દ્રસિંહ ઝાલાએ મહાનગરપાલિકાનાં કોલ સેન્‍ટરમાં ફરિયાદ નંબર ૨૫૨૩૫૩૩૧ થી ફરિયાદ કરવામાં આવી છે અને સેન્‍ટ્રલ ઝોનના સીટી ઇજનેર કે. કે. રાવલ અને વોર્ડ નંબર ૭ ના ડેપ્‍યુટી ઇજનેર મધુ ગાનવિતને બસપોર્ટ પાસે ઉભરાતા ગંદા ગટરના મેલા પાણી અંગે તાત્‍કાલિક જવાબદારને નોટિસ ફટકારી પેનલ્‍ટી કરવી અને તાત્‍કાલિક મેલા પાણી બંધ કરવા ફરિયાદ કરવામાં આવી છે.

 

(3:40 PM IST)