<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 4th August 2025

નિંદર નહોતી આવતી એટલે કંટાળીને ૮૦ વર્ષના દેવાયતભાઇનો આપઘાત

માર્કેટ યાર્ડ નજીક માલધારી સોસાયટીનો બનાવઃ મોડી રાતે બહારગામથી પરત આવી ઘર પાસે ઉલ્‍ટી કરવા માંડતાં પરિવારને જાણ થઇ

રાજકોટ તા. ૪: જુના માર્કેટ યાર્ડ પાસે માલધારી સોસાયટીમાં રહેતાં દેવાયતભાઇ રાણાભાઇ સિંધવ (ઉ.વ.૮૦) નામના વૃધ્‍ધે મોડી રાતે એકાદ વાગ્‍યે ઘર નજીક ઝેરી ટીકડીઓ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેશભાઇ, પરેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇએ જાણ કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર દેવાતભાઇ ચાર ભાઇમાં મોટા હતા અને નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં બે દિકરા અને બે દિકરી છે. તેમના પુત્રએ કહ્યું હતું કે પિતાજીને નિંદર આવતી ન હોઇ તેઓ કંટાળી ગયા હતાં. શનીવારે બહારગામ જઇ પરત આવ્‍યા બાદ ગઇકાલે ફરી માણવદર સગાને ત્‍યાં આટો મારવા ગયા હતા. રાતે એકાદ વાગ્‍યે પરત આવી ઘર પાસે ઉલ્‍ટીઓ કરતાં હોઇ અમે તેમને પુછતાં ઝેરી ટીકડીઓ પી લીધાનું કહ્યું હતું. નિંદર ન આવતી હોઇ કંટાળી ગયા હોવાથી આ પગલુ ભર્યુ હતું.

(2:31 PM IST)