News of Tuesday, 5th August 2025
પ્રગટ ટ્રસ્ટ દ્વારા ક્રિનાબેન કારીયાના સ્મરણાર્થે વિધવા બહેનો માટે વિનામુલ્યે ધાર્મિક યાત્રા
૧૦૦થી વધુ વડીલ બહેનો જોડાશે, ૧૫મીએ જ ફોર્મ ભરી દેવા

રાજકોટઃ શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત દસમાં વર્ષે સ્વ.ક્રિનાબેન અતુલભાઈ કારીયાના સ્મરણાર્થે શ્રી અતુલભાઈ ધીરજલાલ કારીયા તથા શ્રીમતિ ભાવનાબેન અતુલભાઈ કારીયા પરિવારના મુખ્ય યજમાન પદે શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી મથુરદાસ નરભેરામ પારેખ ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી ચાલતા શ્રી રાજચંદ્ર આજીવન નિઃશુલ્ક ખીચડી કેન્દ્રના અંદાજીત ૨૨૫ નિરાધાર, નિઃસહાય, નિઃસંતાન, ગંગા સ્વરૂપ માતાઓ (વિધવા) માટે વિનામુલ્યે એક ધાર્મિક યાત્રાનું આયોજન તા.૨૩/૦૨/૨૦૨૬ થી તા.૧૧/૦૩/૨૦૨૬ સુધી કરવામાં આવેલ છે.
આ યાત્રામાં જે ગંગા સ્વરૂપ માતાઓ (વિધવા) પાસે ખીચડી કેન્દ્રનું ફોટા વાળુ કાર્ડ હશે તેઓને જ આ યાત્રામાં લઈ જવામાં આવશે. આ ધાર્મિક યાત્રામાં બે જ્યોર્તિલીંગ સાથે રામેશ્વરમ, કન્યાકુમારી, પદ્મનાભ, મદુરાઈ, તીરૂપતી બાલાજી, શ્રીશેલમ, મલ્લીકાર્જુન, હૈદ્રાબાદ વગેરે સ્થળોની વિનામુલ્યે કરાવવામાં આવશે.
આ યાત્રામાં સામેલ થનાર ગંગા સ્વરૂપ માતાઓને રાજકોટ રેલ્વે સ્ટેશન થી રેલ્વે સ્લીપર ક્લાસમાં લઈ જવામાં આવશે. આ યાત્રામાં દરરોજ સવારે ચા, કોફી, નાસ્તો બપોરે તથા રાત્રે શુધ્ધ શાકાહારી કાઠીયાવાડી ભોજન આપવામાં આવશે.
આ યાત્રા ફોર્મનું વિતરણ તા.૧૫/૦૮ના રોજ ફક્ત એક જ દિવસ વહેલા તે પહેલાના ધોરણે સવારે ૧૦ થી ૧૨ તથા સાંજે ૫ થી ૮ કલાકે કરવામાં આવશે. જે કાર્યાલય શ્રી પ્રગટ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી પ્રગટ હનુમાનજી મંદિર, લક્ષ્મીવાડી શેરી.નં.૯/અ, મિલપરા મેઈન રોડ, રાજકોટ ખાતે સંપર્ક કરવો.
સંસ્થાનો આગામી કાર્યક્રમ સતત ૨૬માં વર્ષે ૧૧ દિકરીઓના સર્વે જ્ઞાતિ સમુહ લગ્નના ફોર્મનું વિતરણ પણ ચાલુ હોવાનું યાદીમાં જણાવાયું છે.
આ સેવા કાર્યમાં સંસ્થાના પૂજાબેન ભટ્ટ, જયાબેન વાઘેલા, કિર્તિબેન પાનસુરીયા, જયમીલ પંડયા, દેવાંગભાઈ ભટ્ટ, કશ્યપ ભટ્ટ, ધર્મેશ રાઠોડ, હર્ષદ રાઠોડ, સવજીબાપા, બચુબાપા, જયેશભાઈ અનડકટ, ચિંતન રાચ્છ તથા અન્ય કાર્યકરો સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ એસ.ભટ્ટ (મો.૯૯૨૫૦ ૧૭૮૮૮) જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(1:54 PM IST)










