તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 5th August 2025
રાસ ગરબા, ડમરૂ, ઢોલ અને શરણાઇના નાદ સાથે શ્રી કામનાથ મહાદેવની વાજતે ગાજતે નીકળી વરણાંગી

રાજકોટના બેડીનાકા સ્થિત ૧૪૬ વર્ષ પૌરાણિક શ્રી કામનાથ મહાદેવનો ૭૬ મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. બપોરે લઘુરૂદ્રાભિષેક પૂજન, ષોડશોપચાર પૂજન કરાયા બાદ શ્રી કામનાથ મહાદેવની વરણાંગી અને ફુલેકુ કામનાથ મહાદેવમંદિરથી પ્રારંભ થયેલ. જે પરાબજાર, કાપડ માર્કેટ, ધર્મેન્દરરોડ, સાંગણવા ચોક, રાજશ્રી સીનેમા, આશાપુરા મંદિર, કોઠારીયા નાકા થઇ ફરી કામનાથ મહાદેવ મંદિરે પૂર્ણ થયેલ. આ વરણાંગી રંગારંગ કાર્યક્રમો સાથે નિયત રૂટ પર ફરી હતી. ફલેકા દરમિયાન રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા જામખંભાળીયાનું પ્રખ્યાત આંબાવાડી કલાવૃંદ, શ્રી ભષ્મમૈયા ભકત મંડળ - ઉજજેન (આહલાદક ડમરૂ વાદન), નાસિકના પ્રખ્યાત ઢોલ (સ્ટાર ગ્રુપ), સોમનાથ ભીખુભાઇ અખીયા ગૃપ (ગરબા), ગડુની સુર- મધુર શરણાઇ વાદન તેમજ અન્ય રાસમંડળીઓ, દીવડા આરતી, અવનવા ફલોટસ તથા વિવિધ સ્થળોએથી આવેલા પરંપરાગત લોક કલાકારોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. ધર્મનગર રાજકોટમાં કલ્યાણકારી શ્રી કામનાથ મહાદેવની વરણાંગી દર વર્ષે શ્રાવણ સુદ દશમના રોજ યોજાય છે. આ ફુલેકામાં બાળકોથી માંડીને વૃધ્ધો મોટી સંખ્યામાં જોડાય છે. કોઇ રાસ ગરબા રમે છે, કોઇ કિર્તનનો લ્હાવો લ્યે છે. કોઇ પુષ્પવૃષ્ટિ કરે છે કોઇ દાદાને મસ્તક નમાવી આશીર્વાદ લ્યે છે તો કોઇ દાદાની પાલખી ઉચકવાનો લ્હાવો લ્યે છે. જય કામનાથ દાદાના નારાઓથી સમગ્ર વાતાવરણ ધર્મમય બની જાય છે. યાત્રાના રૂટ પર ચા પાણી, નાસ્તો, ઠંડા પીણાની સેવાઓ પણ ચાલુ હોય છે. આ મંદિરમાં છેલ્લા ૨૭ વર્ષથી શ્રી કામનાથ મહાદેવ પ્રેરીત શ્રી બ્રહ્માનંદ સંસ્કૃત વેદ પાઠશાળાનું સંચાલન ગુરૂજી શ્રી હર્ષદભાઇ જીવરામભાઇ શાષાીજીની સેવા નીશ્રામાં બ્રહ્મદેવોને વિનામુલ્યે સંસ્કૃત કર્મકાંડની તાલીમ આપવામાં આવે છે. મંદિર પરિસરમાં વિનામુલ્યે યોગ, આયુર્વેદ, હોમિયોપેથી અને દરીદ્રનારાયણની સેવા પ્રવૃત્તિઓ ચાલે છે. તસ્વરીમાં શ્રી કામનાથ મહાદેવના પાટોત્સવ પ્રસંગે યોજાયેલ વરણાંગીના દ્રશ્યો નજરે પડે છે.
(1:55 PM IST)










