<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

રૈયા ચોકડી પાસે લક્ષ્મીછાંયા સોસાયટીમાં જીતેન્‍દ્ર ઝાપડીયાએ હોર્ન વગાડતાં હાથ-પગ ભાંગી નંખાયા

છાયાબેન ભરવાડ ચાલીને જતાં હોઇ સાઇડમાં ખસેડવા હોર્ન વગાડતાં તેણે પતિને વાત કરતાં પતિ સંજયએ મામા સાથે મળી હુમલો કર્યોઃ ગાંધીગ્રામમાં ફરિયાદ

રાજકોટ તા. ૫: ગાંધીગ્રામમાં રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં યુવાને શેરીમાં એક ભરવાડ મહિલા ચાલીને જતાં હોઇ તેને દૂર ખસેડવા માટે મોટરસાઇકલનું હોર્ન વગાડતાં મહિલાએ પોતાના પતિને જાણ કરતાં તેણીના પતિએ પોતાના મામા સાથે મળી આ યુવાન પર પાઇપથી હુમલો કરી બેફામ માર મારતાં એક હાથ અને એક પગ ભાંગી ગયા હતાં.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે રૈયા ચોકડી લક્ષ્મીછાંયા સોસાયટી ૨૫ વારીયા બ્‍લોક નં. ૧૦૫ શેરી નં. ૩માં રહેતાં અને કડીયા કામની મજૂરી કરતાં જીેન્‍દ્રભાઇ ખોડાભાઇ ઝાપડીયા (ઉ.વ.૩૭)ની ફરિયાદ પરથી લાખા ભરવાડ, કાના ભરવાડ અને સંજય ભરવાડ વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

જીતેન્‍દ્રભાઇ ઝાપડીયાએ જણાવ્‍યું હતું કે હું મારા ઘર પાસે હતો ત્‍યારે સંજય અને તેના મામા લાખાભાઇ અને કાનાભાઇ મારા ઘર પાસે આવી ભુંડી ગાળો બોલી મારી સાથે ઝપાઝપી કરવા માંડયા હતાં. જેમાં લાખાભાઇએ મને લોખંડના પાઇપના ઘા મારી દેતાં પગ અને હાથમાં ઇજા થઇ હતી.  દેકારો થતાં કોઇએ ફોન કરતાં પોલીસ આવી ગઇ હતી. મને પગમાં, હાથમાં ખુબ પીડા થતી હોઇ સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ડોકટરે નીદાન કરતાં ડબા પગે અને જમણા હાથે ફ્રેકચર હોવાનું જણાયું હતું.

જીતેન્‍દ્રભાઇએ વધુમાં કહ્યુ઼ હતું કે અમારી શેરીમાં રહેતાં છાંયાબેન સંજયભાઇ ભરવાડ શેરીમાં ચાલીને જતાં હોઇ તેઓ સાઇડમાં જતા રહે એ માટે મેં હોર્ન વગાડતાં તેણે તેના  પતિ સંજયને વાત કરતાં સંજયએ આ બાબતનો ખાર રાખી પોતાના મામા સાથે મળી મારા પર હુમલો કરી હાથ-પગ ભાંગી નાખ્‍યા હતાં. પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરીમાં હેડકોન્‍સ. મિહીરસિંહ બારડે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(4:07 PM IST)