<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

મહિને વીસ ટકા વળતરની લાલચ આપી મવડીના નિકુંજભાઇ વોરા સાથે ૧૦.૪૫ કરોડની છેતરપીંડી

મવડી હેડ કવાર્ટર પાસે રહેતાં નિકુંજભાઈ વાવડીમાં કારખાનું ચલાવતાં ત્‍યારે સંપર્કમાં આવેલ રોહિત કંકાણીયાએ ૨૦ ટકા વળતર અથવા પાંચ મહિને બમણાં તેમજ આઈફોન, વિદેશ ટૂરની લાલચ આપી ફસાવ્‍યાઃ પત્‍નિ, માતા, પિતા, બહેનના નામે રોકાણ સામે એક આઇફોન અને બોનસ રૂપે માત્ર ૩૫ લાખ અપાયા, બાકીના કરોડો ખાઇ જવાયા :મવડી હેડ ક્‍વાર્ટર પાસે હાર્મની એકઝોટીકામાં રહેતાં યુવાનની ફરિયાદ પરથી યુનિવર્સલ ટ્રેડ લિંકના ભાગીદાર રોહિત શાંતિલાલ કંકાણીયા અને પ્રફુલા કંકાણીયા વિરૂધ્‍ધ ડીસીબી પોલીસે ગુનો નોંધ્‍યોઃ આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા તપાસ

રાજકોટ તા. ૫: અલગ અલગ રીતે લોકોને લલચાવી છેતરી લેવાના બનાવો સતત વધી ગયા છે. દરમિયાન શહેરના મવડી પોલીસ હેડકવાર્ટર પાસે રહેતાં ખેડૂતને યુનિવર્સલ ટ્રેડ લિંક પેઢીમાં રોકાણ કરવાથી દર મહિને ૨૦ ટકા વળતરની લાલચ આપી રૂા. ૧૦ કરોડ ૪૫ લાખનો ચૂનો લગાવી દેવામાં આવતાં ડીસીબી પોલીસમાં ગુનો દાખલ થતાં આર્થિક ગુના નિવારણ સેલે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ આ બનાવ અંગે મવડી હેડ ક્‍વાર્ટરની બાજુમાં હાર્મની એકઝોટીકા એ-૭૦૨માં રહેતાં નિકુંજભાઈ છગનભાઈ વોરા (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી ડીસીબી પોલીસે યુનિવર્સલ ટ્રેડ લિંકના ભાગીદાર રોહિત શાંતિલાલ કંકાણીયા અને પ્રફુલા રોહિત કંકાણીયા (રહે. બંને આસોપાલવ ગ્રીન એપાર્ટમેન્‍ટ સાધુવાસવાણી રોડ) વિરૂધ્‍ધ ગુનો દાખલ કર્યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્‍યું છે કે તેમને પડધરીના તરવાડી ગામે પિતાના નામે ખેતીની જમીન આવેલ છે. તે પહેલા રાજકોટમાં વાવડી મુકામે એપલ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામે ફેબ્રીકેશનનું છેલ્લા ૧૫ વર્ષથી ભાડેથી કારખાનુ રાખી કામકાજ કરતાં હતાં. તે કારખાનુ અરજણભાઈ સભાયા પાસેથી ભાડા પટે રાખેલ હોઇ અને તેનો દિકરો ભાવેશભાઇ સભાયા અવાર નવાર કારખાને આવતો હોઇ જેથી અમો બંને એકબીજાના સંપર્કમાં આવેલ હતા. ભાવેશભાઈ સભાયા અવાર નવાર નવા ધંધા માટે વાતચીત કરતા હતા.

તેઓને પણ નવો મેન્‍યુફેકચરીંગ અને ટ્રેડીંગનો ધંધો કરવાનો હોવાથી ભાવેશભાઇ સભાયાએ વર્ષ ૨૦૨૪ ના એપ્રીલ મહીનામાં જણાવેલ કે, રોહીત કંકાણીયા પોતાના મીત્ર છે અને તે રાજકોટમાં યુનિવર્સલ ટ્રેડલીક નામે નનામવા રોડ પર ડેકોરા નાઇન સ્‍કવેરમાં ઓફિસ આવેલ છે. રોહિત કકાણીયા પાસે રોકાણ કરવા તેમજ સાથે વળતર માટેની લાઇન/લીંક છે અને તેમાં રોકાણ કરવાથી સારૂ વળતર અથવા પાંચ મહીનામાં રોકાણ કરેલ રૂપીયા બમણા થઈ જાય તેમ ભાવેશભાઈ સભાયાએ વાત કરેલ હતી. બાદમાં વર્ષ ૨૦૨૪માં એપ્રીલ/મે મહીનાના સમયમાં ભાવેશ સભાયાએ   રોહીત કંકાણીયા સાથે મુલાકાત કરાવેલ હતી.  તે વખતે  રોહીત કંકાણીયાને કેપીટલ મની માર્કેટનો ધંધો છે અને તેમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવામાં આવે છે અને ભાવેશભાઈ સભાયાએ પણ પોતે  કંપનીમાં રોકાણ કરેલ અને સારૂ એવુ વળતર આપતા હોવાનુ જણાવેલ હતું. રોહીત કંકાણીયાને દુબઇમાં પણ કોન્‍ટેક છે.

આ ઉપરાંત  રોહીત કંકાણીયા દ્વારા જણાવવામાં આવેલ કે, પોતે પોતાના રોકાણકારોનુ તમામ રોકાણ દુબઈની સ્‍પેશ વાર્ડ કેપીટલ કંપનીમાં રોકાણ કરે છે અને પોતાની યુનિવર્સલ ટ્રેડ લિંકની પેઢી દુબઈની સ્‍પેશ વર્લ્‍ડ કેપીટલ કંપની માટે કામ કરે છે અને પોતાના રોકાણનો વેપાર ધંધો સુશીલ મોઝર મારફતે ચાલે છે અને સુશીલ મોઝરની ઓફીસ પુણે (મહારાષ્‍ટ્ર)માં આવેલ છે, સુશીલ મોઝર વધારે સમય દુબઇ રહે છે. તેઓ સુશીલ મોઝરને કયારેય રૂબરૂમાં મળેલ નથી કે મેં તેઓની ઓફીસ જોયેલ નથી, રોહિત કંકાણીયાએ પોતાના તથા સુશીલ મોઝર અને દુબઈના શેખના ફોટા વ્‍હોટસપમાં મોકલેલ હતા. દુબઈની સ્‍પેશ વર્લ્‍ડ કેપીટલ કંપનીની વિગતો મોકલેલ હતી.

તેમજ ભાવેશભાઈ સભાયાએ પણ તે કંપનીમાં વર્ષથી રોકાણ કરેલ હોય અને તેઓને સમયસર વળતર મળતુ હોવાનું જણાવેલ હતું. આરોપીએ  જણાવેલ કે, તમે શરૂઆતમાં નાની રકમનુ રોકાણ કરો અને તેનુ મહિને ૨૦ ટકા વળતર ચુકવવામાં આવશે. રોકાણ અર્થે સગા વ્‍હાલાઓ પાસેથી જ રૂપીયા લેવાની વાત કરેલ હતી, જેથી ફરીયાદીને વિશ્વાસ આવતાં તેમાં રોકાણ કરવાનુ નકકી કરેલ હતું. પરંતુ તેઓએ કોઈ લખાણ કે નોટરાઈઝ કરાર કરેલ નથી. રોહિત કંકાણીવાએ તેની પત્‍નિ પ્રફુલાના અને પોતાના બેંક એકાઉન્‍ટની વિગતો આપેલ હતી.

ત્‍યારબાદ ફરીયાદી નિકુંજભાઇએ સા પ્રથમ  રૂ.૩ લાખ બેંક ખાતામાં ટ્રાન્‍સફર કરેલ હતા, જે બાદ તેઓએ ઓળખીતા તથા સગા વહાલાઓ પાસેથી રૂપીયા બેંક મારફતે મેળવેલ અને મે ૨૦૨૪ થી ડિસેમ્‍બર ૨૦૨૪ સુધીમાં  કુલ રૂ.૧,૯૨,૨૦,૦૦૦ આરોપીનો યુનિવર્સલ ટ્રેડ લિંક પેઢીના બેંક ખાતામાં રોકાણ અર્થે ટ્રાન્‍સફર કરેલ છે. તેમજ બાકીના રૂ.૨ કરોડ જેટલી રકમ  સગા વ્‍હાલાઓ પાસેથી હાથ ઉછીના લઈને  રોકડમાં જમા કરાવેલ હતી. ત્‍યારબાદ તેઓએ પત્‍નિ ચેતના વોરાના નામે પણ યુનિવર્સલ ટ્રેડ પેઢીમાં રોકાણ કરેલ છે. જેમાં કુલ તેઓની પેઢીના બેંક ખાતામાં રૂ.૨૦.૫૦ લાખ બેંક ટ્રાન્‍સફર કરેલ અને રોકાણ કરેલ હતું. સગા વ્‍હાલાઓ પાસેથી હાથ ઉછીના મેળવી રૂ.૨૫ લાખ રોકડમાં આપી રોકાણ કરેલ છે.

આ ઉપરાંત  પિતાના નામે તે પેઢીના બેંક ખાતામાં રૂ.૨,૧૦,૮૦,૦૦૦ તેમજ અમારા સગા બહાલા ઓ પાસેથી હાથ ઉછીની રકમ મેળવી રોકડ રૂ.૧.૨૦ કરોડ  રોહિત કંકાણીયાને રોકાણ માટે આપેલ છે. તે જ રીતે માતા નયનાબેનના નામે પેઢીમાં રૂ.૪૪.૮૦ બેંક મારફત અને રોકડ રૂ.૫૦ હજાર રોકાણ માટે આપેલ હતા. તેમજ બહેન દીપાબેન રજનીશભાઈ પીપળીયાના નામે પેઢીમાં રૂ.૨.૧૦ લાખ બેંક ટ્રાન્‍સફરથી તેમજ સગા વ્‍હાલાઓ પાસેથી હાથ ઉછીની રકમ મેળવી રોકડ રૂ.૯૫.૯૦ લાખ રોહિત કંકાણીયાને રોકાણ માટે આપેલ છે.

આ ઉપરાંત આરોપી રોહિતના કહેવાથી યુનિવર્સલ ટ્રેડલીંક પેઢીમાં માસીક ૨૦ ટકા વળતર અથવા તો પ મહીનામાં રૂપીયા ડબલ કરી આપવામાં આવશે તેમજ મોટી રકમનુ રોકાણ કરવાથી એપલ કંપનીનો આઇફોન તેમજ વિદેશની ટુરનુ પેકેજ પણ આપવામાં આવશે તેમ લોભામણી સ્‍કીમો આપેલ જેથી કરેલ રોકાણનું મે-જુન-જુલાઈ સુધી માસીક ૨૦્રુ લેખે વળતર અને ૫્રુ લેખે બોનસ મળી રોકડમાં કુલ આશરે રૂા. ૩૫ લાખ જેટલી રકમ ચુકવેલ છે. તેમજ ગત મે-૨૦૨૪ માં રોહિત કકાણીયા કારખાને રૂબરૂ આવી પોતાની કંપનીમાં મોટુ રોકાણ કરવા બદલ  આઇફોન ૧૫ પ્રો ફોન ગીફટમાં આપી ગયેલ  હતા,  ત્‍યારબાદ તેને વળતર આપવાનુ બંધ કરી દીધેલ અને રોકાણ કરેલ રકમ પરત આપવાનું કહેતાં તે સરખો જવાબ આપતા ન હતા.

તેમજ એક વખત  વાત કરેલ કે હાલમાં મહારાષ્‍ટ્રમાં ચુંટણી ચાલે છે અને ડીસેમ્‍બર એન્‍ડીંગ હોઇ જેથી ઉપર દુબઈ કંપનીમાંથી વળતર ચુકવવામાં આવતુ નથી જેથી તમને રોકાણ પરત કરવામાં આવશે નહી. તેમજ જણાવેલ કે, પોતે કરેલ રોકાણ અંગે પોતાની ડાયરીમાં વિગતો લખેલ છે અને પોતાની આઈ.ડી.પોર્ટફોલીયો બતાવેલ અને તેના ફોટા મોકલાવેલ જેમાં ૭૨,૩૨,૩૯૮નો પોર્ટફોલીયો હતો. જે બાદ ફરીવાર લેણી નીકળતી રકમની ઉઘરાણી કરતા રોહિત કંકાણીયાએ રૂપીયા આપવાની ના પાડી દીધેલ હતી. જેથી ૧૦.૪૫ કરોડની છેતરપિંડી આચરતાં ફરીયાદ નોંધાવી હતી.

બનાવ અંગેની ફરિયાદ પરથી આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ કે.જે.કરપડા, પીએઅસાઇ આર. કે. જાડેજા, વિરમભાઇ ધગલ સહિતના સ્‍ટાફે તપાસ હાથ ધરી છે. 

(4:06 PM IST)