News of Tuesday, 5th August 2025
આજી ડેમવાળો માર્ગ નવો બનતા જ પોલીસના ઉઘરાણાઃ સરકારી તીજોરી ભરવા ગરીબોના ખીસ્સા ખાલી કરવાના?
હાઇવે પર હેલ્મેટના નામે ગરીબોને લુંટતી પોલીસને લાગામ કરો : ગોપાલ અનડકટ

રાજકોટ તા. ૫ : રાજયભરમાં ટ્રાફીક નિયમન ભંગના નામે આકરા દંડ ઉઘરાવવાનું કારસ્તાન ચાલી રહ્યુ હોય તેમ સામાન્ય લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યાનું એક યાદીમાં આક્રોશ વ્યકત કરતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ગોપાલ અનડકટે જણાવ્યુ છે.
તેઓએ જણાવ્યુ છે કે આજી ડેમથી ત્રંબા સુધી નવો રોડ બનતા જ ઓવરસ્પીડના બહાને ચલણ પધરાવી સરકારી તિજોરી છલકાવવા પોલેસે ખેલ આદર્યો છે. હાઇવે ઉપર પણ ફરજીયાત હેલ્મેટના બહાને ગરીબ પ્રજાને લુંટવામાં આવી રહી છે. વાહન ચાલકોને રોકવાની ટ્રાફીક બીગેડને સતા ન હોવા છતા ખાખીધારી પોલીસ ગેરકાદેસર રીતે તેમને આવી કામગીરીમાં સામેલ કરી દયે છે.
સુચારૂ ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવાને બદલે ઇ-ચલણ મેમોથી દંડ ફટકારી માત્ર સરકારી તિજોરી ભરવાના ખેલ ખેલાવામાં આવી રહ્યા છે. રાજકોટ ભાવનગર હાઇવે પર ટોલટેક્ષની માફક પોલીસ દંડ ઉઘરાવી રહી છે. ઓવર સ્પીડ કે હેલ્મેટ કે અન્ય કોઇપણ બહાને લોકો પાસેથી તગડી રકમો ઉસેડવામાં આવી રહી છે. આવુ જ ગોંડલ રોડ ચોકડી, મોરબી રોડ બેડી યાર્ડ, કાલાવડ રોડ પર કટારીયા ચોકડી અને અમદાવાદ હાઇવે પર માલીયાસણ ચોકડી ખાતે પણ પોલીસ પડાવ નાખીને લોકોને દંડી રહી છે.
બેફામ બનેલ પોલીસને લગામ કરવામાં આવે તેવી માંગણી પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી ગોપાલ અનડકટ (મો.૮૦૦૦૦ ૦૩૦૦૩)એ ઉઠાવી છે.
(4:06 PM IST)










