<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

કરોડોના બાંધકામની વિગતો છૂપાવતી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી

નેક કમિટી અને યુજીસીએ પારદર્શક વહીવટની પ્રતિતિ કરાવવાનો આદેશ આપવા છતાં : બોર્ડ ઓફ મેનેજમેન્‍ટ, એકઝીકયુટીવ કાઉન્‍સીલ, એકેડેમીક કાઉન્‍સીલની વિગતો વેબસાઇટ ઉપર જાહેર પરંતુ એસ્‍ટેટની એકપણ વિગતો જાહેર ન કરતા અનેકવિધ ગણાગણાટઃ વહીવટ કે અજ્ઞાન

રાજકોટ,તા.૫: બી ગ્રેડની સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કાયમી કુલપતિ તરીકે ડો.ઉત્‍પલ જોષીની નિમણૂંક થયા બાદ પણ વિવાદો અટકવાનું નામ નથી લેતા હવે ખુદ કુલપતિ ડો. ઉત્‍પલ જોષીના નિર્ણયો અને વહીવટ ખુબ વિવાદસ્‍પદ બની રહયા છે. કુલપતિ ડો. ઉત્‍પલ જોષીનો ૨૦૦ દિવસનો કાર્યકાળ કોઇ સિધ્‍ધિ વર્ણવી શકાય તેમ ન હોય પરંતુ ગેરરીતી અને અણઆવડતના સેંકડો કિસ્‍સાઓનો શિક્ષણ જગત સામનો કરી રહ્યું છે.

કાયમી કુલપતિ તરીકે ઉત્‍પલ જોષી નિમણૂંક થયા બાદ શૈક્ષણીક કાર્ય સુર્દઢ બને તેમજ નવા અભ્‍યાસક્રમ તેમજ નિયમીત શિક્ષણકાર્ય થાય તે જોવાને બદલે બાંધકામના કાર્યમાં ગળાડુબ જોવા મળી  રહયા છે. આ બાંધકામ કાર્ય યુનિવર્સિટીના શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક કર્મચારી શંકાની દ્રષ્‍ટિએ જોઇ રહયા છે.

યુનિવર્સિટીની ગુણવતાનું મુલ્‍યાકંન કરતી નેક તેમજ યુજીસીએ સ્‍પષ્‍ટ જણાવ્‍યું છે કે વિદ્યાર્થી અને સામાન્‍ય જનતાને  યુનિવર્સિટીનો વહીવટ પારદર્શક થાય છે. તેની પ્રતીતી કરાવા તમામ બેઠકો ના જે નિર્ણય થાય તેની તમામ વિગતો વેબસાઇટ ઉપર ઝડપથી જાહેર કરવી.

નેક અને યુજીસીની સુચનાબાદ સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્‍ટ,  એકઝિકયુટીવ કાઉન્‍સિલ, એકેડેમીક કાઉન્‍સિલ, પરચેસ કમિટી,ની બેઠકોની તમામ વિગતો સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવી છે. પરંતુ માત્રને માત્ર કરોડો રૂપિયાના બાંધકામ એસ્‍ટેટની એક પણ વિગતો વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવી નથી.

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સતાધિશો દ્વારા માત્ર કરોડો રૂપિયાના બાંધકામની વિગતો છુપાવવા પાછળનું કારણ શું? બાંધકામનું કયું કામ કંઇ એજન્‍સીને આપવામાં આવ્‍યું? કેટલા ટેન્‍ડર આવ્‍યા હતા ? કેટલા સમયમાં બાંધકામ પુર્ણ કરવાનું? બાંધકામમાં કયું મટીરીયલ વાપરવાનું? બાંધકામની ગુણવતા નો સમય કેટલો? જો નિયત સમયમાં બાંધકામ પુરૂ ન થાય તો દંડની જોગવાઇ કેટલી? અગાઉના કામમાં ગેરરીતી થઇ છે કે કેમ તેમા કેટલો દંડ કે પગલા લીધાની કોઇ વિગત જાહેર કરવામાં આવી નથી.

સોૈરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ  મોટાભાગે બાંધકામના કાર્યમાં ખુબ પ્રવૃત  હોય છે. તો બાંધકામને લગતા નિર્ણયો કેમ જાહેર કરતા નથી હાલ તો મોઢા તેટલી વાતું થઇ રહી છે. 

(3:06 PM IST)