News of Tuesday, 5th August 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ફરી શારીરીક શોષણનો આક્ષેપઃ છાત્રા દ્વારા જાહેરમાં શોષણની રજુઆત
શોષણ મુદે કોઇ લેખીત ફરીયાદ નથી, યુનિવર્સીટીમાં મહિલા વીંગ કાર્યરતઃ કુલપતિ ઉત્પલ જોશી

રાજકોટ, તા. પઃ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં ગઇકાલે એક છાત્રાએ શારીરીક શોષણ થતો હોવાનો જાહેરમાં આક્ષેપ કરતા ચકચાર મચી છે પરંતુ આ અંગે કોઇ લેખીત ફરીયાદ થઇ નથી.
સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર ગંભીર વિવાદમાં આવી છે. જયારે એક વિદ્યાર્થીનીએ પીએચડી ગાઇડ દ્વારા શારીરીક શોષણનો આરોપ લગાવ્યો છે. એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટીમાં છેલ્લા ર વર્ષથી પીએચડી પ્રવેશ પરીક્ષા ન લેવાતા રજુઆત કરવા આવ્યા હતા તે દરમ્યાન એક વિદ્યાર્થીનીએ કુલપતિ ડો.ઉત્પલ જોશી સમક્ષ શારીરીક શોષણનો ગંભીર આક્ષેપ કર્યો. જેનાથી યુનિવર્સિટીની શૈક્ષણિક વ્યવસ્થા અને વહીવટી પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ ઘટનાને વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાવ્યો છે. યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પર પણ પડકાર ઉભો થયો.
કુલપતિ ડો. ઉત્પલ જોશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગઇકાલે મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઇ લેખિત ફરીયાદ પ્રાપ્ત થઇ નથી. તેમણે શારીરિક શોષણના આરોપોને ગંભીર ગણાવ્યા અને જણાવ્યું કે, યુનિવર્સિટીમાં જાતીય સત્તામણી વિરૂધ્ધની સમિતિ કાર્યરત છે, પરંતુ અત્યાર સુધી આવી કોઇ ફરીયાદ તેમના સુધી પહોંચી નથી. ડો. જોશીએ ભારપૂર્વક જણાવ્યું કે જો લેખિત ફરીયાદ પ્રાપ્ત થશે. તો યુનિવર્સિટીની મહિલા વિંગ દ્વારા યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ભૂતકાળમાં આવી ફરીયાદો પર મહિલા વિંગ દ્વારા યોગ્ય પગલા લેવાયા હોવાનો પણ ઉલ્લેખ કર્યો.
(4:06 PM IST)










