<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th August 2025

બખડજંતર... RMCના કાર્યક્રમોમાં હવે રામભાઇને ‘આમંત્રણ' નહિ

મનપામાં રાઘવજીભાઇની હાજરીમાં કરાયેલ વર્તનની પ્રદેશ ભાજપે નોંધ લઇ સુચના આપી : કોર્પોરેશનના કાર્યક્રમોની જાણ ન કરવા તથા પત્રિકામાં પણ નામ ન છાપવા શહેર અધ્‍યક્ષ માધવ દવેની મેયર નયનાબેનને સુચના

રાજકોટઃ તા.૫: રાજકારણમાં કયારે કોણ પ્રગતિ કરે અને કયારે નિચે પડે તે કહેવું અત્‍યંત મુશ્‍કેલ છે, ત્‍યારે સ્‍થાનીક રાજયસભા સાંસદ સાથે પણ એકદમ બંધ બેસે છે.

રાજકોટના સાંસદ રામભાઇ મોકરીયા ને મનપાના કોઇ કાર્યક્રમમાં સંમલીત ન કરવા તથા પત્રિકામાં પણ નામ ન લખવા સૂચના પ્રદેશમાંથી આવતા શહેર ભાજપ અને મનપામાં ખળભળાટ મચી ગયો છે.

થોડા સમય અગાઉ શહેર પ્રભારી રાધવજીભાઇની હાજરીમાં મનપામાં બેઠક મળી હતી.જેમાં સાંસદ,ધારાસભ્‍યો કોર્પોરેટરો હાજર રહયા હતા. આ બેઠકમા સાંસદ રામભાઇનું અયોગ્‍ય વર્તન અને શબ્‍દોની પ્રદેશમાં નોંધ લેવામાં આવી હતી. 

પ્રદેશ ભાજપ દ્વારા આટલા દિવસ દરમ્‍યાન બેઠકમાં હાજર નેતાઓને ખાનગીમાં ઘટના અંગે પુછવામાં આવતા સ્‍થાનીક ચુંટાયેલા પ્રતિનિધીઓએ મામલો ગરમાયો હોવાનો હુંકાર ભર્યો હતો અને ઘણા સમયથી સાંસદના વર્તન અંગેની ચિનગારી જવાળા બની હતી.

રાજયસભાનો કાર્યકાળ પૂરો થવામાં રામભાઇને થોડા જ મહિના બાકી છે ત્‍યારે પ્રદેશની શહેર ભાજપને મળેલ સુચના મુજબ મેયર નયનાબેન દ્વારા રામભાઇને કોર્પોરેશનના કાર્યક્રમોની સૂચના ન આપવા અને પત્રિકામાં પણ નામ ન લખવા તંત્રને આદેશ આપ્‍યો છે.

 

મને મનપામાં અપાયેલ સુચના અંગે કોઇ જાણ નથીઃ રામભાઇ

રાજકોટ : મનપામાં કાર્યક્રમોની જાણ ન કરવી અને પત્રિકામાં નામ ન છાપવાની સુચના અંગે અકિલા એ રામભાઇ મોકરીયાનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે આ સુચના અંગે મને કોઇ જાણ નથી અને હાલ હું સંસદનું ચોમાસુ સત્ર ચાલુ હોય હું દિલ્‍હી છું તેમ જણાવ્‍યું હતું.

(3:45 PM IST)