News of Tuesday, 5th August 2025
બેડીના રેલ્વે પૂલ નીચે પાણી-વેલ વચ્ચેથી વૃધ્ધની લાશ મળીઃ ટ્રેનની ઠોકરે ચડી ગયાની શક્યતા
આશરે ૬૦થી ૭૦ વર્ષના વૃધ્ધની ઓળખ મેળવવા બી-ડિવીઝન પોલીસની તપાસ

રાજકોટ તા. ૫: રાજકોટ મોરબી હાઇવે પર બેડી ગામ પાસે રેલ્વે બ્રીજ નીચેથી એક અજાણ્યા વૃધ્ધની લાશ મળી આવતાં ચકચાર જાગી છે. આ વૃધ્ધ ટ્રેનની ઠોકરે આવી ગયા બાદ પૂલ પરથી નીચે પટકાયા કે પછી અન્ય કોઇ રીતે? તેની તપાસ શરૂ કરવામાં આવી છે. લાશ પૂલ નીચે પાણી અને ગાંડીવેલની વચ્ચે પડી હોઇ ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢી પોલીસને સોંપી હતી.
જાણવા મળ્યા મુજબ બેડી ગામ પાસે રેલ્વે પૂલ નીચે એક વૃધ્ધની લાશ પડી હોવાની જાણ થતાં ફાયર બ્રિગેડના એસટીઓ રહીમ જોબનની રાહબરીમાં રણજીભાઇ ભરડા, મહાવીરસિંહ જાડેજા, ઇદ્રીશભાઇ રાઉમા, રાહુલભાઇ મુનીયા, રસીકભાઇ સાકરીયા, જયેશભાઇ સહિતે પહોંચી પાણી અને વેલની વચ્ચે મૃતદેહ પડયો હોઇ તે બહાર કાઢયો હતો.
આ બનાવની જાણ રેલ્વે પોલીસ અને બી-ડિવીઝન પોલીસને થતાં રેલ્વેના એએસઆઇ નરેન્દ્રભાઇ તથા બી-ડિવીઝનના હેડકોન્સ. યોગેશભાઇ સહિતના પહોંચ્યા હતાં અને પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી હતી. મૃતકની ઓળખ થાય તેવી કોઇ ચીજવસ્તુ મળી નથી. તેના ખિસ્સા તપાસમાં થોડીઘણી રોકડ મળી આવી હતી જે પોલીસને સોંપાઇ હતી. આ વૃધ્ધ ચાલુ ટ્રેનમાંથી પડી ગયા બાદ ઠોકરે ચડયા પછી પૂલ નીચે ફેંકાયા કે પછી અન્ય કંઇ બન્યું? તેની તપાસ થઇ રહી છે. તેમની ઓળખ મેળવવા પોલીસે તપાસ શરૂ કરી હતી. મૃતકે બ્લુ પેન્ટ અને આછો સફેદ દુધીયા પટ્ટાવાળો શર્ટ પહેરેલા છે.
(3:55 PM IST)










